સાવરકુંડલા નજીક ઘનશ્યામનગરમાં સિંહણે બાળકને ફાડી ખાતા મોત
- એક માસમાં આ જ ગામમાં બીજો બનાવ, બે બાળકો કોળિયો થઈ ગયા
- પરપ્રાંતીય મજુર પરિવાર પર આભ તૂટી પડયું, વન વિભાગ નિષ્ક્રિય
સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગરમાં મજુરી કામે આવેલા પરપ્રાંતીય પરિવારના ત્રણ વર્ષીય બાળક પર લપાતી છુપાતી આવેલી સિંહણે અચાનક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઈ છે. આ જ ગામમાં મજુર પરિવારના બીજા બાળકનો સિહણે ભોગ લીધો છે.
આજે સાંજના સમયે વાડીએ કામ કરી રહેલા મધ્યપ્રદેશના શંકરભાઈ મોહનિયા નામના મજુરનો પરિવાર કંઈ સમજે એ પહેલા એક સિંહણ લપાતી છુપાતી આવી હતી. અને સીધા એના ત્રણ વર્ષીય બાળક રફીક પર જાનલેવા હુમલો કરી બાળકને મોઢામાં લઈ વારંવાર ઝંઝેડીને ઘાયલ કરી દીધો હતો.આ વખતે ભારે દેકારો મચી ગયો હતો. સિંહણના હુમલાથી દેકારો થઈ જતાં આસપાસના બધા મજુરો દોડી આવ્યા હતા. અને ભારે શોરબકોર કરીને સિંહણના મોઢામાંથી બાળકને બચાવ્યો હતો. એ પછી બાળકને રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઉલ્લેખનીય છે કે એક માસ પહેલા આ જ ગામની સીમમાં એક સિંહણ આવી ચડી હતી. તેણે માતાની નજર સામે બાળકન દબોચી લઈ શેરડીના વાડમાં લઈ ગઈ હતી. એ પછી ભારે શોધખોળ થઈ હતી પણ બાળકનો પતો મળ્યો ન હતો અને બીજા દિવસે બાળકની લાશના ચૂંથાઈ ગયેલા અવશેષો મળી આવ્યા હતા. આમ અહી આ બીજો બનાવ છે.ઉલ્લેખનીય છે કે દર શિયાળે આ ગામમાં પરપ્રાંતીય મજુરો પેટિયુું રળવા આવે છે.અહી આ બનાવ બનતા તમામ મજુરોમાં ભારે ભય ફેલાઈ ગયો છે.