Get The App

આણંદ જિલ્લામાંથી વીજ ચોરીના 50 કેસ ઝડપાયા, 13.42 લાખનો દંડ

Updated: May 23rd, 2023

GS TEAM


Google News
Google News
આણંદ જિલ્લામાંથી વીજ ચોરીના 50 કેસ ઝડપાયા, 13.42 લાખનો દંડ 1 - image


- 26 વીજ ટીમોએ જુદાજુદા સ્થળે દરોડો પાડયો

- આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, સોજિત્રા, તારાપુર તેમજ આંકલાવમાં 358 વીજ જોડાણોની ચકાસણી કરાઇ

આણંદ : આણંદ એમજીવીસીએલની ૨૬ ટીમો દ્વારા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય-સીમ વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઓચિંતી તપાસ હાથ ધરી ૩૫૮ કનેક્શનોની ચકાસણી કરતા ૫૦ કનેક્શનોમાં વીજ ચોરી કરાતી હોવાનું ખુલવા પામ્યું હતું. એમજીવીસીએલ દ્વારા રૂા.૧૩.૪૨ લાખની દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

  ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તાપ સામે રક્ષણ આપતા વીજ ઉપકરણોના ઉપભોગમાં વધારો થતા કેટલાક વીજ ધારકો ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી રહ્યાં હોવાનું ચેકીંગમાં બહાર આવ્યું છે. તાજેતરમાં એમજીવીસીએલ આણંદ સર્કલ કચેરીના અધિકારીઓ, કાર્યપાલક ઈજનેરો સહીતની ૨૬ ટીમોએ આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, સોજિત્રા, તારાપુર તેમજ આંકલાવ તાલુકાના ગ્રામ્ય-શહેરી સહિતના ૩૫૮ કનેક્શનોની ચકાસણી કરાઈ હતી. 

જેમાં પોલ ઉપરથી બારોબાર વીજળી મેળવવી, કેબલો ઉપર લંગસ નાંખીને વીજ પ્રવાહમાં અવરોધ ઉભો કરવો, ઘરેલુ કનેક્શનોનો કોમર્શીયલ કે ખેતી વિષયક ઉપયોગ કરવો, કૃષિ વિષય જોડાણનો હેતુફેર કરી અન્ય સ્થળે વપરાશ, વીજ કંપની કે અધિકૃત અધિકારીની મંજૂરી કે પરવાનગી વિના ઘરેલુ જોડાણમાંથી અન્યત્ર વ્યવસાયીકો, રહીશોને અનઅધિકૃત રીતે જોડાણ આપી આર્થિક લાભ મેળવવો, મીટર સાથે ચેડાં કરવા અને  વીજભારમાં શંકાસ્પદ વધઘટ સહિત ૧૫ સ્થળોએ વીજ ચોરી થતી હોવાના ૫૦ કેસ ઝડપી પાડયા હતા. 

સાથે સાથે વીજ ચેકીંગ અધિકારીઓએ વીજ ચોરી કરતા તત્ત્વોને રૂા.૧૩.૪૨ લાખના દંડની રકમના બીલો ઈશ્યુ કરી સમય મર્યાદામાં ભરપાઈ કરવા જણાવાયું હતું. સમય મર્યાદામાં દંડ ન ભરનાર વીજ ચોરી કરનાર તત્ત્વો સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Tags :