આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 7 કેસ : શહેરમાં એકેય કેસ નહીં
- કોરોનાનું સંક્રમણ હજુ અટકવાનું નામ નથી લેતું
- બોરસદમાં બે, પેટલાદ તાલુકામાં ત્રણ તથા આણંદ-ખંભાત તાલુકામાં એક-એક પોઝિટિવ કેસ મળ્યા
આણંદ, તા. 18 જુલાઈ 2020, શનિવાર
છેલ્લા ૧૩ દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે જિલ્લામાં વધુ નવા સાત પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે આણંદ શહેરમાંથી આજે એકપણ પોઝીટીવ કેસ પ્રકાશમાં ન આવતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. જો કે આજે જિલ્લાના પેટલાદ તાલુકામાંથી ત્રણ, બોરસદ તાલુકામાંથી બે અને ખંભાત તથા આણંદ તાલુકામાંથી એક-એક પોઝીટીવ કેસ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી આણંદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આજે આણંદ શહેરમાં કોરોના વાયરસે વિરામ ફરમાવતા એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કુલ સાત નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં તાલુકા મથક બોરસદના મહાદેવ રોડ ઉપર આવેલ પુરષોત્તમનગર સોસાયટી ખાતે રહેતા ૬૭ વર્ષીય પુરૃષ તેમજ મારૃતીપાર્ક ખાતે રહેતા ૭૦ વર્ષીય આધેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે પેટલાદ તાલુકાના દંતાલી ગામે દાદાની ખડકીમાં રહેતા ૭૧ વર્ષીય આધેડ તેમજ પેટલાદના નાર ગામે રહેતા ૬૧ વર્ષીય પુરૃષ તથા પેટલાદ ખાતે રહેતી એક ૩૩ વર્ષીય મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે. સાથે સાથે તાલુકા મથક ખંભાતના સત્યનારાયણના ભાટવાળા વિસ્તારમાં રહેતા ૭૯ વર્ષીય પ્રૌઢ તથા આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામે દૂધની ડેરી પાછળ રહેતા ૬૦ વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સ્થાનિક પાલિકા તંત્ર તથા પંચાયતની ટીમો સહિત આરોગ્ય વિભાગની ટીમો તુરંત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને જે-તે વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું.