તારાપુર ચોકડી પાસે રોયલ્ટી ભર્યા વિનાના 4 ઓવરલોડ ટ્રેક્ટરો ઝડપાયા
- બે ટ્રેક્ટરમાં 4 ટન રેતી વધુ હોવાથી રૂા. 45 હજાર દંડ અન્ય બેમાં 2 ટન રેતી વધુ હોવાથી રૂા. 45,000 દંડ
આણંદ, તા.27 જૂન 2020, શનિવાર
આણંદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઓવરલોડ તેમજ રોયલ્ટી ભર્યા વિના દોડતા વાહનોને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરાતા ખનીજ માફીયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીના ભાગરૃપે તારાપુર ચોકડી પાસેથી અધિકારીઓએ રોયલ્ટી વિના તેમજ ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહેલ ૪ ટ્રેક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા એક સપ્તાહથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ઓવરલોડ અને રોયલ્ટી વિના ખનીજ પદાર્થોનું વહન કરતા વાહનોને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત બે દિવસ પહેલાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ માલ ભરી પસાર થતા ડમ્પરોને ઝડપી પાડયા હતા. એ પહેલા પણ ખાણ-ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી વિના ખનીજ પદાર્થ ભરીને પસાર થઈ રહેલ એક ટ્રેક્ટરને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ઈન્ચાર્જ માઈન્સ સુપરવાઈઝરે તારાપુર ચોકડી પાસે ચેકીંગ હાથ ધરી રોયલ્ટી વિના તેમજ ઓવરલોડ રેતી ભરી પસાર થઈ રહેલ ચાર ટ્રેક્ટરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ ચારેય ટ્રેક્ટર તારાપુર ચોકડી પાસે ગેરકાયદેસર રીતે રેતીના જથ્થાનું વેચાણ કરતા વેપારીઓના હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે વધુ તપાસ હાથ ધરતા ચારેય વેપારીઓ રેતીના જથ્થા સંદર્ભે રોયલ્ટી ધરાવતા ન હોવાનું અને ઓવરલોડ રેતી ભરીને વહન કરતા હોવાનું ખુલતા અધિકારીએ આ ચારેય ટ્રેક્ટરોને તારાપુર પોલીસ મથકને હવાલે કર્યા હતા. આ ટ્રેક્ટરો પૈકી ૨ ટ્રેક્ટરમાં ૪ ટન રેતી વધુ હોવાથી ટ્રેક્ટર માલિકોને રૃા.૪૫૦૦૦ દંડ અને અન્ય ૨ ટ્રેક્ટરોમાં ૨ ટન રેતી વધુ હોવાથી આ ટ્રેક્ટર ચાલકોને રૃા.૩૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. વધુમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટરે રોયલ્ટી વિના તેમજ ઓવરલોડ વાહનો સામે આગામી દિવસો દરમ્યાન પણ કાર્યવાહી હાથ ધરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.