Get The App

ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા આણંદ જિલ્લાના 450 પોલીસકર્મીને મોકલાયા

- અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીએ

- 10 હજાર લોકોને પણ અમદાવાદ લઈ જવાશે 200 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા આણંદ જિલ્લાના 450 પોલીસકર્મીને મોકલાયા 1 - image


આણંદ, તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પધારનાર છે ત્યારે તેઓના શાહી સ્વાગત માટે શાહી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરીકાના રાષ્ટ્રપતિ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

જેમાં આણંદ જિલ્લામાંથી લગભગ ૪૫૦ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અમદાવાદ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. આગામી તા.૨૪મીના રોજ આણંદ જિલ્લામાંથી લગભગ ૨૦૦ જેટલી બસો પણ મોકલવામાં આવનાર છે.

વધુમાં મળતી વિગતો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેનાર છે. તેઓની આ મુલાકાતને લઈને છેલ્લા કેટલાક દિવસથી તંત્ર સાબદુ બન્યું છે અને કામે લાગી ગયું છે. મહાસત્તાના વડા ગુજરાતની મુલાકાતે આવનાર હોઈ કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર પણ તેઓની સુરક્ષામાં કંઈ કચાશ ન રહે તે માટે દિવસ-રાત એક કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઈને સુરક્ષા અંગે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

અમેરિકન સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આણંદ જિલ્લામાંથી ૧ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૮ પીએસઆઈ અને ૨૨૯ જેટલા પોલીસ કર્મચારીઓને અમદાવાદ ખાતે બંદોબસ્તમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે સાથે ૨૪મી તારીખના રોજ ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં ભાગ લેવા માટે આણંદ જિલ્લામાંથી આશરે ૧૦ હજાર વ્યક્તિઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવનાર છે.

આ માટે જિલ્લામાંથી લગભગ ૨૦૦ જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે. તા.૨૪મીના રોજ સવારે વિવિધ તાલુકા મથકો ખાતેથી આ બસો ઉપડશે. સાથે સાથે કોઈ અનીચ્છનીય બનાવ ન બને અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક બસમાં એક પોલીસ જવાનને પણ મોકલવામાં આવનાર છે. આમ, ૨૦૦ જેટલા પોલીસ કર્મીઓ આણંદ ખાતેથી પ્રજાજનોને બસમાં લઈ અમદાવાદ ખાતે પહોંચશે.

Tags :