આણંદ શહેર-જિલ્લામાં 1 જ દિવસમાં કોરોનાના 8 કેસ
- અનલોક-2 ની શરૂઆતમાં જ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કોરોના વકર્યો
- શહેરમાં 5, હાડગુડ, કરમસદ અને ખંભાતમાં 1-1 કેસ નોંધાયો તંત્રએ કોરોના પ્રભાવિત વિસ્તારોને સીલ કરી સેનેટાઈઝ કરાયા
આણંદ, તા.1 જુલાઈ 2020, બુધવાર
અનલોક-૧માં આણંદ જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ અનલોક-૨ની શરૃઆત સાથે જ જિલ્લામાં કોરોના વાયરસના વધુ આઠ નવા કેસ નોંધાતા ભારે ખળભળાટી મચી જવા પામી છે. આજે નોંધાયેલ આઠ કેસોમાં આણંદ તથા આસપાસના વિસ્તારમાંથી પાંચ કોરોનાના કેસ મળી આવતા સ્થાનિકોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે.
આણંદ શહેરમાંથી પાંચ તથા હાડગુડ, કરમસદ અને ખંભાતમાંથી એક-એક મળી કુલ આઠ પોઝીટીવ કેસ નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. શહેરના નવા-નવા વિસ્તારોમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે શહેરીજનોએ કોરોના વાયરસ અંગે ખાસ તકેદારી રાખી નિયમોનું પાલન કરવું પડશે તેવો અનુરોધ વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.
છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેરમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારને બાનમાં લીધા બાદ હવે છેલ્લા બે દિવસથી કોરોના વાયરસે પોશ વિસ્તાર તરફ પ્રયાણ કરતા નવા-નવા વિસ્તારોમાંથી કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. આજે આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના આઠ કેસો પૈકી પાંચ કેસો આણંદ શહેરમાંથી મળી આવ્યા છે. જેમાં આણંદ શહેરના બેઠક મંદિર નજીક આવેલ એક ચાલી ખાતે રહેતા ૭૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. થોડા દિવસ પૂર્વે શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ હીમાલયા રીટ્રીટ ખાતેથી મળી આવેલ કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજન હોઈ સંપર્કમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ ચિનાર-ગુલનાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક ૫૯ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે આણંદ પાસેના ચાવડાપુરા ગામે આદિનાથ બંગલો ખાતે રહેતા ૬૭ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઉપરાંત આણંદ પાસેના જીટોડીયા ગામે એન્જલ સ્કુલ સામેની શિવમ સોસાયટી ખાતે રહેતા ૫૦ વર્ષીય પુરૃષ પણ કોરોના વાયરસમાં સપડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વધુમાં આણંદ શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ સરવરીયા મસ્જિદ નજીકના બગદાદનગરમાં રહેતા ૫૯ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આણંદ શહેરમાંથી નોંધાયેલ કોરોનાના આ પાંચેય દર્દીઓ પૈકી ચાવડાપુરા તથા શિવમ સોસાયટીના દર્દીઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે. જ્યારે બગદાદનગરના દર્દીને આણંદની જનરલ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર અપાઈ રહી છે. ઉપરાંત આણંદ પાસેના હાડગુડ ગામે ફરીથી કોરોના વાયરસે માથુ ઉચક્યું છે અને હાડગુડ ગામની બસેરા સોસાયટીમાં રહેતા એક ૮૦ વર્ષીય વૃધ્ધ કોરોનાની ઝપેટમાં આવતા તેઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર અપાઈ રહી છે. ઉપરાંત ખંભાતના પીરાજપુર ખાતે રહેતા ૬૧ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે આણંદ પાસેના કરમસદ ગામે નંદનવન રેઈમ્બોે પાર્ક ખાતે રહેતા એક ૬૭ વર્ષીય ર્ડાક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ સ્થળો ખાતેથી કોરોના વાયરસના પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્રની ટીમો તુરંત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને હોમકોરોન્ટાઈન કરી જે-તે વિસ્તારોને સીલ મારી દેવાયા હતા.