આણંદ, તા.19 માર્ચ 2020, ગુરુવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે.
જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર પણ અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. તદ્દઅનુસાર જિલ્લામાં તા.૧૮મીની સ્થિતિએ કુલ-૩૨૫ પ્રવાસીઓનું સ્ક્રેનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૦૩ પ્રવાસીઓનું સ્ક્રેનીંગ પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૨૨૨ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને એક દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે. કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી. છારીએ જણાવ્યું છે.
ગઈકાલે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના અધ્યક્ષસ્થાને વિવિધ ધર્મગુરૂઓ સાથે બેઠક કરવામાં આવી હતી. તે જ રીતે આજે જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતના પ્રમુખો સાથે બેઠક કરીને કોરોના વાયરસ અંગે માહિતગાર કરી નાગરિકોમાં જનજાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


