FOLLOW US

આંકલાવડી ગામે અજાણ્યા વાહનની ટક્કરે 1 નું મોત

Updated: Mar 18th, 2023


- અમદાવાદ ભાઇના ઘરે જવા વાહનની રાહ જોતા હતા

- રાત્રે વાહનની ટક્કરે રોડ પર પડયા, અનેક વાહનો તેમના શરીર પરથી પસાર થઇ ગયા

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ આણંદ જિલ્લાના આંકલાવડી ગામની સીમમાં ગુરુવાર રાત્રીના સુમારે અજાણ્યા વાહને એક વૃધ્ધને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલ વૃધ્ધ રોડ ઉપર પટકાયા હતા. તેઓના શરીર પરથી અનેક વાહનો પસાર થતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના પાડીયાદ ખાતે રહેતા વસંતભાઈ વાસુદેવભાઈ દવે (ઉં.વ.૬૪) તેઓના ગામના જલુભા મનુભા પરમાર તથા વિનુભાઈ કલજીભાઈ કોળીપટેલ સાથે પાંચેક દિવસ પૂર્વે એક ટ્રકમાં કેમીકલ ભરીને મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાંથી ટ્રકમાં તડબૂચ ભરીને પરત બોટાદ આવવા નીકળ્યા હતા. દરમ્યાન ગુરુવાર રાત્રીના સુમારે અમદાવાદ-વડોદાર એક્સપ્રેસ હાઈવે પર આવેલ વડોદરા ટોલનાકા પાસે આવતા વસંતભાઈએ મારે અમદાવાદ ખાતે રહેતા ભાઈના ઘરે જવાનું હોઈ અહીંયા ઉતારી દો તેમ કહ્યું હતું. જેથી જલુભાઈએ તેઓને ટોલનાકા નજીક ઉતારી દીધા હતા અને બાદમાં તેઓ બોટાદ જવા રવાના થયા હતા. બીજી તરફ વાહનની રાહ જોતા જોતા વસંતભાઈ ચાલતા ચાલતા આંકલાવડી સીમમાં આવી પહોંચ્યા હતા. જ્યાં રાત્રીના સુમારે કોઈ અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. બાદમાં હાઈવે પરથી પસાર થતા અનેક વાહનો તેઓના શરીર પરથી પસાર થઈ જતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
Magazines