આણંદ, તા.1 મે 2020, શુક્રવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ને પાર કરી જતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ની આસપાસ રહેતા સામાન્ય જનજીવન ઉપર અસર વર્તાઈ રહી છે. આગામી સપ્તાહ દરમ્યાન તાપમાનનો પારો હજી ઉંચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મે માસની શરૃઆત સાથે જ મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ની ઉપર પહોંચી જતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનનો પારો ઉંચે શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. શુક્રવારના રોજ તાપમાનનો પારો ૪૨.૫ ડિ.સે.ઉપર પહોંચી જતા જિલ્લામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સુમારે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. તેમાં પણ લોકડાઉનને લઈ ેબપોરના સુમારે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. જો કે અગત્યના કામકાજથી બહાર નીકળતા લોકોને ફરજિયાત ટોપી, ચશ્મા તેમજ શરીર ઢંકાય તેવા વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨.૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૪.૩ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા, પવનની ઝડપ ૪.૪ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૧.૨ રહેવા પામ્યો હતો. આગામી સપ્તાહ દરમ્યાન મહત્તમ તાપમાનનો પારો હજી ઉંચે જશે અને જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


