પાકિસ્તાને પ્રાંત બલુચિસ્તાનને આઝાદી આપવી પડશે
- અલ્પવિરામ
- પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર બલુચિસ્તાનમાં કોઈ પાકિસ્તાન સાથે રહેવા ચાહતું ન હોવાને કારણે તમામ પ્રજાને હવે પાકનું સૈન્ય શત્રુ તરીકે જુએ છે
પાકિસ્તાનની પરિસ્થિતિ બજારમાં એક વેચાવા મૂકેલા દેશ જેવી થઈ ગઈ છે, કારણ કે એક તરફથી પોતાના ઘર આંગણે બલુચિસ્તાનના આંદોલનકારીઓ એની કેન્દ્ર સરકારને તંગ કરી રહ્યા છે. બલુચિસ્તાનની પ્રજાને પાકિસ્તાની સૈનિકો સાથે સીધું વેર બંધાયેલું છે, કારણ કે પાકિસ્તાની સૈન્ય એ વિસ્તારના તમામ નાગરિકો સાથે તેઓ જાણે કે આતંકવાદી હોય તેવો વ્યવહાર કરે છે. પાકિસ્તાનની વખતોવખતની સરકારોએ એના સૈન્યને સર્વકાલીન સૂચના આપેલી છે કે બલુચિસ્તાન સ્વતંત્ર થવાના આંદોલનને કચડી નાખવા માટે જે કંઈ કરવું પડે તે કરવું, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર બલુચિસ્તાનમાં કોઈ પાકિસ્તાન સાથે રહેવા ચાહતું ન હોવાને કારણે તમામ પ્રજાને હવે પાકનું સૈન્ય શત્રુ તરીકે જુએ છે.
એટલે આવનારાં વર્ષોમાં બલુચિસ્તાન અને પાકિસ્તાનનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચશે એમાં કોઈ શંકા નથી. પાકિસ્તાન અનેક વાર આક્ષેપો કરી ચૂક્યું છે કે સ્થાનિક તોફાનીઓને લડવા માટે ભારત સરકાર શસ્ત્રો અને નાણાં આપે છે, પરંતુ હકીકતમાં એવું નથી. એ આંદોલન સ્વયંભૂ છે. બલુચિસ્તાનીઓની સમસ્યા માત્ર એટલી છે કે એમાં રહેલા ભરપૂર કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અન્યત્ર સુખાકારી આપે છે અને એ જ કુદરતી સંસાધનોના વિનયોગથી પ્રાપ્ત થતા સુખથી વતનીઓને વંચિત રાખે છે, એમાંથી જ આ નવી ક્રાંતિનો જન્મ થયો છે.
ઇમરાન ખાને એક વખત કહ્યું હતું કે ભારત જરૂર કરતાં વધારે બલુચિસ્તાનમાં રસ લે છે અને અમને એમ કહે છે કે તમે કાશ્મીરમાં રસ ન લો. જે રીતે ભારતના કહેવા પ્રમાણે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તે જ રીતે બલુચિસ્તાન પણ પાકિસ્તાનનું અભિન્ન અંગ છે. કોઈ પણ દેશના કોઈ એક નાના પ્રદેશના નાગરિકો પોતાની સામાન્ય જરૂરિયાતોની ડિમાન્ડ માટે એ દેશથી સ્વતંત્ર થવાની રજૂઆત ન કરી શકે અને જો એ રીતે ન્યાય કરવામાં આવે તો દુનિયાના દરેક દેશોના અસંખ્ય ટુકડાઓ થઈ જાય અને પૃથ્વી આંતર-યુદ્ધથી છવાઈ જાય. ઇમરાન ખાનનું એ ડહાપણ જો કે બલુચિસ્તાન કે પાકિસ્તાનને કંઈ કામમાં આવ્યું નહીં.
પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા એ છે કે એની પાસે પોતાનું કોઈ નીતિશાસ્ત્ર જ નથી. એ દરરોજ સવારે વિચારે છે કે આજે કેટલા આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવા - એમાં ને એમાં પાકિસ્તાનમાં ઉધઈ પ્રવેશી ગઈ છે જે એના અસ્તિત્વને હવે કોરી ખાય છે. સંસ્કૃતમાં સુભાષિત છે કે સજ્જનોને યાતના આપવાથી દુર્જન સ્વયં સંકટમાં મુકાય છે. એ રીતે પાકિસ્તાને ભારતને યાતના આપવામાં ૭૫ વર્ષ પસાર કર્યાં છે.
પાકિસ્તાનને નિત્ય નવા દુશ્મનો વધારવાનો શોખ છે અને એ શોખ કુદરતી રીતે જ એને પૂરો પાડવામાં આવે છે. ભારત સાથે લડવામાંથી હજુ નવરાશ નથી મળી ત્યાં આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. એ યુદ્ધને પણ ઓછામાં ઓછા ૨૫ વર્ષ પસાર થઈ ગયાં છે. હવે અફઘાન સરહદે ભડકો થયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા પછી સરહદી વિવાદ વધતો જ જાય છે. તાલિબાનો પાકિસ્તાનની સીમામાં પ્રવેશી ગયેલા છે. એ વધુ આગળ ન વધે એ માટે પાકિસ્તાને સરહદો સિલ કરી દીધી છે. તો પણ જેમ અમેરિકામાં પ્રવેશવા માટે લોકો તારની વાડ ઓળંગે છે અને એમાં મરે પણ છે એ રીતે પાકિસ્તાનની સરહદ ઓળંગવા જતાં અત્યાર સુધીમાં હજારો અફઘાની નાગરિકો માર્યા ગયા છે. છતાં સરેરાશ ૭થી ૮ લાખ અફઘાનિસ્તાનના નાગરિકો છાને પગલે પાકિસ્તાનમાં પ્રવેશી ગયા છે. આ આંકડો પાકિસ્તાન સરકારે જાહેર કરેલો છે.
તો પણ આ સંખ્યા વાસ્તવિક સંખ્યા કરતાં ઘણી નાની છે. અફઘાન નિરાશ્રિતો પાકિસ્તાનની વિવિધ ભોમકા પર પોતાનો કબજો જમાવવા લાગ્યા છે. અફઘાનીઓ પાકિસ્તાનીઓની સરખામણીમાં બહુ ખડતલ પ્રજા છે અને મૂળભૂત રીતે તો એ પહાડી ખેતીની કામગરી કોમ છે. જો એને તાલિબાન જેવા આતંકવાદીઓએ ભરડો ન લીધો હોત તો એશિયામાં અફઘાનિસ્તાનનો દબદબો હોત, પરંતુ સોનાની થાળીમાં લોહમેખ એ છે કે એની આખી નવી પેઢી સંપૂર્ણ આતંકવાદની દીક્ષા લઈ ચૂકેલી છે અને એ જ હવે આજે સત્તા પર છે.
સત્તા આવ્યા પછી પણ ઘણાને ડહાપણ આવે છે પરંતુ તાલિબાનોને ડહાપણ આવે એવી કોઈ શક્યતા નથી. અને એને કારણે પાકિસ્તાન માટે હવે શાંતિની નિદ્રા એક સ્વપ્ન બની ગઈ છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં સત્તા પર આવનાર પક્ષ પર માત્ર સૈન્યનો પ્રભાવ હતો. ભવિષ્યમાં એના પર સૈન્ય ઉપરાંત પડોશી તાલિબાનનો પ્રભાવ હશે. એક તો પાકિસ્તાન એ બે દુશ્મનોનું સંયુક્ત ટેબલ છે જે ટેબલ પર એક બાજુ અમેરિકા અને બીજી બાજુ ચીન છે. બંને પોતાનાં હિતો સાચવવા માટે પોતાની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાનને નાચ નચાવતા રહે છે.
પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં રહેલી અફઘાનિસ્તાનની નિરાશ્રિત પ્રજાને તાત્કાલિક દેશ છોડવા માટે કહ્યું છે, પરંતુ આ વાતને થોડો સમય થયો છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી છેલ્લી મુદતો વારંવાર પૂરી થઈ ગઈ છે. છતાં હજુ લાખો અફઘાનીઓ પાકિસ્તાનમાં ધામા નાખીને પડયા છે. પાકિસ્તાની સરકારે જાહેર કર્યા પ્રમાણે આ નિરાશ્રિતો અફઘાનિસ્તાન વતન પરત જતી વખતે પોતાની સાથે રૂપિયા ૫૦,૦૦૦ થી વધુ રકમ લઈ જઈ શકે નહીં. વધારાની બધી સંપદા પાક સરકાર પાછી આંચકી શકે છે. તાલિબાનોએ આ સંયોગો સામે કોઈ વિરોધ કર્યો નથી. પાકિસ્તાનમાં અફઘાન પ્રજા બહુ પ્રચ્છન્ન રીતે ફેલાયેલી છે. એમની કેટલીક બાઝાર પણ અસ્તિત્વમાં છે. કરાચીમાં તો પરા વિસ્તારોમાં અફઘાનીઓ વેપારી સમુદાય બનીને જામી ગયેલા છે.
પાકિસ્તાન સરકારે અફઘાનીઓને હાંકી મૂકવાનો નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે હજુ આટલી જ સંખ્યામાં વધુ અફઘાનીઓ પાકિસ્તાનમાં આવવા ચાહે છે. બન્ને દેશો અને એની નીતિઓની વાત ઘડીક બાજુ પર મૂકીને જુઓ તો મનુષ્ય તરીકે આ કેવી કઠણાઈ છે કે પોતે જ્યાં જવા પગ ઉપાડે છે ત્યાંથી તો પોતાનો હમવતની અશ્રુભીની આંખે પાછો ફરી રહ્યો છે. આ કંઈ એકલા પાક-અફઘાનની વાત નથી. અનેક રાષ્ટ્રદ્વય વચ્ચેની હદ પર આ જ મનોદશામાં ભટકતા લાખો લોકો છે. કોઈ પણ સરહદે સંઘર્ષ પૂરો થાય પછી એક સાથે લાખો લોકોની જિંદગીમાં ભયાનક સંઘર્ષ શરૂ થતો હોય છે.