ખંભાતમાં ગોંધી રાખેલી પરીણિતાના વ્હારે 181 અભયમ્ની ટીમ આવી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ખંભાતમાં ગોંધી રાખેલી પરીણિતાના વ્હારે 181 અભયમ્ની ટીમ આવી 1 - image


- કાઉન્સેલિંગ કરી પરીણિતાને પોલીસને સોંપાઈ

- યુવતીએ પ્રેમલગ્ન કરતા માતા-પિતાએ ગોંધી રાખી ભૂવા પાસે દોરા-ધાગા કરાવ્યા હતા

આણંદ : ખંભાતની યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી અને તેણી ગર્ભવતી હોવા છતાં પરીણિતાને પિયરમાં તેણીના માતા-પિતાએ ઘરમાં પુરી રાખી ભૂવા પાસે દોરા-ધાગા કરાવતા પરીણિતાએ ૧૮૧ નંબર ઉપર અભયમ્ની મદદ માંગી હતી. અભયમ્ની ટીમે પરીણિતા તથા તેણીના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરી પરીણિતાને ખંભાત પોલીસના હવાલે કરી હતી.

ખંભાતની એક યુવતીએ લગભગ એક વર્ષ પૂર્વે ખંભાતના એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડા માસ પૂર્વે પરીણિતા ગર્ભવતી બની હતી. દરમિયાન તેણીની માતાએ અવારનવાર ય્તેણીનો ફોન ઉપર સંપર્ક કરતા પરીણિતા પીયરમાં ગઈ હતી. જો કે બાદમાં તેણી પરત ન ફરતા પરીણિતાની સાસુને કંઈક અજુગતુ લાગ્યું હતું.

જેથી સાસુએ ૧૮૧ નંબર ઉપર અભયમ ટીમની મદદ માંગી હતી. જ્યાં અભયમ્ની ટીમે યુવતીનો સંપર્ક કરી પૂછપરછ કરતા કોઈ પ્રોબ્લેમ ન હોવાનું પરીણિતાએ સૌપ્રથમ જણાવ્યું હતું. જેથી અભયમ્ની ટીમ ત્યાંથી રવાના થઈ હતી. જો કે બાદમાં બે દિવસ પછી આણંદ ખાતેના સેન્ટર ઉપર પરીણિતાના સતત મીસ્ડકોલ આવતા હતા. જેથી અભયમ્ની ટીમ ફરીથી પરીણિતાના પિયરે પહોંચી હતી.

જ્યાં પરીણિતા સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેણીને તેની માતાએ પિયરમાં બોલાવી હતી પરંતુ બે દિવસથી માતા-પિતાએ તેણીને ઘરમાં પુરી રાખી હતી અને ત્રીજા દિવસે પરીણિતા તેના પતિને ભૂલી જાય તે માટે ભૂવાને બોલાવતા તેણી ગભરાઈ ગઈ હતી અને અવારનવાર અભયમ્ની ટીમને મિસ્ડકોલ કરતી હતી.

 અભયમ્ની ટીમે યુવતી સાથે કાઉન્સેલિંગ કરી પરીણિતાના માતા-પિતાને કાયદા અંગે જાણ કરી આવું ફરીથી નહીં કરવા ચેતવ્યા હતા અને પરીણિતાને ખંભાત પોલીસના હવાલે કરી હતી.


Google NewsGoogle News