બોર્ડ પરીક્ષાના કેન્દ્રોની ફાળવણી અલગ અલગ શાળાઓમાં કરાતા વિદ્યાર્થીઓ-વાલીઓનો હોબાળો
- આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બિલપાડ ગામે
- બંને બ્લોક એક જ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં નહીં આવે તો પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચિમકી આપી : શિક્ષણ વિભાગ હરકતમાં
આણંદ, તા.22 ફેબ્રુઆરી 2020, શનિવાર
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બીલપાડ ગામે ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાના કેન્દ્રની ફાળવણીમાં તંત્ર દ્વારા અલગ-અલગ શાળામાં બ્લોકની ફાળવણી કરવામાં આવતા નારાજ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે સૂત્રોચ્ચાર કરી પોતાના વિરોધ વ્યક્ત કર્યો હતો અને જો બંને બ્લોક એક જ પરીક્ષા કેન્દ્રમાં રાખવામાં નહી આવે તો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ આગામી તા.૫ માર્ચ, ૨૦૨૦થી ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. જે માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જિલ્લામાં તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ આણંદ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉભા કરી બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જો કે આંકલાવ તાલુકાના બીલપાડ ગામે આવેલ સરસ્વતી વિદ્યાલય સ્થિત પરીક્ષા કેન્દ્રમાં તંત્ર દ્વારા એક જ પરીક્ષા કેન્દ્રના બે અલગ-અલગ બ્લોક પાડી એક બ્લોક સરસ્વતી વિદ્યાલય પરીક્ષા કેન્દ્રમાં અને બીજો બ્લોક અન્ય શાળામાં નિયત કરવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે.
૫ કિલોમીટર દુર અન્ય શાળામાં બીજા બ્લોકની ફાળવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ સામે અનેક તકલીફો ઉભી થઈ છે. જેને લઈ બે અલગ-અલગ બ્લોકની ફાળવણી મામલે નારાજ વિદ્યાર્થીઓ આજરોજ બીલપાડના પરીક્ષા કેન્દ્ર ખાતે એકત્ર થઈ પોતાનો વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરી એક જ પરીક્ષા કેન્દ્રમાં બંને બ્લોક ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જો બંને બ્લોક એક જ પરીક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં નહી આવે તો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
વિદ્યાર્થીઓની માંગને સમર્થન આપતા ગ્રામજનોએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ બીલપાડ ગામે એક જ પરીક્ષા કેન્દ્ર હોવા છતાં પાંચ કી.મી. દુર અન્ય બ્લોકની ફાળવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો કિંમતી સમય બગાડી અન્ય શાળામાં જવાનો વારો આવશે.
જેની વિદ્યાર્થીઓ ઉપર વિપરીત અસર થઈ શકે છે. વિદ્યાર્થીઓના હિત તેમજ તેઓની સગવડતાને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાય તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.