આણંદ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત એલાઉન્સ-અનાજ વિતરણ કરાયું
- રાજ્યના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ
- ધો. ૧થી ૫, ધો. ૬થી ૮ના વિદ્યાર્થીઓને ઘઉં-ચોખા અને એલાઉન્સની ફાળવણી કરાઈ
આણંદ, તા.22 મે 2020, શુક્રવાર
કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.૧૫/૦૩/૨૦૨૦ થી જાહેરનામું બહાર પાડેલ છે. જે અન્વયે મ.ભો.યો. અંતર્ગત પ્રાથમિક શાળાના તમામ નોંધાયેલ વિદ્યાર્થીઓને ફુડ સિક્યોરીટી એક્ટ અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરવાનું સરકારે નક્કી કર્યું હતું.
જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૩/૨૦૨૦ તેમજ તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધીના કુલ ૨૧ શૈક્ષણિક દિવસો (રવિવાર અને જાહેર રજા સિવાય) સમયગાળા માટે ફુડ સિક્યોરીટી અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધીના ૧૫ (પંદર) શૈક્ષણિક દિવસોનું ફુડ સિક્યોરિટી અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કરવાનું થાય છે. જિલ્લા કલેક્ટર દ્વારા ૧૦૬૭ શાળાના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૫ના નોંધાયેલા કુલ ૧૨૩૧૨૮ તથા ધોરણ ૬ થી ૮ના નોંધાયેલ કુલ ૬૯૫૩૦, આમ કુલ ૧૯૨૬૫૮ નોંધાયેલ પ્રાથમિક શાળાના બાળકોને ફુડ સિક્યોરિટી અલાઉન્સ તથા અનાજનું વિતરણ મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તમામ બાળકોને નક્કી કરેલ દિવસો મુજબ ૧૭૦૫.૬૭ ક્વિન્ટલ ઘઉં અને ૧૭૦૫.૬૭ ક્વિન્ટલ ચોખા મળીને કુલ ૩૪૧૧.૩૪ ક્વિન્ટલ અનાજ વિતરણ કરવામાં આવેલ છે તથા રૃ.૧૬૪૩૨૯૦૪ ફુડ સિક્યોરીટી અલાઉન્સ તરીકે તેઓના ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ અંગે વધુ વિગતો આપતાં નાયબ કલેક્ટરે જણાવ્યું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત ફુડ સિક્યોરિટી અલાઉન્સ સ્કુલ મોનિટરીંગ કમિટી મારફતે વિદ્યાર્થી/વાલીના ખાતામાં સીધા જમા કરાવવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ માટે ૧૦૦ ગ્રામ (૫૦ ગ્રામ ઘઉં-૫૦ ગ્રામ ચોખા), ધોરણ ૬ થી ૮ માટે ૧૫૦ ગ્રામ (૭૫ ગ્રામ ઘઉં-૭૫ ગ્રામ ચોખા) અનાજનું પ્રમાણ નિયત કરવામાં આવેલ છે. અનાજ દરેક મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓના વાલી મારફતે સોશિયલ ડીસ્ટસીંગનું પાલન કરવામાં આવેલ છે.