Get The App

ખંભાતમાં છેલ્લાં ઘણા સમયથી દૂષિત પાણી અપાતું હોવાની ફરિયાદો : તંત્રનું ભેદી મૌન

- કોરોનાના ભરડા વચ્ચે પાણીજન્ય બીમારી ફેલાવાની ભીતિ

- રહીશોને 3 હજાર ટીડીએસથી વધુ માત્રાનું પાણી અપાતું હોવાની બૂમ : કરોડોના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
ખંભાતમાં છેલ્લાં ઘણા સમયથી દૂષિત પાણી અપાતું હોવાની ફરિયાદો : તંત્રનું ભેદી મૌન 1 - image


આણંદ, તા.16 જૂન 2020, મંગળવાર

નવાબી નગર ખંભાત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી લોકોને પીવા માટે ચોખ્ખુ પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિક વહીવટી તંત્રના અણઘડ વહીવટના કારણે પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી નગરજનોને શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વધુમાં જાગૃતોના જણાવ્યા મુજબ આશરે એક લાખથી વધુ વસ્તી ધરાવતુ ખંભાત શહેર છેલ્લા ઘણાં સમયથી વિકાસ ઝંખી રહ્યું છે. પ્રજાના પાયાના પ્રશ્નોના નિરાકરણ તેમજ પાયાની સુવિધાઓ પુરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવડયું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. ખંભાતના શહેરીજનોને આજે પણ પીવાનું શુધ્ધ પાણી મળી રહ્યું નથી. શહેરીજનોને આપવામાં આવતુ પાણી ૩૦૦૦ ટીડીએસથી વધુ માત્રાનું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખંભાતની પ્રજાને પીવાલાયક શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે બે શુધ્ધિકરણ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે હાલ આ બંને પ્લાન્ટ બંધ હાલતમાં રહેતા સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. કાગળ ઉપર શુધ્ધિકરણ પ્લાન્ટ ચાલુ હોવાનું બતાવી સત્તાધીશો પ્રજાના આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યા હોવાનો આક્ષેપ નગરજનો દ્વારા કરાયો છે. ખંભાતના લાલ દરવાજા, મોચીવાડ, સરદાર ટાવર, માછીપુરા, પાણીયારી, કોલમપાડો, ઝંડાચોક સહિતના વિસ્તારોમાં આવેલ ઘરોના નળમાં દુષિત પાણી આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે નગરમાં પાણીજન્ય રોગચાળો વકરે તે પૂર્વે પાલિકા સત્તાધીશો સત્વરે આળસ ખંખેરે અને યોગ્ય કાર્યવાહી કરી નગરજનોને પીવાના શુધ્ધ પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

માદળા બાગ પાસે બોરલવેમાંથી પાણી સીધું પાઈપલાઈનમાં અપાય છે

આણંદ, તા.16 જૂન 2020, મંગળવાર

ખંભાતના એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ ખંભાતમાં ૧૮ જેટલા બોરવેલ બનાવવામાં આવ્યા છે. આ બોરવેલમાંથી પાણી ટાંકીમાં ચઢાવવાની શુધ્ધિકરણ પ્રક્રિયાને અનુસરીને પાણીને શુધ્ધ કર્યા બાદ જ પ્રજાને પહોંચાડવાનું હોય છે પરંતુ માદળા બાગ પાસે બનાવવામાં આવેલ  બોરવેલ સાથે ડાયરેક્ટ પાઈપલાઈનનું કનેક્શન આપી આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. જેને લઈ સ્થાનિકોને દુષિત પાણી મળતા આરોગ્ય જોખમમાં મુકાયું છે.

કરોડોના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટને ખંભાતી તાળાં લાગ્યાં

આણંદ, તા.16 જૂન 2020, મંગળવાર

ખંભાતવાસીઓને શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે સહકારી બેંક તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા લાખ્ખો રૃપિયાનું દાન આપવામાં આવ્યુ હતું. પાલિકાના અણઘડ વહીવટને લઈ હાલ આ ફિલ્ટરેશન પ્લાન્ટને ખંભાતી તાળા વાગી ગયા છે. વિકાસના નામે સત્તાધીશો પ્રજાજનોનો નહી પરંતુ પોતાનો જ વિકાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે. રોગચાળાની વિકટ પરિસ્થિતિ વચ્ચે સત્તાધીશો દ્વારા શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Tags :