Get The App

આણંદના ચિખોદરામાં 6 વર્ષના બાળક બાદ માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ

- ત્રણેય દર્દી વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

- બાળકને અન્ય બીમારીના ઓપરેશન પૂર્વે કોરોનાનો ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
આણંદના ચિખોદરામાં 6 વર્ષના બાળક બાદ માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ 1 - image


આણંદ, તા.10 જૂન 2020, બુધવાર

આણંદ સારસા રોડ ઉપર આવેલ ચિખોદરા ગામની પૂજન સોસાયટીમાં ગતરોજ છ વર્ષના બાળકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા નાનકડા ગામમાં ભારે ખળભળાટી મચી જવા પામી હતી. જો કે બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકના માતા-પિતાને કોરોન્ટાઈન કરી તેઓના આરોગ્યની તપાસણી કરતા માતા-પિતાનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. હાલ માતા-પિતા સહિત છ વર્ષીય બાળક વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ પાસેના ચિખોદરા ગામે સારસા રોડ ઉપર આવેલ દાળ મીલ નજીકની પૂજન સોસાયટીમાં રહેતા એક છ વર્ષીય બાળકની તબિયત લથડતા તેને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ઓપરેશનની જરૃર હોઈ તબીબોએ બાળકના ઓપરેશનની દિશામાં તજવીજ હાથ ધરી હતી. બાદમાં ગત તા.૬ના રોજ છ વર્ષીય બાળકના માતા-પિતા બાળકને લઈને ચિખોદરા પરત આવ્યા હતા અને બીજા દિવસે ઓપરેશન માટે વડોદરા ખાતે ગયા હતા. જો કે ઓપરેશન પૂર્વે કોરોના ટેસ્ટ કરાવવો જરૃરી હોઈ તબીબોએ બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝીટીવ આવતા ખળભળાટી મચી ગઈ હતી. કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવતા બાળકને ગોત્રીની હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૃ કરી દેવામાં આવી હતી.

બીજી તરફ આ વાતની જાણ ચિખોદરા ગામે થતા ચિખોદરા ગ્રામ પંચાયત તુરત જ હરકતમાં આવી હતી અને પૂજન સોસાયટી વિસ્તારને કોવિડ-૧૯ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી સમગ્ર વિસ્તારમાં સેનીટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરી બાળકના માતા-પિતાને કોરોન્ટાઈન કરી તેઓના તબીબી પરીક્ષણની કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન આજે બાળકના માતા-પિતાનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહિત ચિખોદરા ગામમાં ખળભળાટી મચી જવા પામી છે. હાલ બાળક સહિત માતા-પિતાને પણ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.

Tags :