mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જાફરાબાદનાં રાયડી ડેમની સિંચાઈ કેનાલનો ખર્ચ વહી ગયો પાણીમાં

Updated: Jan 27th, 2023

જાફરાબાદનાં રાયડી ડેમની સિંચાઈ કેનાલનો ખર્ચ વહી ગયો પાણીમાં 1 - image


25 વર્ષમાં માત્ર એક વખત ટેસ્ટીંગ બાદ તંત્ર ગાયબ

કંથારીયા, નાના બારમણ, બાલાની વાવ સહિતનાં ગામોનાં ખેડૂતો વર્ષોથી માગણી કરતા હોવા છતાં કેનાલમાં પાણી છોડાતું નથી

અમરેલી: ગુજરાતમાં સરકાર દ્વારા એક વખત નાણાં વાપરી નાખવામાં આવે છે.જોકે ત્યાર બાદ એ બનાવેલ સુવિધાનો ઉપયોગ થાય છે કે નહિ તે વર્ષો વીતવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.જેના કારણે પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.આ વાત આજ કાલની નથી પરંતુ વર્ષોથી આવી જ હાલત છે.જાફરાબાદના ગામોમાં રાયડી ડેમમાંથી કેનાલથી સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે શરુ કરવામાં આવેલ કેનાલ ૧૯૯૫માં બનાવવામાં આવી હતી.જોકે તેનું એક વાર ટેસ્ટિંગ કર્યા બાદ આજે ૨૫ વર્ષ થવા છતાં યોગ્ય રીતે પાણી સુવિધા પુરી પાડવા માટે ઉપયોગમાં લેવાયેલ નથી.  

આ કેનાલ ૧૯૯૫માં બનાવ્યા બાદ ૧૯૯૭ના વર્ષમાં ટેસ્ટિંગ કરવામાં આવી હતી.આ કેનાલનો ઉપયોગ દર વર્ષે કરી શકે તે પ્રકારે ન થયો હોવાને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને આ વિસ્તારના ડાબા કાંઠાના બાલાની વાવ, કંથારીયા, નાના બારમણ સહિતના ગામોના ખેડૂતોને ચાર વર્ષથી પાણીની માંગ કરતા હોવા છતાં પણ છોડવામાં આવ્યું નથી.જેથી ખેડૂતોની સ્થિતિ બેહાલ છે. 

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓની ખેડૂતોને સિંચાઈમાં પાણીની તાતી જરૂરિયાત હોય છે. કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પાણી મોળા અને ધૂંધળા પાણી હોવાના કારણે પિયત માટે મીઠા પાણીની ખૂબ જ ખેડૂતો ને જરૂરિયાત હોય છે . ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે રાયડી ડેમ આવેલ છે. આ ડેમ નીચે આવતા ગામો અને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો વર્ષો પહેલા બનાવવામાં આવી છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે. કે નાગેશ્રી અને મીઠાપુર ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ ૧૯૯૫ માં બનાવવામાં આવી હતી. ૧૯૯૭ માં ટેસ્ટીંગ માટે એકવાર પાણી આપવામાં આવેલ પરંતુ આજ દિવસ સુધી આ કેનાલમાં ખેડૂતોને ક્યારેય પાણી મળ્યું નથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કિસાન સંઘ અને ખેડૂતો કરી છે પરંતું ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તંત્રએ આજ દિવસ સુધી તસ્દી લીધી નથી.  ડાબા કાઠાની કેનાલ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી છે પરંતુ હાલ આ કેનાલો માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભી છ, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

કેનાલનાં રીપેરીંગ અને સાફ-સફાઈની પણ જરૂર

રાયડી ડેમના ડાબા કાંઠાના ખાલસા, કંથારીયા, બારમણ, બાલોની વાવ સહિતના ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે કેનાલો આવેલી છે, પણ હાલ આ કેનાલોની તૂટેલી સ્થિતિ જોવા મળી રહી છે. કેનાલ માત્ર કહેવા માત્ર ઉભી છે ત્યારે બાલાની વાવ, ખાલસા, કંથારીયા ગામના ખેડૂતોને ચાર વર્ષ પહેલાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે અનેક વાર ડાબા કાંઠાના વિસ્તારના ખેડૂતોએ સ્થાનિક તંત્રને ખૂબ રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ આ કેનાલ તૂટેલી છે. રીપેરીંગ કામ કરવામાં નથી આવ્યું કે ચાર વર્ષથી પાણી છોડવામાં નથી આવેલ ત્યારે આ કેનાલના ભૂંગળા ની અંદર દીપડા ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ ઘર કરી ગયા છે. ત્યારે કેનાલ ઉપર બાવળની જાળીઓ ઉભી છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલ રીપેરીંગ કરી અને સિંચાઈનો પાણીનો લાભ ખેડૂતોને મળે તેવી માંગ કરી રહ્યા છે.


Gujarat