Amreli

અમરેલી જિલ્લામાં આપઘાતના 4 બનાવ: આર્થિક સંકડામણ, કૌટુંબિક કલેશ અને સામાન્ય બોલાચાલીમાં જીવન ટૂંકાવ્યું

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આર્થિક સંકડામણ, કૌટુંબિક કલેશ અને સામાન્ય બાબતોમાં મનમાં લાગી આવવાના કારણે 4 લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. વડિયામાં હેર સલૂન સંચાલક, ખાંભામાં પત્ની રીસામણે જતાં યુવાન, લીલિયામાં ઘરકામ બાબતે બોલાચાલી થતાં યુવાન અને દામનગરમાં નવા કપડાં બાબતે ઝઘડો થતાં સગીરાના મોત નિપજ્યા છે. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લામાં આપઘાતના 4 બનાવ: આર્થિક સંકડામણ, કૌટુંબિક કલેશ અને સામાન્ય બોલાચાલીમાં જીવન ટૂંકાવ્યું

Amreli News: અમરેલી જિલ્લાના છેલ્લા 24 કલાકમાં આર્થિક સંકડામણ, કૌટુંબિક કલેશ તેમજ સામાન્ય બાબતોમાં મનમાં લાગી આવવાના કારણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધાના 4 અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનામાં સગીરા સહિત કુલ ચાર વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા આ તમામ બનાવો અંગે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડિયા: ખટારાની લોનના હપ્તા વધી જતાં હેર સલૂન સંચાલકે આપઘાત કર્યો

મળતી માહિતી અનુસાર, વડિયા ગામે રહેતા અને હેર સલૂનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા 47 વર્ષીય વિપુલ રાવરાણીએ ખટારા વાહનની લીધેલી લોનના હપ્તા વધી જવાથી ભારે આર્થિક સંકડામણ અનુભવી હતી. આર્થિક ભીંસથી તંગ આવીને તેમણે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ખાંભા (પીપળવા): પત્ની પિયર રીસામણે ચાલ્યા જતાં યુવાને જીવન ટૂંકાવ્યું

બીજો બનાવ ખાંભા તાલુકાના પીપળવા ગામે બન્યો હતો. અહીં 23 વર્ષીય જયદીપ ઝાલાની પત્ની પિયર રીસામણે ચાલી ગઈ હતી. આ બાબતનું મનમાં લાગી આવવાથી આવેશમાં આવીને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિણામે, તેમને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.

લિલિયા (દાડમા): ઘરકામ બાબતે બોલાચાલી થતાં યુવાને વાડીએ જઈ દવા પીધી

ત્રીજી ઘટના લિલિયા મોટા વિસ્તારના દાડમા ગામની છે. અહીં રહેતા 30 વર્ષીય મહેશ આસોદરાને ઘરકામ બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનમાં લાગી આવતા તેમણે પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી, જેથી સારવાર મળતા પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું.

દામનગર (ધુફણીયા): નવા કપડાં બાબતે ભાઈ સાથે ઝઘડો થતાં સગીરાનો આપઘાત

ચોથો કરુણ બનાવ દામનગર નજીક આવેલા ધુફણીયા ગામની વાડીમાં મજૂરી કરતા પરિવારમાં બન્યો હતો. અહીં મજૂરી કરતા પરિવારની 17 વર્ષીય દીકરીને પોતાના ભાઈ સાથે નવા કપડાં ખરીદવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડામાં ભાઈએ લાફો મારતા સગીરાને ભારે લાગી આવ્યું હતું અને તેણે ગુસ્સામાં આવી અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.