અમરેલી: લાઠીમાં 42 વર્ષથી પરંપરાગત રાસ-ગરબાની રમઝટ: માલધારી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા જીવંત રખાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Navratri 2026: અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં નવરાત્રિ મહોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. લાઠીની જાણીતી ભરવાડ શેરીમાં આવેલા 'મોમાઈ ગરબી મંડળ' દ્વારા છેલ્લા 42 વર્ષથી પરંપરાગત રીતે રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. માલધારી સમાજના ખેલૈયાઓ દ્વારા પરંપરાગત કસુંબલ ભરવાડી વેશભૂષા ધારણ કરીને રજૂ કરવામાં આવતી રાસ-ગરબાની રમઝટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.
ભક્તિ, આસ્થા અને સંસ્કૃતિનો અનોખો સંગમ
લાઠીની ભરવાડ શેરીમાં મોમાઈ ગરબી મંડળ દ્વારા વર્ષોથી ચાલી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને આજે પણ અકબંધ રાખવામાં આવી છે. 42મા વર્ષે યોજાયેલા આ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાના તાલ પર માતાજીની ભક્તિમાં લીન થઈ રમઝટ બોલાવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને લોકસંસ્કૃતિના અનોખા સંગમ સમાન આ આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.
મનમોહક વેશભૂષા જોવા લોકોની ભારે ભીડ
માલધારી સમાજના ખેલૈયાઓ ખાસ ભરવાડી પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે. આ મનમોહક વેશભૂષા અને પરંપરાગત દેશી રાસ-ગરબા જોવા માટે લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન મોમાઈ ગરબી મંડળના રાસ-ગરબા નિહાળવા માટે શ્રદ્ધાળુઓ અને ખેલૈયાપ્રેમીઓની ભારે ભીડ જામે છે, જે નવરાત્રિના આ પાવન પર્વને વધુ વિશેષ બનાવે છે.




