Get The App

આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું આગામી 5 દિવસમાં માવઠું થવાની વકી

Updated: Mar 15th, 2023

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું આગામી 5 દિવસમાં માવઠું થવાની વકી 1 - image


- હવામાનમાં પલટાથી ખેડૂતોની ચિંતા વધી

- ખેતરોમાં કાપણી ચાલી રહી છે ત્યારે તમાકું, ઘઉં સહિતના પાકને ભારે નુકશાન થવાની ભીતિ

આણંદ : સાયક્લોનીક સર્ક્યુલેશનને લઈ આણંદ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી પલટો જોવા મળ્યો હતો. જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું થશે તો તમાકુ, ઘઉં સહિતના પાકોને નુકશાન પહોંચશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે આજે સમગ્ર ચરોતર પંથકના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂંધળા વાતાવરણને કારણે ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ચરોતર પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પાયે ખેતી કરવામાં આવે છે ત્યારે પુનઃ એકવાર કમોસમી વરસાદની શક્યતાને લઈ પાકને નુકશાન થવાની ભીતિ પ્રવર્તી રહી છે. ગઈકાલ રાત્રીના સુમારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું હતું ત્યારે આણંદ જિલ્લામાં પણ આગામી પાંચ દિવસ દરમ્યાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગત સીઝનમાં પણ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડયું હતું. જો કે સરકાર દ્વારા સહાય જાહેર કરાતા ખેડૂતોને રાહત મળી હતી પરંતુ ચાલુ સીઝનમાં પુનઃ એકવાર માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. જો માવઠું થશે તો તમાકુ, ઘઉં તથા ચીકોરીના પાકને વ્યાપક નુકસાન પહોંચી શકે છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. હાલમાં ખેતરોમાં કાપણીનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે બદલાયેલા વાતાવરણને લઈ ખેડૂતો દ્વારા ભારે જહેમત ઉઠાવી પાકને બચાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

બુધવારના રોજ નોંધાયેલ આણંદ જિલ્લાનું તાપમાન

મહત્તમ તાપમાન ૩૬.૫ ડી.સે.

લઘુત્તમ તાપમાન ૧૯.૦

ભેજનું પ્રમાણ ૮૧ ટકા

પવનની ઝડપ ૨.૧ કિ.મી./કલાક

સૂર્યપ્રકાશ ૯.૫


Tags :