ફક્ત 8 ચોપડી પાસ ખેડૂતે 2 કરોડના તરબૂચનું ઉત્પાદન કર્યું

અમરેલીના બોરડી ગામના ખેડૂતની કમાલ 55 એકર જમીનમાં તરબૂચ વાવી હવે જમ્મુ કાશ્મીર, દિલ્હી, ચંદીગઢ, લુધિયાણા સહિતના રાજયોમાં વેચાણ કરે છે , એક એકર જમીનમાં માત્ર સવાલાખના ખર્ચ સામે નફો મોટો
અમરેલી, : એક જમાને એમ કહેવામાં આવતુ હતુ કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, અને નોકરી તો કનિષ્ટ જ ગણાય...અલબત એનો અર્થ એવો છે કે જે ખેતી કરે તે સર્વમાં સુખી હોય, એના પછીના ક્રમે વેપાર આવે છે અને નોકરિયાતનું સ્થાન છેલ્લે આવે છે. હવે વર્ષો જુની ઉકિત સાચી ઠરતી હોય એમ કેટલાય નાવિન્યપ્રદ ખેતી કરનારા ખેડૂતો ન્યાલ થવા લાગ્યા છે. અમરેલી જિલ્લાના બોરડી ગામના માત્ર આઠ ચોપડી પાસ એવા ખેડૂતે કપાસ મગફળી કે અન્ય વાવેતર કરવાને બદલે મધમીઠા તરબૂચની ખેતી કરવાનો સંકલ્પ કરી બે કરોડના તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે.અગાઉ આ ખેડૂતે ટમેટાની ખેતી કરી છેક દુબાઈ સુધી નિકાસ કરીં છે !
તરબૂચનો પાક ખુબજ ઓછા પાણીમાં થઈ શકે છે.એમાંયે ડ્રીપ ઈરીગેશન પ્રક્રિયા આવી જતાં પાણીની જરૂરિયાત સાવ ઘટી ગઈ છે. સાવરકુંડલાની સરહદે આવેલા ધારી તાલુકાના બોરડી ગામના ખેડૂત મધુભાઈ સાવલિયાએ ચીલાચાલુ ખેતીમાંથી બહાર નીકળીને બાગાયતખેતી કરવાનુ નકકી કર્યુ હતુ. ગતસાલ ટામેટાની ખેતી કરી હતી અને દુબાઈ સુધી નિકાસ કરીને લાખો રૂપિયા કમાયા હતા. આ સાલ એણે તરબૂચની ખેતીમાં હાથ અજમાવ્યો છે. એમાં પણ એને સફળતા મળી છે.તે એક એકરમાં 40 ટન તરબૂચનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અને એક એકર પાછળ સવા લાખ રૂપિયા ખેતી ખર્ચ કર્યો છે.હાલ આ તરબૂચ છેક જમ્મુ કાશ્મીર, દિલ્હી, ચંદીગઢ, લુધિયાણા, સહિતના રાજયોમાં નીકાસ થાય છે. અને મબલખ પૈસા કમાઈ રહ્યા છે. આઠ ચોપડી પાસ આ ખેડૂત ચીલાચાલુ ખેતીને બદલે યાંત્રિક ખેતી કરે છે.

