અડાસ ગામ પાસે આયસરમાં મકાઇના ડોડાની આડમાં લવાતો 8.78 લાખનો દારૂ પકડાયો
- વાસદ પોલીસે હોટલના પાર્કિંગમાંથી જથ્થો ઝડપ્યો
- ગાડીના ચાલકની પૂછપરછમાં દારૂનો જથ્થો જયપુરના શખ્સે ભરાવી આપ્યો હતો અને આણંદ પહોંચાડવાનો હતો
આણંદ,તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
પોલીસથી બચવા માટે હવે બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી અજમાવી વિદેશી દારૂની હેરફેર કરી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના માલસામાનની આડમાં વિદેશી દારૂનો વેપલો થઈ રહ્યો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં આવી જ રીતે મકાઇના ડોડાના થેલાની આડમાં સંતાડીને મુકાયેલ વિદેશી દારૂનો જથ્થો આણંદ જિલલાની વાસદ પોલીસે એક હોટલના કમ્પાઉન્ડ ખાતે પાર્ક કરાયેલ આયસરમાંથી ઝડપી પાડયો હતો.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ તાલુકાના અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલ અડાસ ગામ નજીકની એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂ ભરેલ એક આયસર પાર્ક કરેલ હોવાની બાતમી વાસદ પોલીસને મળતા પોલીસની ટીમ તુરંત જ બાતમીવાળા સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ આયસર ટેમ્પાની તલાશી લેતા આયસર ટેમ્પામાંથી મકાઈના ડોડાની થેલીઓની નીચે સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આયસર ટેમ્પામાંથી વિદેશી દારૂની ૧૮૩ પેટીમાંથી ૨૧૯૬ બોટલ જેની અંદાજિત કિંમત રૂા.૮,૭૮,૪૦૦ જપ્ત કરી આયસરના ચાલકને અટકમાં લઈ પુછપરછ કરતા તે ઘનશ્યામ બલવીર ભુરાનાથ યોગી (રહે.જોગીપુરા, બાગવાસ ચોરાસી તા.વીરાટનગર) હોવાનું ખુલવા પામ્યું હતું.
વધુમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા આ જથ્થો જયપુરના દોલતપુરાના અનુજ શર્માએ ભરાવી આપ્યો હતો અને આણંદ પહોંચાડવા જણાવ્યું હતું. જેથી વાસદ પોલીસે આયસરના ચાલક ઘનશ્યાન ભુરાનાથ યોગી અને અનુજ શર્મા વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.