ઓખા-ગોરખપુર ટ્રેનમાંથી મહિલાના પર્સમાંથી 2 લાખના સોનાના દાગીનાની તફડંચી
- આણંદ રેલવે સ્ટેશન પાસેનો બનાવ
- અમદાવાદની મહિલા તેના પુત્ર સાથે ગોરખપુર જવા નિકળ્યા હતા : રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો
આણંદ, તા.11 જુલાઈ 2020, શનિવાર
ઓખા-ગોરખપુર ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક મહિલાના પર્સમાંથી અજાણ્યા તસ્કરો રૃા.૨ લાખની કિંમતના સોનાના દાગીના લઈ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ રેલ્વે પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ અમદાવાદ ખાતે રહેતા સુરજસિંગ દિલીપસિંગ શાહી ખાણી-પીણીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ગત તા.૧૬ ડિસેમ્બરના રોજ તેઓ પોતાની પત્ની સીતાદેવી અને છ માસના દિકરાને લઈ અમદાવાદથી ગોરખપુર જવા માટે ઓખા-ગોરખપુર ટ્રેનમાં સવાર થઈને નીકળ્યા હતા. દરમ્યાન આણંદ રેલ્વે સ્ટેશન આવતા પહેલા કોઈ અજાણ્યા શખ્શે તેઓની પત્નીના પર્સની ચેઈન ખોલીને અંદરથી સોનાના દાગીનાઓની ચોરી કરી લીધી હતી. જેની અંદાજિત કિંમત રૃા.૨ લાખ જેટલી થવા જાય છે. આ બનાવ અંગે મહિલાના પતિએ આણંદ રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.