અમૂલ ડેરીના હોદ્દેદારોની ચૂંટણી જાહેર થતા ખુરશી માટે મોટા માથાઓનું લોબિંગ શરૂ
- ચેરમેન, વા. ચેરમેનનો કાર્યકાળપૂરો થવાના આરે
- આગામી તા. ૨૩ જુલાઈના રોજ ફેડરેશનના બોર્ડ રૃમમાં ચેરમેન, વા. ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે
આણંદ, તા. 17 જુલાઈ 2020, શુક્રવાર
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ એકમના ચેરમેન અને વાઈસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આગામી તા.૨૩ જુલાઈના રોજ બપોરના ૧૨.૦૦ કલાકના સુમારે ફેડરેશનના બોર્ડ રૃમમાં ચેરમેન અને વાઈસ ચેરમેનપદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જેને લઈ રાજ્યભરના સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. અમૂલના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર થતા હાલના ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન જેઠાભાઈ ભરવાડને રીપીટ કરવામાં આવશે કે અન્ય હોદ્દેદારને તક આપવામાં આવશે તે અંગેની અટકળો શરૃ થઈ છે. વધુમાં મળતી વિગત મુજબ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડના એકમમાં અમૂલના ચેરમેનપદે રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે જેઠાભાઈ ભરવાડ છેલ્લા અઢી વર્ષથી કાર્યરત છે. આગામી સમયમાં તેઓનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આગામી તા.૨૩ જુલાઈના રોજ આણંદ સ્થિત હેડક્વાટર્સ ખાતે અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજવામાં આવનાર છે. રાજ્યના ૧૮ ડેરી સંઘો અને ૧૮ હજાર દૂધ મંડળીઓના આશરે ૩૬ લાખ પશુપાલકો સાથે સંકળાયેલ આ સંસ્થા અને લગભગ ૩૮ કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થાના ચેરમેન અને વાઈસ ચેરમેનપદની ચૂંટણી જાહેર થતા રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. બીજી તરફ અમૂલની ખુરશી હાંસલ કરવા સહકારી સંઘોના મોટા માથાઓએ મોવડી મંડળ સહિત ઉચ્ચ કક્ષા સુધી લોબીંગ હાથ ધર્યું હોવાના અહેવાલ સાંપડયા છે. બીજી તરફ હાલના ચેરમેન રામસિંહ પરમારને રીપીટ કરાશે કે કેમ તે અંગેની અટકળો વહેતી થઈ છે અને વાઈસ ચેરમેન પદ માટે જેઠાભાઈ ભરવાડના સ્થાને અન્ય હોદ્દેદારને તક આપવામાં આવે તેવુ પણ અનુમાન કરાયું છે.