અડાસ ગામની સીમમાં ટ્રકમાં ઘઉંના કટ્ટાની આડમાં લવાતા 6.61 લાખનો દારૂ પકડાયો
- હરિયાણાથી દારૂ ભર્યો હોવાની આરોપીની કબૂલાત
- ટ્રકનો ચાલક, ક્લિનરની અટક કરી પોલીસે દારૂનો જથ્થો, ટ્રક સહિત રૂ. ૧૬.૬૧ લાખનો દારૂ ઝડપ્યો
આણંદ, તા. 10 જુલાઈ 2020, શુક્રવાર
આણંદ જિલ્લાની વાસદ પોલીસે અડાસ ગામની સીમમાં આવેલ એક હોટલ ખાતે મળેલ ગુપ્ત બાતમીના આધારે ઓચિંતો છાપો મારીને એક ટ્રકમાં ઘઉંના કટ્ટા વચ્ચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ્લે રૂા.૧૬.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વાસદ પોલીસની ટીમ ગઈકાલે હાઈવે ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન અડાસ ગામની સીમમાં આવેલ આઈમાતા હોટલના કંપાઉન્ડમાં ઉભેલ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળતા પોલીસની ટીમ તુરંત જ હોટલ ખાતે પહોંચી ગઈ હતી અને બાતમીદારના વર્ણન મુજબની રાજસ્થાન પાસીંગની ટ્રકમાં તપાસ કરતા ઘઉં ભરેલ અનાજના કટ્ટા વચ્ચે છુપાવી રાખેલ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૬,૬૧,૨૦૦ થવા જાય છે. પોલીસે ટ્રકના ચાલક તથા ક્લીનરની અટકાયત કરી તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે પન્નાલાલ લાલચંદ ભાટ (રહે.દાઉદસર, તા.રતનગઢ, રાજસ્થાન) તથા આશારામ લાલુરામ ભાટ (રહે.લચ્છાસર, રાજસ્થાન) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ્લે રૂા.૧૬,૬૧,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને શખ્શોની પુછપરછ કરતા હરિયાણાના ભીવાની જિલ્લાના પહાડી ખાતે રહેતા વિકાસ રામનિવાસે ટ્રકમાં માલ ભરીને આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે વાસદ પોલીસે ઝડપાયેલ બંને શખ્શો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.