પાંચમી માર્ચથી આણંદ જિલ્લાના કુલ 65 કેન્દ્રોના 2234 બ્લોકમાં બોર્ડની પરીક્ષાઓ
- કુલ 66386 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત
આણંદ, તા.02 માર્ચ 2020, સોમવાર
આગામી તા.૫ માર્ચ, ૨૦૨૦ને ગુરૂવારના રોજથી સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. જે અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
જિલ્લાના કુલ ૬૫ પરીક્ષા કેન્દ્રો ખાતે આવેલ ૨૨૩૪ બ્લોકમાં કુલ ૬૬૩૮૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે સંવેદન તથા અતિસંવેદનશીલ સેન્ટરો ખાતે સીસીટીવી કેમેરા તેમજ ખાસ સ્કવોર્ડ તૈનાત કરવામાં આવનાર હોવાનું શિક્ષણ વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.
આણંદ જિલ્લામાં ધો.૧૦ના ત્રણ ઝોનમાં કુલ ૪૫૬૯૦ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૩૩૬, ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૬૩૬૦ મળી કુલ ૬૬૩૮૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-૧૦ની પરીક્ષા માટે આણંદ, પેટલાદ અને આંકલાવ મળી ત્રણ ઝોન તથા ધોરણ-૧૨ની પરીક્ષા માટે એક ઝોનની રચના કરવામાં આવી છે. ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૫ માર્ચથી તા.૧૭ માર્ચ સુધી યોજાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.૫ માર્ચથી તા.૨૧ માર્ચ સુધી યોજાશે. ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા તા.૫ માર્ચથી તા.૧૬ માર્ચ સુધી યોજાશે. તા.૪ માર્ચ, ૨૦૨૦થી જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત થશે જેનો નંબર ૦૨૬૯૨ ૨૬૪૧૫૩ છે. જે સવારના ૮-૦૦ થી રાત્રીના ૮-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. આણંદ જિલ્લાના પરીક્ષાર્થી ભાઈ-બહેનો અને વાલીઓને પરીક્ષા લગતી કોઈપણ મૂંઝવણ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ આગામી તા.૪ માર્ચથી શરૂ કરવામાં આવશે. જે પરીક્ષાના દિવસો દરમ્યાન સતત કાર્યરત રહેશે. શાળા/બિલ્ડીંગ ખાતે સી.સી.ટી.વી./ટેબ્લેટ કાર્યરત રહેશે. પરીક્ષા સ્થળની અંદર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે રાખી શકશે નહી. વિદ્યાર્થીઓ/વાલીઓ ખોટી અફવાઓ, નકલી પ્રશ્નપત્રોની લાલચ કે ગેરરીતિ વગેરેથી દુર રહેવા તથા વિદ્યાર્થીઓ શાંત-સ્વસ્થ રહીને પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ સર્જાય તે માટે સૌને સહકાર આપવા કલેક્ટરે જણાવ્યું હતું.
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવી વોચ રખાશે
આણંદ જિલ્લામાં યોજાનાર એસ.એસ.સી તેમજ એચ.એસ.સી. વિજ્ઞાાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે આણંદ જિલ્લામાં સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે પરીક્ષાના સુચારૂ અને સુક્ષ્મ આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી કે અનિચ્છનિય ઘટનાને અવકાશ ન રહે અને વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવાશે. અતિ સંવેદનશીલ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
ક્યા ધોરણ અને પ્રવાહની પરીક્ષા કઈ બિલ્ડિંગમાં ?
આણંદ જિલ્લામાં ધો.-૧૦ની પરીક્ષા ૪૦ કેન્દ્રો ખાતે ૧૧૨ બિલ્ડીંગના ૧૪૬૫ વર્ગખંડમાં યોજાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪૨ બિલ્ડીંગના ૪૫૧ વર્ગખંડમાં, ધો.-૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૮ બિલ્ડીંગના ૩૧૮ વર્ગખંડમાં યોજાશે. પરીક્ષા કેન્દ્રો ખાતે વીડીયોગ્રાફી પણ કરવામાં આવશે. વિકલાંગ પરીક્ષાર્થીઓ માટે શાળા બિલ્ડીંગમાં રેમ્પની સુવિધા ઉપરાંત ભોંયતળીયે અલગ બ્લોગની ફાળવણી કરવામાં આવશે.