For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના ઇતિહાસનું પુનઃ લેખન જરૂરી છે?

Updated: Nov 29th, 2022


- અલ્પવિરામ

- ઇતિહાસમાં કોઈપણ દેશનાં મૂળિયાં હોય છે, જે રાષ્ટ્રને તેના અતીતથી જોડી રાખે છે, સાથે સાથે તેના સબળ ભવિષ્ય માટે દિશાનિર્દેશ પણ કરે છે

ભારત હોય કે ગ્રીસ, પોતાના યુદ્ધ કૌશલને કારણે અમરત્વ પામેલા અનેક યોદ્ધાઓ આજે લાઈબ્રેરીના ખૂણામાં ધૂળના થર વચ્ચે દબાયેલા પુસ્તકોમાં દટાયેલા છે. લોકો બાહુબલિની ફિલ્મ નિહાળી એવું વિચારે કે આવો શક્તિશાળી સેનાનાયક ભારત પાસે પણ યોગ્ય સમયે આવી ગયો હોત તો વિદેશી પ્રજાએ ભારત પર આક્રમણ કરવાનો વિચાર કરતા પણ ડરે, એટલે શું ભારતમાં વીર રાજા-મહારાજાની કમી હતી? તાજેતરમાં ગૃહમંત્રીના નિવેદન પરથી તો એવું જ લાગે છે. તેમણે ચૂંટણી પ્રચારની એક સભા દરમિયાન આસામના અનસંગ વોરિયર લચિત બરફુકનને યાદ કર્યા. અને એવી ભારતના ઇતિહાસને પુનઃ લખવાની જાહેરાત પણ કરી દીધી. એટલે ઇતિહાસનું પુનઃલેખન કરવાથી રાષ્ટ્ર મહાન બની જાય!

કોઈપણ દેશના ઇતિહાસમાં તેના ધર્મ, શિક્ષા, સમાજ, રાજનીતિ, આર્થિક તેમજ ન્યાયિક વ્યવસ્થાનું પણ પ્રતિબિંબ જોવા મળે છે. ઇતિહાસના માધ્યમ થકી તે દેશની વિકાસયાત્રા લોકોના જીવનના ઉતાર-ચઢાવ તે દેશના, સમાજના આચાર-વિચાર અને વ્યવહારની ખબર પડે છે. એટલે કે ઇતિહાસમાં કોઈપણ દેશનાં મૂળિયાં હોય છે જે રાષ્ટ્રને તેના અતીતથી જોડી રાખે છે, સાથે સાથે તેના સબળ ભવિષ્ય માટે દિશાનિર્દેશ પણ કરે છે.

ગૃહમંત્રીએ ઇતિહાસ બદલવાનું જે સૂચન કર્યું. એ જ પેર્ટન ૧૯૯૦ના દાયકામાં કેનેડા સરકારે અખત્યાર કરી હતી. ઇતિહાસનાં તમામ પુસ્તકો રદ કરી નવાં પુસ્તકો લખાવડાવ્યાં. સરકારનો તર્ક એવો હતો કે વિદ્યાલયોમાં જે ઇતિહાસ અભ્યાસક્રમમાં છે, તેમાં વીર યૌદ્ધાઓની ઉપેક્ષા થઈ છે. પરિણામે દેશનાં બાળકોને દેશની ખાસ માહિતી જ નથી, એટલે નવા પુસ્તકોથી દેશના નિર્માણ અને લોકોના સંઘર્ષથી બાળકોમાં દેશભક્તિ જાગશે.

વાત તો સો ટચ સોનાની છે. ૪૦૦ વર્ષ પૂર્વે અહોમ સામ્રાજ્યને દિગ્વિજય બનાવનાર આસામી યૌદ્ધા લચિત બરફુકનનો ઉલ્લેખ ઇતિહાસમાં ક્યાંય થતો જ નથી. તેમનું કોઈ ચિત્ર પણ આસામમાં ઉપલબ્ધ નથી. ઇતિહાસકાર એસ. કે. ભૂઈયાના પુસ્તક 'લચિત બુરફુકાન એન્ડ હિઝ ટાઇમ્સ'માં જણાવ્યા અનુસાર દિલ્હીની સત્તા કબજે કર્યા બાદ ઔરંગઝેબે પૂર્વ ભારત પર ફરીથી મોગલ સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે બંગાળના સુબેદાર મીર જુમલાને ગુવાહાટી પરત લેવા માટે આસામ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. કૂચ બિહાર પર વિજય મેળવ્યા બાદ મીર જુમલા ૧૬૬૨માં આસામ પહોંચ્યા હતા. આસામ મુઘલો માટે સુવર્ણમૃગ સમાન હતું. જ્યાંથી હાથીદાંત, લાંબા કાળા મરી, સોનાના દાગીના કસ્તુરી અને લાખ જેવી સામગ્રી મળી શકે એમ હતી. આ સાથે મુઘલો પણ તિબેટ અને ચીન સુધી પહોંચવાનો રસ્તો શોધી રહ્યા હતા.

એ સમયે આસામ અહોમ વંશનું શાસન હતું. આ વીરજાતિના એક અમર વીર અને ખૂબ જ પરાક્રમી સેનાપતિ હતા લચિત બરફૂકન. લચિત બરફુકને કલા, શાસ્ત્ર અને યુદ્ધકૌશલ્યની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અહોમ સ્વર્ગદઉ રાજાના અંગત મદદનીશ તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લચિત બરફુકન પોતાની યોગ્યતા અને કાર્યદક્ષતાના આધારે સેનાપતિ બન્યા હતા. મીર જુમલાને ૧૦ દિવસમાં ધૂળ ચાટતો કર્યા બાદ ઔરંગઝેબે અઢળક સેનાપતિને યુદ્ધ લડવા મોકલ્યા, પણ પોતાના બાહુબળથી લચિત બરફુકને બધાને ભૂંડી હાર અપાવી. ઇતિહાસકાર ભૂઈયા તેમની સરખામણી ગ્રીસના યૌદ્ધા અકિલીસ સાથે કરે છે. તેઓ એવો પણ ઉલ્લેખ કરે છે કે આસામ સરકારે માત્ર તેમના નામે 'લચિત બરફુકન અવોર્ડ' ની સ્થાપના કરીને સંતોષ માની લીધો. આ અવોર્ડ નેશનલ ડિફેન્સ એકેડમીના શ્રેષ્ઠ કેડેટને આપવામાં આવે છે.

આમ તો આસામમાં દર વર્ષે ૨૪ નવેમ્બરે આસામી સેનાની જીત અને લચિતની યાદમાં લચિત દિવસ ઉજવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આયોજનના ભાગ રૂપે  ભાજપ હવે આ યોદ્ધાને પોતાના નવા હીરો તરીકે રજૂ કરવા માગે છે. કોંગ્રેસના શાસનમાં આ યૌદ્ધાની ઉપેક્ષા થઈ હોવાનું પણ અમિત શાહે આક્ષેપ મુક્યો હતો.

ચૂંટણીમાં આ મુદ્દો ધ્યાને લઈને રહી રહીને કોંગ્રેસે એ વાત સ્વીકારી લાગે છે કે પક્ષમાં જે સમસ્યા છે તે ટોચના નેતૃત્વની જ છે. કોંગ્રેસમાં તો કોઈ એક કાર્યકરને પણ રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં પાસે ઊભો રહેવા દે તો એ ચૂંટણી અગાઉ જ મુખ્યમંત્રીપદનો દાવેદાર બની જાય એવી હાલત છે. ભાજપે આજ સુધી સતત જે સફળતા મેળવી એનું કારણ એક જ છે કે એણે સતત કાર્યકરોને જન્મ આપ્યો ને એનાથી વિપરીત કોંગ્રેસે સતત નેતાઓને જ જન્મ આપ્યો

અસલ નેતૃત્વ વિનાની દશામાં આદિકાળથી ગુજરાત કોંગ્રેસ તૂટતી આવી છે. ગુજરાત કોંગ્રેસમાં અહંકાર પહેલા છે, કોંગ્રેસ પછી. જૂથવાદ પહેલા, પક્ષ પછી. ભાજપે તો આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોનું રાષ્ટ્રીય શોપિંગ ચાલુ કર્યું છે. વિવિધ રાજય વિધાનસભાઓમાં પણ આ અખતરો ભાજપે કર્યો હતો અને એના વિશિષ્ટ રાજકીય પરિણામો પ્રાપ્ત કયાંર્ છે. હવે એ જ પ્રયોગ ભાજપ રાષ્ટ્રીયસ્તરે કરે છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પણ જે રાજકીય હલચલ છે તે ભાજપની રેડીમેડ શોપિંગ પોલિસીને કારણે જ છે. લચિત બોરફૂકનને હવે 'આસામના છત્રપતિ શિવાજી' તરીકે ગણવામાં આવે છે.

જે 'કોમર્શિયલ ઇતિહાસકારો' છે તે લચિતને યાદ કરવામાં ગોથું ખાઈને બેઠા છે. મેઈનસ્ટ્રીમ મીડિયાને પણ પોતાની ભૂલ સમજાઈ છે. દરેક મીડિયાહાઉસ પાસે ભારત અને વિશ્વમાં થઈ ગયેલા મહાનુભાવોની યાદી હોય છે, જેમાં જન્મતિથિ, પુણ્યતિથિ અને પ્રથમ યોગદાન જેવી ઘટનાઓની એક્સેલ શીટ તૈયાર હોય છે. જો કોઈ મોટી ઘટના ન ઘટે તો જે તે તારીખમાં થઈ ગયેલી હસ્તીની ફાઈલ કાઢીને તેના ઉપર પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તે હસ્તી સાથે જેમણે કામ કર્યું હોય તેવી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આ પ્રકારના પ્રોગ્રામમાં સદ્ગત વ્યક્તિ જ કામ આવતી હોય છે. 

જીવિત પણ વિસરાઈ ગયેલી હસ્તીઓનો બહુ ભાવ નથી પૂછાતો. ઉદાહરણ તરીકે નીલ આર્મસ્ટ્રોંગનું નામ એ જીવિત હતા ત્યાં સુધી અમેરિકન મીડિયાએ દુનિયાને ભૂલવા ન દીધું, પણ આજે દસ ભારતીયોને એ સવાલ પૂછવામાં આવે કે રાકેશ શર્મા કોણ છે તો દસમાંથી સાત લોકોએ તેનું નામ ન પણ સાંભળ્યું હોય એવું બને. નવી પેઢીના હીરો રાકેશ ઝુનઝુવાલા છે.

અવગણનાના આ જંગલમાં ઇગ્નોરન્સ મશીન તરીકે વોટ્સએપ નામની મલ્ટિ-બેરલ ટેન્કનો સમાવેશ થયો છે, જેના ગોળીબારથી સ્વયં વડાપ્રધાન પણ બાકાત નથી. એ વોટ્સએપ જ કારણભૂત હતું કે ફિલ્મકલાની દ્રષ્ટિએ અત્યંત નબળી એવી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના વધુ પડતા ઢોલ વાગ્યા. 

એ ફિલ્મ જોવા ન જાય તે દેશદ્રોહી ગણાય એવો માહોલ ઊભો થયો અને જોતજોતામાં એ ફિલ્મ સદંતર વિસરાઈ ગઈ. વોટ્સએપ ઉપર હવે ઇતિહાસનું સર્જન થાય છે અને તે સર્જનને અંતિમ સત્ય ગણીને નાગરિકો તેનું ભાવપૂર્વક આચમન કરે છે અને પોતાના વીસ સગાઓને ફરજિયાત સેવન કરાવે છે. આ બહુ જોખમી ચક્ર ચાલુ થયું છે. તેમાં ટેક્સ્ટબુક, રેફરન્સ બુક અને સંશોધક પત્રોની હાંસી ઉડે છે. ગંજાવર લાઈબ્રેરી સામે નવો અને ભૂલભરેલો ઇતિહાસ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે લાઇબ્રેરી નબળી પડતી હોય એવું લાગે છે. સત્યશોધક સમાજની ફક્ત એક તકતી રહી જાય છે.

Gujarat