આણંદ જિલ્લામાં ધો. 10માં 45690 અને ધો. 12માં 66386 છાત્રો બોર્ડ પરીક્ષા આપશે
- સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર શિક્ષણ વિભાગની બાજ નજર રહેશે
- આણંદ જિલ્લામાં ધો. 10ની 40 પરીક્ષા કેન્દ્રો અને ધો. 12ની 25 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12ની પરીક્ષા કેન્દ્રો પર કસોટી લેવામાં આવશે
આણંદ, તા.04 માર્ચ 2020, બુધવાર
ગુજરાત રાજ્ય માધ્યમિકત અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓનો તા.૫મી માર્ચને ગુરૂવારના રોજથી પ્રારંભ થશે. આણંદ જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષા માટે ૪૦ પરીક્ષા કેન્દ્રો તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૨૦ પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા માટે ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વિવિધ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને બુધવારના રોજ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ જિલ્લાના વિવિધ પરીક્ષા સેન્ટરો ખાતે બેઠક વ્યવસ્થા જોવા ઉમટી પડયા હતા.
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં તા.૫મી માર્ચને ગુરૂવારના રોજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. આણંદ જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષા ૪૦ પરીક્ષા કેન્દ્રોના ૧૧૨ બિલ્ડીંગમાં ૧૪૬૫ વર્ગખંડ ખાતે પરીક્ષા યોજાશે. ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ પરીક્ષા કેન્દ્રોમાં ૪૫૧ વર્ગખંડમાં તથા વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા ૫ પરીક્ષા કેન્દ્રોના ૩૧૮ વર્ગખંડમાં પરીક્ષા યોજાનાર છે.
આણંદ જિલ્લામાં ધો.૧૦માં ૪૫૬૯૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૩૩૬ અને ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૬૩૬૦ મળી કુલ ૬૬૩૮૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા પરીક્ષા કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી બાઝ નજર રાખવામાં આવશે.
બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ પરીક્ષાની અંતિમ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થી શાંતચિતે પરીક્ષા આપી શકે તે માટે કેટલાક પરીક્ષાર્થીઓની સાથે સાથે તેઓના વાલીઓ પણ પોતાના પાલ્યને મુંઝવતા પ્રશ્નો અંગેની મુંઝવણ દુર કરવા પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. વાલીઓ દ્વારા પોતાના પાલ્યને માનસિક તણાવમાં ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષા આપી શકે અને ચિંતામુક્ત રહે તે માટે કેટલાક સ્વજનોએ પેન, ગુલાબ જેવી વિવિધ પ્રકારની ભેટ આપી મન હળવું કરવા માટે તેમજ પરીક્ષા સારી રહે તેવી શુભેચ્છાઓ પરીક્ષાર્થીઓને પાઠવી હતી. હાલ તો વિદ્યાર્થીઓ પરીક્ષાને ધ્યાને લઈ વાંચન કરતા નજરે પડી રહ્યા છે.
પ્રજ્ઞાાચક્ષુ માટે 60 જેટલા લહિયાની વ્યવસ્થા કરાઈ
આણંદની જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપી રહેલા હજારો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડે તેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ ગુરૂવારના રોજ તેમના ભાવિ ઘડતર માટે બોર્ડની પરીક્ષા આપશે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં સંપૂર્ણ નેત્રહિન પ્રજ્ઞાાચક્ષુ એવા ૬૦ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા લાહિયાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓ લહિયાની મદદથી પોતાના સંકલ્પને સિધ્ધ કરવા તેમજ ધાર્યુ લક્ષ્ય હાંસલ કરવા બોર્ડની પરીક્ષા આપશે.