એસ પી યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ
- અનુસ્નાતક કક્ષાની વિવિધ પરીક્ષાઓ યોજાઈ જેમાં ૯૬ ટકા વિદ્યાર્થીઓની નોંધપાત્ર હાજરી
આણંદ, તા.27 જુલાઈ 2020, સોમવાર
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યુજીસીની ગાઈડલાઈન મુજબ આજથી બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. બીજા તબક્કામાં અનુસ્નાતક કક્ષાના એમ.એડ., ગુજરાતી, સોશ્યોલોજી, પબ્લીક એડમીનીસ્ટ્રેશન તથા એમ.ફીલ. (હિન્દી, ગુજરાતી)ના બીજા અને ચોથા સેમીસ્ટરની પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં ૯૬ ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
કોરોનાના કહેર વચ્ચે વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત તા.૨૯ જૂનના રોજથી અનુસ્નાતક કક્ષાના ઈતિહાસ, સંસ્કૃત અને પોલીટીકલ સાયન્સ અભ્યાસક્રમોની પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જો કે કોરોનાના વધતા સંક્રમણને લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત થયા બાદ રાજ્ય સરકારના આદેશ થતા ગત તા.૧લી જુલાઈના રોજ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકૂફ કરાઈ હતી. બાદમાં કેન્દ્ર સરકારના આદેશથી યુજીસી દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવતા યુનિ.ની પરીક્ષાઓ લેવા માટે મંજુરી અપાતા આજથી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બીજા તબક્કામાં અનુસ્નાતક કક્ષાના વિવિધ વિષયોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુજીસી ગાઈડલાઈન મુજબ સવારના સુમારે પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને હેન્ડ સેનીટાઈઝર થર્મલ ગન અને ઓક્સિમીટર દ્વારા ચકાસણી કર્યા બાદ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો.
એમ.એ. ગુજરાતી સેમ.૨માં ૨૮૦ પૈકી ૨૬૯ હાજર, સોશ્યોલોજી સેમ.૨માં ૧૪૦ પૈકી ૧૩૮ હાજર, પબ્લીક એડમીન.માં ૧૧ પૈકી ૬ હાજર, એમ.એડ. સેમ.૨માં ૧૫૧ પૈકી ૧૪૮ હાજર, ગુજરાતી સેમ.૬માં ૨૭૫ પૈકી ૨૬૨ હાજર તથા સોશ્યોલોજી સેમ.૬માં ૧૨૪ પૈકી ૧૨૧ વિદ્યાર્થીઓ હાજર નોંધાયા હતા. આજે યોજાયેલ પરીક્ષામાં કુલ ૧૦૯૮ પૈકી ૧૦૫૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે સાથે યુનિ.માં ચાલતા વિવિધ એમ.એસસીના અભ્યાસક્રમોની પરીક્ષા ગુગલ મીટ પ્લેટફોર્મ ઉપર યોજાઈ હતી અને પરીક્ષાર્થીઓનું ઓનલાઈન મોટરેશન અધ્યાપકો દ્વારા કરાયું હતું.
આ ઓનલાઈન પરીક્ષામાં એમ.એસસી એપ્લાઈડ ફીઝીક્સ, એપ્લાઈડ કેમેસ્ટ્રી, ડીફેન્સ સાયન્સ તથા બાયોમેડીકલના વિવિધ સેમ.ની પરીક્ષામાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
૨૫ વિદ્યાર્થીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું જણાતા રેસ્ટ અપાયાં
આજે યોજાયેલ અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોની બીજા તબક્કાની પરીક્ષામાં યુજીસી ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવું ફરજિયાત હોઈ સવારના સુમારે થર્મલ સ્ક્રીનીંગ સહિતનું ચેકીંગ હાથ ધરાતા ૨૦થી ૨૫ જેટલા વિદ્યાર્થીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. જેને લઈ આયોજકો દ્વારા આ વિદ્યાર્થીઓને થોડો સમય રેસ્ટ આપી ઓક્સિજનનું સપ્રમાણ થતા તેઓને પરીક્ષામાં એન્ટ્રી અપાઈ હતી. મોટાભાગે વિદ્યાર્થીનીઓમાં આ તકલીફ વધુ જોવા મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.