આણંદ શહેર-જિલ્લામાં માસ્ક-ગ્લોવ્ઝ અને સેનીટાઈઝરના વધુ પૈસા પડાવાતા લોકોમાં રોષ
- કોરોનાની મહામારી વચ્ચે પણ માનવતા નેવે મૂકાઈ
- રૂ. 5 થી 10માં વેચાતા માસ્કના રૂ. 30 પડાવનારા લાલચુ વેપારીઓ સામે તંત્રએ પગલાં ન લેતા વધુ રોષ જાગ્યો
આણંદ,તા.23 માર્ચ 2020, સોમવાર
હાલ વિશ્વમાં કોરોનાની મહામારી સામે લડવા દેશવાસીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપીલ કરી રવિવારના રોજ જનતા કરફ્યુ અમલી બનાવ્યો હતો. સાથે સાથે કોરોના વાયરસથી બચવા માટે નાગરિકોને માસ્ક તેમજ ગ્લોવ્ઝ અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગ્રાહકોની મજબુરીનો લાભ ઉઠાવી માસ્ક અને ગ્લોવ્ઝની સાથે સાથે સેનીટાઈઝરના ઉંચા ભાવ વસુલતા વેપારીઓ સામે નાગરિકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ જવા પામી છે.
જો કે વેપારીઓ દ્વારા ગ્રાહકોને માસ્ક તેમજ ગ્લોવ્ઝ અને સેનીટાઈઝર આપી કોઈપણ જાતનું બીલ આપવામાં ન આવતું હોવાની માહિતી જાગૃતો પાસેથી પ્રાપ્ત થઈ છે ત્યારે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે પગપેસારો કરતા સરકાર દ્વારા સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભીડ એકત્ર ન થાય તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૪૪ની કલમ અમલી બનાવાઈ છે. આણંદ જિલ્લામાં પણ ૧૪૪ની કલમ અમલી બનાવાઈ છે અને જિલ્લાવાસીઓને કોરોના વાયરસને લઈ ખાસ સતર્કતા દાખવવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક, ગ્લોવ્ઝ અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ કોરોના વાયરસના ફફડાટ વચ્ચે આણંદ જિલ્લાના કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકોની મજબુરીનો ભરપુર ફાયદો ઉઠાવી માસ્ક, ગ્લોવ્ઝ અને સેનીટાઈઝરના મ્હોં માગ્યા દામ વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. સામાન્ય દિવસો દરમ્યાન રૂા.૫ થી ૧૦ પ્રતિ નંગના ભાવે વેચાતા માસ્કના કેટલાક વેપારીઓ દ્વારા હાલ રૂા.૨૦ થી ૩૦ પ્રતિ નંગ વસુલવામાં આવી રહ્યા છે. એવી જ રીતે સેનીટાઈઝરની બોટલોના ભાવ પણ કોઈપણ જાતનું બીલ આપ્યા વિના મનફાવે તેમ વસુલવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસની મહામારીનું જોખમ નાગરિકોના માથે તોડાઈ રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાં કેટલાક વેપારીઓ દ્વારા પરિસ્થિતિનું લાભ લઈ ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
શરૂઆતના દિવસોમાં તંત્રના અધિકારીઓ દ્વારા માત્ર દેખાડો કરવા કેટલાક એકમોની તલાશી લઈ સબ સલામતની આલબેલ પોકરાઈ હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. જો કે સિક્કાની બીજી બાજુએ જોવામાં આવે તો ગ્રાહકોની મજબુરીનો ભરપુર ફાયદો કેટલાક વેપારીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ કોરોના વાયરસની સાથે સાથે આ મામલે પણ સજાગ બને અને આવા વેપારીઓ સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવે તે સમયની માંગ હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.
કોરોનાના કેર વચ્ચે પણ નડિયાદમાં માસ્ક અને સેનીટાઈઝરનાં કાળાબજાર
- દુકાનદારોએ છાપેલી કિંમત કરતાં બમણી રકમ વસૂલી : લોકોમાં ભારે રોષ જાગ્યો
કોરોનાની મહામારીને પગલે કેટલાંક વેપારીઓ અને દવાવાળાઓએ માનવતા નેવે મૂકીને પ્રજાજનોને લૂંટવાનું શરુ કરી દીધું છે. વડામથક નડિયાદમાં ઠેર ઠેર સેનેટાઇઝર અને માસ્કના કાળા બજાર થવા માંડયા છે. દસ રૂપિયાનો માસ્ક ત્રીસ રૂપિયામાં પાછલા બારણેથી વેચાઇ રહ્યો છે. તે જ રીતે સેનેટાઇઝર પણ છાપેલી કિંમત કરતા ડબલ ભાવે વેચાઇ રહ્યા છે.
સોશ્યલ મીડીયા અને ઇન્ટરનેટથી માહિતગાર થયા બાદ પ્રજાજનોએ એજીથ્રાલ (એરિથ્રોમાયસીન) અને ક્વીનાઇન (હાઇડ્રોક્લોરોક્વીન) ગોળીઓ ફટાફટ ખરીદવા માંડી છે. આથી ઠેર ઠેર દવાની દુકાનવાળાઓએ આ બંને ગોળીઓ પણ પાછલે બારણે વધારે કિંમત લઇને આપવા માંડી છે. ફુડ એન્ડ ડ્રગવાળાઓના કંટ્રોલબહાર દવાની દુકાનવાળાઓ ગેરકાયદેસર રીતે એટલે કે ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન વગર આવી દવાઓ આપવા માંડયા છે. જેથી પ્રજાજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.