આણંદ,તા.06 માર્ચ 2020, શુક્રવાર
આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ એક સ્પા સેન્ટર ખાતે સીઆઈડી ક્રાઈમ પોલીસે ઓચિંતો છાપો મારીને વર્કપરમીટ વિના મસાજનું કામ કરતી થાઈલેન્ડની ચાર યુવતીઓને ઝડપી પાડી હતી. પોલીસે સ્પા સેન્ટરના માલિક સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના એડીજીપી દ્વારા મળેલ આદેશના પગલે સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા આણંદ શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ થાઈ સ્પામાં વિદેશી યુવતીઓ વર્કપરમીટ વિના કાર્ય કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી.
મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ પંચાલ હોલ નજીકના નાના થાઈ સ્પા ખાતે છાપો માર્યો હતો. જેમાં સ્પાનો માલિક મોહસીન બહાદુર નરસિંદા (મૂળ રહે. હૈદરાબાદ, હાલ રહે.૧૦૦ ફૂટ રોડ, આણંદ) તેમજ ચાર વિદેશી યુવતીઓ મળી આવી હતી. આ ચારેય વિદેશી યુવતીઓની પુછપરછ કરતા તેઓની પાસે ટી પ્રકારના મલ્ટીપલ વિઝા હોવાનું જાણવા મળ્યું હતું.
જેની માન્યતા ૨૬-૯-૨૦૨૦ સુધીની હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેઓ દ્વારા વિઝાના નિયમોનો ઉલ્લંઘન કરી વર્કપરમીટ ઉપર સ્પા સેન્ટરમાં માસિક રૂા.૨૦ હજારના પગારથી કામ કરાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. વિદેશી યુવતીઓ પાસે ભારતમાં કામ કરવા અંગે વર્કપરમીટ નહીં હોવા છતાં આ યુવતીઓ કામ કરતી હોવાનું ખુલવા પામતા વિઝાના નિયમોનું ઉલ્લંઘન થતું હોઈ સીઆઈડી ક્રાઈમના પોલીસકર્મીએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્પાના માલિક મોહસીન બહાદુર નરસિંદા સહિત ચાર વિદેશી યુવતીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


