ખંભાતમાં કોરોનાના વધુ 8 કેસ કુલ આંક 39
- શહેરના અલીંગ વિસ્તાર સહિત પીપળા શેરી, કડિયાપોળમાં કોરોના વાઇરસનો અજગરી ભરડો
આણંદ, તા.26 એપ્રિલ 2020, રવિવાર
આણંદ જિલ્લાના ખંભાતમાં કોરોના વાઇરસનો પંજો દિનપ્રતિદિન મજબૂત બનતો જાય છે ત્યારે રવિવારે પણ ખંભાતના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાઇરસના આઠ કેસ નોંધાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. નવાબી નગરમાં રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે. વધુ આઠ કેસ નોંધાયા જેમાં અલિંગ વિસ્તારની ૩૯ વર્ષની મહિલા, પીપળા શેરીની ૪૬ વર્ષની મહિલા આ ઉપરાંત વિજય સોસાયટીનો યુવાન, પીપળા શેરીના ત્રણ યુવાન અને એક આધેડ કોરોનાની ઝટપે ચડયાં છે.
નવાબીનગરમાં એક દિવસમાં અડધો ડઝનથી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા, રહીશોમાં ફફડાટ ફેલાયો આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ૨૦૦ જેટલી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ આપવામાં આવી
આ ઉપરાંત પાડીયા પોળનો યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિ આવતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી આરંભાઈ છે. આણંદ જિલ્લામાં ગત તા.૭મી એપ્રિલના રોજ સૌપ્રથમ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ તા.૨૫ એપ્રિલ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૫૪ ઉપર પહોંચ્યો છે. તેમાં પણ જિલ્લાના તાલુકા મથક ખંભાત ખાતે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૯ થવા પામી છે. રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોમાં આંક સતત વધી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ દિન-પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની તપાસ સહિતની કામગીરી ઝડપી બનાવવા આણંદ જિલ્લામાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ બોડી ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે વડતાલધામ સંપ્રદાયના સાધુ-સંતો દ્વારા ખંભાતની હોસ્પિટલોમાં પીપીઈ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડત આપી રહ્યું છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાતા મુશ્કેલીઓ વધવા પામી છે. આણંદ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૪ ઉપર પહોંચી જવા પામી છે. જેમાં ખંભાત નગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૯, ઉમરેઠમાં ૮, પેટલાદમાં ૩, હાડગુડમાં ૩, પાધરીયામાં ૧ અને આંકલાવ તાલુકાના નવાખલ ગામે ૧ કેસ નોંધાવવા પામ્યા છે. આણંદ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી જિલ્લામાં સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની તપાસની કામગીરી ઝડપી બનાવવા તંત્ર સાબદુ બન્યું છે. જે અંતર્ગત કોરોનાના દર્દીઓનો આંકડો ગંભીર સ્વરૃપ તરફ આગળ વધતો અટકાવવા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાંથી કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધી શકાય તે માટે લગભગ ૨૦૦ જેટલી રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ આપવામાં આવી છે. બીજી તરફ તાલુકા મથક ખંભાતમાં કોરોના વિસ્ફોટ થતા જિલ્લાના કુલ કોરોનાના કેસો પૈકી ૫૦ ટકાથી વધુ કેસો માત્ર ખંભાતમાંથી ઉજાગર થયા છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના વોરીયર્સને વડતાલધામ સંપ્રદાય નાર ગુરૃકુળ દ્વારા ખંભાતની વિવિધ હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ અંગે વધુમાં આરોગ્ય સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તો કર્મચારીઓને આ કીટના ઉપયોગ અંગે જરૃરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ પૈકી જે દર્દીને સાત દિવસથી ઓછો સમય હોય તેવા વ્યક્તિઓને સેમ્પલ લેબોરેટરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. પરંતુ જો કોઈ દર્દીને સાત દિવસથી વધુ સમય થયો હોય તો આવા શંકાસ્પદ દર્દીનો રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરાય છે. આવા દર્દીના ટેસ્ટ બાદ ફક્ત ૧૫ જ મિનિટમાં તેનો રીપોર્ટ આવી જતો હોવાથી દર્દીને વધુ સારવાર સહિતની કામગીરી ઝડપી થઈ શકતી હોવાનો મત આરોગ્ય વિભાગ સૂત્રોએ વ્યક્ત કર્યો છે.