ખંભાતમાં કોરોનાનો વધુ 1 કેસ : આધેડનું મોત
- આણંદ જિલ્લામાં કોરોના વાઇરસે વધુ એકનો ભોગ લીધો : કુલ મૃત્યુઆંક 2
- અલીંગ વિસ્તારમાં પતિને કોરોના થયા બાદ પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો ડાયાબિટીસમાં દર્દીએ કોરોનાથી કરમસદની હોસ્પિટલમાં આખરે દમ તોડયો
આણંદ, તા. 19 એપ્રિલ, 2020, રવિવાર
આણંદ જિલ્લામાં ડેન્જર ઝોન બનેલા ખંભાતના અલીંગ વિસ્તારમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. તેમજ છેલ્લા પાંચ દિવસથી જનરલ હોસ્પિટલમાં સારવાર લેતાં ડાયાબિટીસના દર્દીને કોરોનાથી મોત નિપજ્યું છે. આમ, જિલ્લામાં કોરોના અત્યાર સુધીમાં બે લોકોને ભરખી ગયો છે. અલીંગ વિસ્તારમાં રહેતા યુવક કોરોનાની ઝપેટ આવ્યા બાદ સંપર્કમાં આવેલી પત્નીને પણ કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે.
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી લોકલ સંક્રમણથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને નવાબી નગર ગણાતા ખંભાતના અલીંગ વિસ્તાર કોરોના હોટસ્પોટ બની ગયો છે ત્યારે અલીંગ વિસ્તારમાં રહેતાં જિતેન્દ્ર રાણાને તાજેતરમાં કોરોનાના લક્ષણો જણાતાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું બાદમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવતાં ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એવામાં કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલી તેમની પત્ની બિનિતા જિતેન્દ્ર રાણાને તાવ, શરદી બાદ કોરોના લક્ષણો જણાતાં તા. ૧૭-૪-૨૦ના રોજ ખંભાતની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બાદમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
આમ, ખંભાતના અલીંગ વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના અધધ ૧૯ કેસ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર આણંદ જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોનાના સંક્રમણને અટકાવવા કામે લાગી ગયું છે. આ ઉપરાંત અલીંગ વિસ્તારમાં રહેતાં દિનેશભાઈ રમણભાઈ હલવાસનવાળા (ઉ. ૫૪)ને ડાયાબિટીસની બિમારી હોઈ તેમજ સખત તાવ આવતા તા. ૧૩ એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા જો કે આધેડની તબિયત વધુ લથડતાં તા. ૧૮ એપ્રિલના શનિવારના રોજ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. તાજેતરમાં આણંદ જિલ્લાના ઉમરેઠના વ્હોરાવાડમાં રહેતા ૪૫ વર્ષના શખ્સનું કોરોનાના લીધે મોત નિપજ્યા બાદ ૧૮ એપ્રિલે ખંભાતના કોરોનાગ્રસ્ત દર્દીએ દમ તોડતા જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો આંક બે થયો છે.