અમરેલીના હંસાબહેનની કમાલ: તાજપરના હાથ બનાવટના ગોદડાની 7થી વધુ દેશોમાં ડિમાન્ડ, 25 મહિલાઓને આપી રોજગારી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Handmade Quilts In Amreli: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અંતરિયાળ તાજપર ગામમાં હસ્તકળા અને પરંપરાગત હુન્નરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ગામની મહિલાઓએ હાથેથી બનાવેલાં પરંપરાગત ગોદડાંની માંગ હવે માત્ર ગુજરાત કે દેશ પૂરતી સીમિત ન રહેતાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ સહિત સાતથી વધુ દેશોમાં પહોંચી છે. આશરે છ મહિના પહેલાં શરૂ કરાયેલા આ વ્યવસાયે સ્થાનિક મહિલાઓ માટે સ્વરોજગારી અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નાની શરૂઆત અને સોશિયલ મીડિયાથી મળ્યો નવો વળાંક
આશરે 1200ની વસ્તી ધરાવતા તાજપર ગામના 55 વર્ષીય હંસાબહેન રાઠોડ નામના મહિલાએ આ સફળતાની શરૂઆત કરી હતી. માત્ર બીજા ધોરણ સુધી અભ્યાસ કરનારાં અને 25 વીઘા ખેતીની જમીન ધરાવતાં હંસાબહેને ખેતીની સાથે કંઈક નવું કરવાનો વિચાર કર્યો. છ મહિના પહેલાં તેમણે હાથેથી ગોદડું બનાવ્યું અને તેમના દીકરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો પ્રચાર કર્યો. પહેલું ગોદડું સુરતમાં વેચાયા બાદ ગ્રાહકોની ભલામણથી માગ વધતી ગઈ. આજે તેમનાં બનાવ્યાં ગોદડાં ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો અને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ સહિતના દેશોમાં અત્યાર સુધીમાં 600થી વધુ ગોદડાં મોકલવામાં આવ્યા છે.
રોજના 15 ગોદડાંનું વેચાણ અને આર્થિક ગણિત
હંસાબહેનના જણાવ્યાનુસાર, અત્યાર સુધીમાં 600થી વધુ ગોદડાં વિદેશમાં વેચાઈ ચૂક્યાં છે. દરરોજ આશરે 15 જેટલાં ગોદડાં બનાવવાનું કામ થાય છે, જ્યારે મહિનામાં 400થી 600 ગોદડાંનું વેચાણ થાય છે. ગુજરાતમાં એક ગોદડાની કિંમત 1,800 રૂપિયા છે, જ્યારે ભારતભરમાં મોકલવા માટે તેની કિંમત 2,200 રૂપિયા રહે છે. વિદેશ મોકલવા માટે ગોદડાની મૂળ કિંમત 1,800 રૂપિયા છે અને કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો રહે છે.
એક ગોદડું બનાવવામાં આશરે 5 મીટર કાપડ (પ્રતિ મીટર રૂ. 55થી 140) અને 1.5 કિલો શુદ્ધ કોટન કે પોલ રૂ (પ્રતિ કિલો રૂ. 150થી 200)નો ઉપયોગ કરવામાં આવે છે. ગોદડાને મજબૂત અને ટકાઉ બનાવવા માટે હાથથી ચોકસાઈપૂર્વક સિવણકામ કરવામાં આવે છે.
ગામની મહિલાઓ બની આત્મનિર્ભર
હંસાબહેને માત્ર પોતાનો વ્યવસાય વિકસાવ્યો નથી, પરંતુ ગામની અન્ય 20થી 25 મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી છે. એક ગોદડું સિવવા બદલ મહિલાઓને રૂ. 300 મજૂરી ચૂકવવામાં આવે છે. આ રીતે એક મહિલા દિવસમાં બે ગોદડાં બનાવીને રોજના રૂ. 600 સુધીની કમાણી કરી આત્મનિર્ભર બની રહી છે. માતાના આ પરંપરાગત કૌશલ્યને વિદેશી માર્કેટ સુધી પહોંચાડવામાં તેમના પુત્રએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.




