FOLLOW US

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ડીગ્રી વગરના 3 બોગસ ડોક્ટર પકડાયા

Updated: Dec 30th, 2022


એલોપેથી કદવા, મેડીકલના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો : સરકાર માન્ય ડિગ્રી વગરના ડોકટરોની મેડીકલ પ્રેકટીસ બંધ કરાવી કાર્યવાહી

અમરેલી, : અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે. વધુ એક વાર પ્રશાસન દ્વારા બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલામાંથી એક અને લીલીયામાંથી બે બોગસ ડોક્ટરને કોઈપણ પ્રકારની સરકાર માન્ય ડિગ્રી વગર જ દર્દીઓ પાસેથી ફી લઈને સારવાર કરતા ઝડપી પાડયા હતા. તેની પાસે ક્લિનિકમાં રહેલ મુદામાલ કબ્જે કરી અને લોકોના જીવને જોખમમાં મુકવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ડિગ્રી વગરના ડોક્ટરને પકડી પાડવા માટે સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં બોગસ ડિગ્રી વગર જ મેડિકલ પ્રેક્ટિસ કરી અને લોકોના જીવને જોખમમાં મુકાય તેવી રીતે કામગીરી કરવા બદલ ત્રણ જેટલા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી હતી.

લીલીયા તાલુકાના સલડી ગામે હવેલી શેરી વિસ્તારમાં રહેતા મનુભાઈ રામજીભાઈ રામાણીના રહેણાંક મકાનમા ચામુંડા ક્લિનિક નામે નિલેશભાઈ સુર્યકાંતભાઈ મેહતા તેમજ લીલીયાના રેલવે ફાટક પાસે ધંધો ચલાવતા નીતિનભાઈ ડાયાભાઇ પંડયા તેમજ સાવરકુંડલાના મણિનગર મસ્જિદ પાસે અલસીફા નામનું દવાખાનું ચલાવતા રફીકભાઇ વાલીમહમદભાઈ જાદવ (ઉ.વ. 43) નામના બોગસ ડોકટરો ઝડપાઇ આવ્યા હતા. 

આ તમામ લોકો પાસેથી એલોપેથિક દવાઓ, મેડીકલને લગતા સાધનો સહિતનો મુદામાલ પણ કબ્જે કર્યો હતો. જેમાંથી નિલેશભાઈ પંડયા નામના બોગસ ડોક્ટર પાસેથી પોલીસે મેડીકલને લગતા સાધનોની વસ્તુ નંગ- 54 જેની કિંમત રૂ. 10436 તો નીતિનભાઈ ડાયાભાઇ પંડયા પાસેથી એલોપેથિક દવાઓ તથા મેડીકલના સાધનો સામગ્રી કુલ નંગ 62 મળી કિંમત રૂપિયા 22,703નો મુદામાલ તેમજ રફીકભાઇ જાદવ પાસેથી એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ સામગ્રી નંગ- 19 જેની કુલ કિંમત 5,281 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

મેડીકલ ટીમને સાથે રાખીને અમરેલી એસઓજીની ટીમ દ્વારા બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Gujarat
News
News
News
Magazines