અખાત્રીજ, પરશુરામ જયંતી અને ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં શનિવારના રોજ અખાત્રીજ, ભગવાન પરશુરામ જ્યંતિ તથા રમઝાન ઈદની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. અખાત્રીજના દિવસે લગ્ન માટે શુભમુહુર્ત ન હોઈ લગ્ન સમારોહ યોજાયા ન હતા. જો કે શુભકાર્યો માટે અખાત્રીજનો દિવસ શુભ માનવામાં આવતો હોઈ આજે શુભકાર્યોની વણઝાર જોવા મળી હતી.વણજોઈતુ મુહુર્ત હોઈ જિલ્લાવાસીઓએ આજે વાહન, જ્વેલરીની પણ ખરીદી કરી હતી. બીજી તરફ ધરતીપુત્રોએ પૂજન-અર્ચન કરી ખેતીકામનો શુભારંભ કર્યો હતો.અખા ત્રીજ, રમઝાન ઈદ તથા પરશુરામ જયંતિ તહેવારોના ત્રિવેણી સંગમ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં ઠેરઠેર શુભકાર્યોની વણઝાર જોવા મળી હતી. આ વર્ષે અક્ષયતૃતીયાના રોજ લગ્ન માટે કોઈ શુભ મુહુર્ત ન હોઈ મોટાભાગના પાર્ટીપ્લોટ, હોલ તથા લગ્નવાડીઓ શાંત જોવા મળી હતી અને શરણાઈના સુર પણ સમી ગયા હતા. આગામી તા.૨ મે થી લગ્નો માટો શુભમુહુર્ત શરૂ થતા હોઈ લગ્ન સીઝન પુરબહારમાં ખીલશે. આજે નવા મકાનના વાસ્તુ, ખાતમુહૂર્ત સહિતના શુભકાર્યો યોજાયા હતા. વણજોઈતુ મુહુર્ત હોઈ જિલ્લાના વિવિધ શોરૂમ ખાતે વાહનોની ખરીદી માટે પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
આખાત્રીજના દિવસે વિવિધ શુભકાર્યોની સાથે સાથે સોનાની ખરીદીનું પણ અનેરું મહત્વ રહેલું હોઈ આણંદના સોની બજારમાં પણ ગ્રાહકોની વધુ ચહલપહલ જોવા મળી હતી.
વિવિધ જ્વેલર્સોની દુકાનોમાં સવારથી જ સોના-ચાંદીના ઘરેણાની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી અને સમગ્ર આણંદ જિલ્લામાં અખા ત્રીજને દિવસે અંદાજે ૫ થી ૧૦ કરોડ રૂપિયાનું સોનું વેચાયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

