આણંદ શહેરમાં સાત મળીને જિલ્લામાં કોરોના વાઈરસના 11 પોઝિટિવ કેસ
- શહેરમાં ફરી કિલર કોરોનાએ માથું ઉંચકતા ફફડાટ
- શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 9 કેસ : પાલિકા અને આરોગ્ય તંત્રની ટીમોએ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી
આણંદ, તા.28 જુલાઈ 2020, મંગળવાર
આણંદ શહેરમાં પુનઃ કોરોના બોમ્બ ફુટતા સાત કેસ સાથે જિલ્લામાં આજે કોરોનાના કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં મળી કુલ ૯ પોઝીટીવ કેસ માત્ર આણંદ તાલુકામાંથી જ મળી આવતા સમગ્ર આણંદ શહેરમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરીજનોના જીવ તાળવે ચોંટયા છે.
છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી સમગ્ર આણંદ જિલ્લામાં કોરોના વાયરસ રોકેટ ગતિએ વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જિલ્લાના નવા-નવા વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. જો કે વીતેલા એક સપ્તાહ દરમ્યાન આણંદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટયું હતું અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા હતા. જ્યારે આજે ફરીથી એકવાર આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મળી આણંદ તાલુકામાંથી કોરોનાના કુલ ૯ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા કોરોના વિસ્ફોટ થયો છે. આજે નોંધાયેલ કોરોનાના પોઝીટીવ કેસોમાં આણંદ શહેરના નહેરુ બાગ નજીક આવેલ અભ્યુદય પાર્ક ખાતે રહેતા ૮૭ વર્ષીય પુરૃષ, આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ પ્રાર્થના વિહાર પાછળના હરીવંદન બંગલોમાં રહેતા ૭૦ વર્ષીય મહિલા, ભાલેજ રોડ ઉપર આવેલ રહેમાન પ્લાઝા ખાતે રહેતી ૫૦ વર્ષીય મહિલા, લાંભવેલ-બાકરોલ રોડ ઉપર આવેલ વૈષ્ણવ ટાઉનશીપ ખાતે રહેતી ૪૯ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરના ડી-માર્ટ સામે આવેલ શ્રીરામ કોમ્પલેક્ષમાં રહેતા ૭૨ વર્ષીય પુરૃષ તથા બાકરોલની દેસાઈની હવેલી નજીક રહેતા ૬૯ વર્ષીય પુરૃષ અને વિદ્યાનગરના મહાદેવ આર્ય ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. સાથે સાથે આણંદ તાલુકાના ખાંધલી ગામે કોરોના વાયરસે પગપેસારો કરતા પ્રજાપતિ વાસમાં રહેતા ૭૨ વર્ષીય પુરૃષનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત પેટલાદ ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરૃષ અને પેટલાદ તાલુકાના મહેળાવ ગામે જવાહર શેરી ખાતે રહેતા ૭૫ વર્ષીય પુરૃષ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આજરોજ આણંદ તાલુકામાંથી ૯ તેમજ પેટલાદ તાલુકામાંથી ૨ મળી કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં તમામ દર્દીઓને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી પેટલાદના ૬૫ વર્ષીય દર્દી વેન્ટીલેટર ઉપર હોવાનું જાણવા મળ્યુ ંછે જ્યારે વિદ્યાનગર, ખાંધલી, શહેરના હરીવંદન બંગલો, મહેળાવ, રહેમાન પ્લાઝા તથા બાકરોલના દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.