Get The App

બોરસદ-પામોલ રોડ પરના જાખલાકૂવા પાસે કારની ટક્કરે બાઈકચાલકનું મોત

- બેકાબુ કારના ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાથી સારવારમાં જ દમ તોડી દીધો

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
બોરસદ-પામોલ રોડ પરના જાખલાકૂવા પાસે કારની ટક્કરે બાઈકચાલકનું મોત 1 - image


આણંદ, તા.25 મે 2020, સોમવાર

આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ ઉપર આવેલ જાખલાકૂવા પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ચાલકને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું કરૃણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા મથક બોરસદના તોરણા માતા મંદિર પાસે આવેલ ભલાપુરા સીમમાં રહેતા દેવગણભાઈ પેઠાભાઈ ભરવાડ આજે સવારના સુમારે પોતાની મોટરસાયકલ લઈને ખેતર તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓની મોટરસાયકલ બોરસદ-પામોલ રોડ ઉપર આવેલ જાખલાકૂવા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક અજાણ્યા કારચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી દેવગણભાઈની મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા દેવગણભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ ૧૦૮ને કરતા ૧૦૮ ઈમરજન્સી વાન તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને દેવગણભાઈને સારવાર અર્થે તુરંત જ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૃણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિનુભાઈ રાજુભાઈ ભરવાડે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :