દુબઈની કંપનીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી વેપારી સાથે 50 લાખની ઠગાઈ
- ભાવનગરના ભેજાબાજે ચિખોદરામાં એલઈડી લાઈટનો બિઝનેસ કરતા વેપારીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી
આણંદ,તા.15 ફેબ્રુઆરી 2020, શનિવાર
આણંદ પાસેના ચીખોદરા ગામે એલઈડી લાઈટના જોબવર્કનો બિઝનેશ કરતા એક વેપારીને ભાવનગરના ભેજાબાજે દુબઈની કંપનીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી રૂા.૫૦ લાખની છેતરપીંડી આચરતા મામલો આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે પહોંચ્યો છે. આ બનાવ અંગે પોલીસે ભાવનગરના શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ભાગવત પ્રદિપભાઈ પટેલ આણંદ પાસેના ચિખોદરા ગામે પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ આણંદના અંબાજી મંદિર નજીક પીસીપી પાવર પ્રા.લી. નામની કંપની ચલાવે છે. ઈન્ટરનેટ ઈન્ડીયા માટેની સાઈટ દ્વારા તેઓ ગત જૂન માસમાં મૂળ ભાવનગરના અને દુબઈ ખાતે રહેતા નિસર્ગ દિલીપભાઈ પાઠકના સંપર્કમાં આવ્યા હતા.
તેઓની વાતચીત દરમ્યાન મિત્રતા કેળવાતા નિસર્ગભાઈ સોલ ટ્રેન્ડ જનરલ ટ્રેડીંગ કંપનીના પરચેઝ વિભાગમાં જોબ કરતા હોવાનું જણાવ્યું હતું અને કંપની તરફથી એલઈડી લાઈટનો ૩ કરોડનો ઓર્ડર આપવાનો હોવાનું ઉમેર્યું હતું. જેથી ભાગવતભાઈ પ્રદિપભાઈ લાલચમાં આવી ગયા હતા. જેનો ફાયદો ઉઠાવી નિસર્ગભાઈએ ઓર્ડર મેળવવો હોય તો કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓને કમીશન આપવાની વાત જણાવી હતી.
જેથી ભાગવતભાઈ તેમની વાતમાં આવી ગયા હતા અને કમીશન ચુકવવાના એડવાન્સ પેટે રૂા.૫ લાખ ઓનલાઈન પેમેન્ટથી મોકલી આપ્યા હતા. દરમ્યાન પેમેન્ટ મળી ગયા બાદ નિસર્ગભાઈએ કામ ચાલુ થઈ ગયું છે તેમ જણાવી ઈ-મેલ મોકલ્યા હતા અને સાથે સાથે બનાવટી કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરાવી કામ ચાલુ હોવાનો વિશ્વાસ આપ્યો હતો. જે દરમ્યાન નિસર્ગભાઈએ ભાગવતભાઈને વિશ્વાસમાં લઈ ટુકડે-ટુકડે કુલ રૂા.૫૦ લાખ ઉપરાંતની રકમ સેરવી લીધી હતી.
જો કે જાન્યુઆરી માસ સુધી કોઈપણ જાતનો ઓર્ડર ન મળતા ચિંતિત બનેલા ભાગવતભાઈએ નિસર્ગભાઈનો સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓ દુબઈથી ભાવનગર આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ દ્વારા આપવામાં આવેલ તમામ ઈમેલ એડ્રેસ બનાવટી હોવાનું ખુલ્યુ હતુ. જેથી ભાગવતભાઈએ નિસર્ગભાઈનો સંપર્ક કરી પૈસાની માંગણી કરતા તેઓ દ્વારા ગલ્લાં-તલ્લા કરવામાં આવ્યા હતા અને બાદમાં જો પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હેબતાઈ ગયેલા ભાગવતભાઈએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ઘા નાખી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે તેઓની ફરિયાદના આધારે નિસર્ગભાઈ વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.