અમરેલીના ડેડાણ માટે અપૂરતી એસટી બસોથી મુસાફરોને હાલાકી
- રોડ પર ઝાડીઝાંખરા વધી થતા વાહન ચાલકો પરેશાન, મોટા શહેરોમાંથી આવતા લોકો અંગે આરોગ્ય તંત્ર લાપરવાહ
- લાંબા સમયથી યૂરિયા ખાતરની તંગી
ડેડાણ, તા. 19 જુલાઈ 2020, રવિવાર
અમરેલી જિલ્લામાં એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવી પણ ડેડાણ ગામ માટે ઓછી બસો ફાળવવામાં આવી હોવાથી અહીંના લોકો મુસાફરી કરવામાં ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની વિગતો મળી રહી છે.
આ વિસ્તારના લોકોને રાજકોટ જવા માટે રાજુલા-જામનગર, ઉના-રાજકોટ, મહુવા જવા માટે બગસરા-મહુવા, ઉના જવા માટે સાવરકુંડલા-ઉના સવારમાં મળતી હતી, જાફરાબાદ જવા માટે સાંજના 6 વાગ્યે જતી બસની સુવિધા મળી નથી. ખાસ બીમાર મુસાફરો માટેની મહુવા જવા માટેની બસ પણ બંધ છે.
સાવરકુંડલા-ખાંભા નેશનલ રોડ પર ધજંડીથી નાનુડી સુધી ખેતરના શેઢામાંથી ઊગી નીકળેલાં ઝાડીઝાંખરા વધી થતા વાહન ચાલકો પરેશાન ગયા છે. જેના કારણે અકસ્માતની ભીતિ પણ જોવાઈ રહી છે. આ નડતરરૂપ ઝાડીઝાંખરા દૂર કરવા માગણી ઉઠી છે.
વળી ડેડાણમાં સેવા સહકારી મંડળીમાં ઘણા સમયથી યૂરિયા ખાતર નથી. સારો વરસાદ પડતાં ખેડૂતોને ખાતરની જરૂર છે એવા સમયે જ એના અભાવને ખેડૂતો સંકટમાં મુકાયા છે.
ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, રાજકોટ, ભાવનગર જેવા મોટાં શહેરોમાંથી આવતા લોકોના મકાન પર આરોગ્ય ખાતા દ્વારા લેબલ લગાડવામાં આવે છે, જોકે એનું કોઈ પાલન કરતું નથી એ અંગે તપાસ કરવા પણ માગણી ઉઠાવવામાં આવી છે.