આણંદ, તા.22 જૂન 2020, સોમવાર
આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ જારી રહેવા પામ્યો છે. આજે પણ જિલ્લામાંથી કોરોનાના વધુ બે કેસ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. હાલ તેઓને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બીજી તરફ આણંદ શહેરના વધુ એક નવા વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસારો કરતા વિદ્યા ડેરી રોડ ઉપર આવેલ એક રહેણાંક સોસાયટીમાં એક મહિલા કોરોનાની ઝપેટમાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આણંદ જિલ્લાના બોરસદના વતની ભરતસિંહ સોલંકીની તબિયત લથડતાં તેઓને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે ખળભળાટી મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ અનેક નેતાના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન અમદાવાદ ખાતેથી તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ભરતસિંહ સોલંકી અનેક નેતાઓ તથા મીડીયાકર્મીઓના સંપર્કમાં આવ્યા હોઈ સંક્રમિત લોકોની સંખ્યા વધવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ તેઓને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
સાથે સાથે આજે શહેરના વધુ એક વિસ્તારમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો હોવાના અહેવાલ સાંપડયા છે. શહેરના વિદ્યા ડેરી રોડ ઉપર આવેલ મંગલનગર સોસાયટી ખાતે રહેતા એક ૩૯ વર્ષીય મહિલાની તબિયત લથડતાં તેઓએ આણંદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. જો કે તેઓની તબિયતમાં સુધારો ન થતાં આખરે તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેઓના સેમ્પલ લઈ પરીક્ષણ કરાવતા તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જુન માસના પ્રથમ સપ્તાહમાં તેઓ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ગયા હતા અને ત્યાંથી તેઓ આણંદ ખાતે પરત ફર્યા હતા. દરમ્યાન થોડા દિવસ પહેલા તેઓને તાવની અસર થતા તેઓએ આણંદની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.
વિદ્યા ડેરી રોડ ઉપરથી એક કોરોનાગ્રસ્ત દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ મંગલનગર સોસાયટી ખાતે પહોંચી હતી અને કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરાયો હતો.
કોંગ્રેસના શક્તિસિંહ ગોહેલ હોમક્વૉરન્ટાઇન થયા
ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના જ શક્તિસિંહ પોતે હોમ ક્વોરન્ટાઇન થયા છે અને તેમનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી ભરતસિંહના સંપર્કમાં હતા.


