દુનિયામાં મંદીના સૂસવાટા વચ્ચે ભારતની શું સ્થિતિ છે?
- અલ્પવિરામ
- ટેકે ટેકે ચીનનું અર્થતંત્ર અત્યારે ચાલે છે. પણ આ ટેકા બહુ લાંબા સમય સુધી ચીનને ટકાવી નહીં શકે. એની સામે ભારતનો અવાજ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે બુલંદ થયો છે. પ્રતિષ્ઠાના જંગમાં આગળ નીકળતું ભારત વાણિજ્ય મોરચે પણ કૂચકદમ કરશે એ નક્કી છે
એવો કોઈ જાદુઈ યંત્રસંપુટ નથી કે જે વારંવાર દેશની તેજીમંદી વિશે સ્ટેટસ રિપોર્ટ આપ્યા કરે, પરંતુ વિવિધ અણસાર પરથી અર્થશાસ્ત્રીઓ અંદાજ લગાવે છે કે દેશ અને દુનિયા કઈ તરફ ગતિ કરી રહ્યા છે. હમણા જ બ્રિટન અને જાપાને જાહેર કર્યું છે કે તેમનાં અર્થતંત્ર અગાઉની તુલનામાં ધીમા પડયાં છે. ચીને આવી કોઈ કબૂલાત કરી નથી, પરંતુ ચીનના માલનો ઉપાડ ઘટયો છે. ચીન એક નિકાસજીવી પ્રાણી છે. નિકાસ ઘટે એટલે ચીનનું પ્રાણપંખેરું ઉડી જાય. જે કેટલાક નાના દેશોને ચીન સૈન્ય સહાયતા કરે છે એની પાછળનું કારણ પોતાની નિકાસને પ્રોત્સાહન આપવાનું છે.
હવે આંદામાન અને નિકોબારના વડાઓએ પણ એના દેશના વેપારીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે કે જે ચીજો ચીનમાંથી આયાત ન કરી શકાય હોય તે જ અન્ય દેશોમાંથી આયાત કરવી. હવે એના અગ્રતાક્રમમાં ચીની ઉત્પાદનો છે. પાકિસ્તાન, લંકા, નેપાળ, ભૂતાન, ઉત્તર કોરિયા - એમ બધે આ જ સ્થિતિ છે.
ટેકે ટેકે ચીનનું અર્થતંત્ર અત્યારે ચાલે છે, પણ આ ટેકા બહુ લાંબા સમય સુધી ચીનને ટકાવી નહીં શકે. એની સામે ભારતનો અવાજ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે બુલંદ થયો છે. પ્રતિષ્ઠાના જંગમાં આગળ નીકળતું ભારત વાણિજ્ય મોરચે પણ કૂચકદમ કરશે એ નક્કી છે એમ ચીનાઓ માને છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ વારંવાર ફેરફાર કરીને છેવટે વૈશ્વિક અર્થતંત્રનો કુલ વિકાસ દર ૩.૫ ટકાથી ઘટાડીને ૩.૨ ટકા કર્યો છે. આ અંદાજ ઇસુના નવા વર્ષ માટે હતો પણ હવે તો પરિસ્થિતિ સતત બદલાતી રહે છે. એનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હજુ તેજીને આવતા વાર લાગશે. આ પ્રકારની ધારણાઓ કાલ્પનિક નથી હોતી.
એ એડવાન્સ ઈકોનોમિકસની પ્રણાલિકાથી વૈજ્ઞાાનિક પદ્ધતિએ તૈયાર થાય છે. ભારતીય પ્રજાને અત્યારે મંદીનો જે અનુભવ છે તે એક તો નાણાભીડનો અને બીજો ઔદ્યોગિક સ્થગિતતાનો છે, પરંતુ એને સમાંતર કૃષિ ઉત્પાદનો તથા ગ્રાહકલક્ષી ઉત્પાદનો તો ચાલુ જ છે.
એમાં અસર બે પ્રકારની છે કે એક તો લોકોની ખરીદશક્તિ ઘટતી જાય છે, એને કારણે ગ્રાહકલક્ષી વસ્તુઓનો ઉપાડ ઓછો થતો જાય છે. ભારતમાં મુખ્યત્વે પરંપરાગત ખેતી પ્રણાલિકા હોવાથી કૃષિ ઉત્પાદનમાં ચડતી-પડતી આવે છે એને કારણે જ ખરેખર તો સરકારે એ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવું પડે છે.
ગત વરસે વરસાદ સારો થયો હોવા છતાં એનાથી સરેરાશ કૃષિ ઉત્પાદનમાં બહુ મોટો ફેર પડયો નથી, કારણ કે કોઈ પણ સારા ચોમાસા માટે એક જ શરત છે તે સમયસરનો અને પ્રમાણસર વરસાદ. ગયા ચોમાસામાં વારંવારનો અને અધિક વરસાદ હતો. જે વરસાદ હજુ પણ હિમાલયના બદલાતા પવનો અને અરબી સમુદ્ર એમ બન્ને બાજુથી ડોકિયાં કરે છે અને હવામાનશાીઓ એ ઉલઝનમાં જ ગળાડૂબ છે. ભારતીય ઋતુચક્રનો આ વરસનો પલટો એમને હજુ જંપવા દે એમ નથી. આ વરસની મંદીમાં પણ ચોમાસાનું યોગદાન છે. ડુંગળીનો દડો સોનાનો થયો એનું કારણ પણ અપ્રમાણસરનો એટલે કે ક્યાંક અધિક તો ક્યાંક અલ્પ એવો વરસાદ છે. છતાં સહુની નજર હવે બજારમાં આવી રહેલા રવિપાક પર છે જેનો પૂરો અંદાજ આવતા હજુ વાર લાગશે.
દુનિયાના ઘણા બધા દેશોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. સૌથી વધારે વિપદામાંથી તો ચીન પસાર થઈ રહ્યું છે, પરંતુ તેની સરકાર પ્રચાર-પડઘમ નિષ્ણાત છે અને સામ્યવાદ હોવાને કારણે સરકાર નિકાસ અને સંરક્ષણ બે જ બાબતમાં ધ્યાન આપે છે. ચીનના સર્વસામાન્ય શિક્ષણની હાલત આપણા કરતાં પણ ખરાબ છે, પરંતુ અધૂરા ભણતરે બહુ ઝડપથી લોકો કામે લાગી જતાં હોવાને કારણે એની કુલ ઉત્પાદકતા અને કુલ રોજગારી ભારતની તુલનામાં ઘણી સારી છે. એ કારણસર જ એની નબળી આર્થિક સ્થિતિ ઢંકાઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં પંદર વર્ષે સંતાનો પોતાના આત્મવિશ્વાસથી અને આત્મગૌરવ જાળવવાના હેતુથી જોબ પર લાગી જાય છે. એને કોઈએ કહેવું પડતું નથી. ચીનમાં તો ૧૫ વર્ષ પછી માતા-પિતાએ જ સંતાનોને ઘરમાંથી હાંકી કાઢવા પડે એવી પરિસ્થિતિ છે.
ઉપરાંત જે ચીનાઓ ૧૫થી ૧૭ વર્ષ વચ્ચે કામે લાગતા નથી તેના પર સરકારની નજર પડે છે અને એવા લોકોને સરકાર કોઈ પણ મજૂરી કરવા માટે લઈ જાય છે. ત્યાં દરેક નાગરિકની કાર્યશક્તિ પર રાષ્ટ્રનો સંપૂર્ણ અધિકાર છે. સામ્યવાદ પણ માત્ર કહેવા ખાતરનો જ રહ્યો છે. માઓના નામે લગભગ રાજાશાહી જેવું જ શાસન છે. આપણે ત્યાં કેન્દ્રની એનડીએ સરકારે શરૂઆતમાં રાષ્ટ્રવાદના નામે પોતાના કેટલાક હેતુ સિદ્ધ કર્યા, પરંતુ પછીથી પ્રજાને ખ્યાલ આવ્યો કે આ રાષ્ટ્રવાદ છેતરામણો છે. એટલે ભાજપે પોલિસી બદલી અને નમૂનારૂપ કામો હાથમાં લીધાં. તો પણ ભાજપે સત્તાનું જે હદ બહારનું - આત્યંતિક કેન્દ્રીકરણ કર્યું અને વડાપ્રધાનના ટેબલ પર જ બધા નિર્ણયો અટકી રહ્યા એની રઘુરામ રાજને ઘોર નિંદા કરી છે.
એમનો કહેવાનો અર્થ છે કે દેશમાં સંખ્યાબંધ આર્થિક નિર્ણયો લટકી રહ્યા છે. નીતિ આયોગ જે કામ કરે છે તેમાં અંતરિયાળ ભારતનું ચિત્ર પ્રતિબિંબિત થતું નથી. એટલે પંચવર્ષીય યોજનાઓના વિકલ્પમાં આ આયોગે કેન્દ્ર સરકારને જે માર્ગદર્શન આપવાનું હોય તેમાં બહુસંખ્ય ભારત જ્યાં વસૈ છે એ ગામડાંઓ ઉપેક્ષિત રહી જાય છે. રિઝર્વ બેન્કના ગવર્નર વિશે શરૂઆતમાં બહુ જ ટીકા થઈ હતી, પરંતુ મિસ્ટર શક્તિકાન્ત દાસે બહુ વિચક્ષણ અભિગમ રાખીને નિર્ણયો લીધા છે જેથી આંતરરાષ્ટ્રીય તખ્તા પર બજારો ગોથાં ખાતી હોવા છતાં ભારતીય બજારમાં રૂપિયો ફરતો રહ્યો છે.
હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવે છે એટલે કરોડો રૂપિયા બજારમાં ઠલવાશે અને અર્થતંત્રને એક ધક્કો મળશે ને ગતિ વધશે. પી. ચિદમ્બરમ્ જ્યારે વાણિજ્યપ્રધાન હતા ત્યારે એમણે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણી એ પરોક્ષ રીતે અર્થતંત્રને મળતો એક બુસ્ટર ડોઝ છે. સત્ય આખા દેશને નરી આંખે દેખાય છે અને એમાં જ મંદીનાં કારણો પણ છે, જેનું ગઈકાલે રઘુરામ રાજને ઉદ્ગાન કર્યું. દેશના આર્થિક વિકાસમાં કેન્દ્રને બદલે રાજ્યોની ભૂમિકા હવે વિશેષ મહત્ત્વની છે. દેશના આર્થિક એન્જિન કહેવાય એવાં ગુજરાત સહિતનાં કુલ બાર રાજ્યો પર મંદીમાંથી ભારતને બહાર લાવવાની જવાબદારી આપોઆપ આવે છે.
પણ એ રાજ્યોમાં હજુ પણ આર્થિક વિકાસના રોડમેપનો કોઈ ધડો નથી. એટલે હાલની ચાલુ મંદીની પાછળ આવતી મંદીનો અણસાર આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે નાછૂટકે અને સસંકોચ જાહેર કરવો પડયો છે. છતાં ગયા એપ્રિલમાં અમેરિકા વિશે નાણાભંડોળે જાહેર કરેલા અંદાજ કરતા અમેરિકા અત્યારે આગળ ચાલી રહ્યું છે અને બ્રાઝિલ જેવા થોડા દેશો સાવ તળિયે બેસી ગયા છે.