આણંદ શહેર અને ઉમરેઠમાં કોરોના પોઝિટિવના 2 કેસ : કુલ આંક 221
- જિલ્લામાં મહામારીનો આતંક ધીમો પડયો
- આણંદના પાધરિયા વિસ્તારના આધેડ, ઉમરેઠના પોથીવાડ વિસ્તારના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ
આણંદ, તા.29 જૂન 2020, સોમવાર
ગત શુક્ર અને શનિવારના રોજ કોરોનાના અનુક્રમે ૧૪-૧૪ કેસો નોંધાતા આણંદ જિલ્લામાં થયેલ કોરોના વિસ્ફાટને લઈ જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંક બેવડી સદીને વટાવી જતા ૨૨૧ ઉપર પહોંચ્યો હતો. દરમ્યાન છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ જિલ્લાના નવા-નવા વિસ્તારોમાંથી પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પ્રજાજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
આજરોજ આણંદ શહેરના પાધરીયા વિસ્તારની રેલ્વે કોલોની ખાતેથી અને જિલ્લાના તાલુકા મથક ઉમરેઠના મોચી વાડ ખાતેથી કોરોનાના બે અલગ-અલગ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
બે દિવસ પૂર્વે આણંદ જિલ્લામાં કોરોના બોમ્બ ફુટતા આણંદ શહેરમાંથી કોરોનાના અનેક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જો કે છેલ્લા બે દિવસથી કોરોનાના પોઝીટીવ કેસોમાં ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ જિલ્લાના જીટોડીયા, આંકલાવના અંબાવ તથા આણંદના જુના મોગરી રોડ ઉપરથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. આ ત્રણેય નવા વિસ્તારોમાં કોરોના વાયરસે પગપેસારો કરતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે તો બીજી તરફ આજે પણ વધુ બે નવા વિસ્તારોમાં કોરોના વાયરસે દેખા દીધી છે. આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલ રેલ્વે કોલોની ખાતે રહેતા અને રેલ્વેમાં ફરજ બજાવતા એક ૫૭ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રની ટીમો રેલ્વે કોલોની ખાતે દોડી ગઈ હતી અને રેલ્વે કોલોનીને સેનીટાઈઝ કરી કેન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ મારી દેવાયું હતું. સાથે સાથે તેઓના પરિવારના સભ્યોને હોમ કોરોન્ટાઈન કરી તેઓના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ સીલ્કસીટી ઉમરેઠના પીપળીયા ભાગોળ કસ્બા તેમજ આંબલી ચકલા બાદ હવે મોચી વાડ વિસ્તારમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતા એક ૮૧ વર્ષના પુરૃષ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાલિકા તંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોચીવાડ વિસ્તારમાં સેનીટાઈઝીંગ પ્રક્રિયા હાથ ધરી કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓની આરોગ્ય તપાસણી હાથ ધરાઈ હતી. સાથે સાથે આ વિસ્તારને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.