FOLLOW US

અમેરિકાના ઇશારે પાકિસ્તાનને ગળી જશે તાલિબાન

Updated: Feb 21st, 2023


- અલ્પવિરામ

- અફઘાનિસ્તાનમાં ભારતનું ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે જેના પર હવે પાણી ફરી વળ્યું કહેવાય. શાસકોનાં દૂરંદેશીતા વિનાનાં રોકાણો પ્રજાના અઢળક ધનનો નિરર્થક વ્યય કરે છે

'અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારનું પતન થયું એને હવે એક જમાનો વીતી ગયો કહેવાય. સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો પોતાનો ઝંડો લહેરાઈ રહ્યો છે. પૂર્વ વડા મિસ્ટર ગની નાસીને કઝાકિસ્તાનમાં છુપાઈ ગયેલા છે. હવે તાલિબાનો અફઘાન પ્રદેશમાં ઠરી ઠામ થયા છે. આતંકવાદીઓ બહુ જ સારા ભૂગોળવેત્તા હોય છે. તેઓનું ધ્યાન પ્રદેશો કબજે કરવામાં સખત હોય છે. અમેરિકાની દગાબાજીને કારણે અફઘાન પ્રજાનું ભવિષ્ય તાલિબાનના જોખમી હાથમાં આવી ગયું ત્યાર પછી અફઘાની સ્ત્રીઓની હાલત પોતપોતાના ઘરમાં છતાં જેલમાં હોય એવી થઈ ગઈ છે. ઈરાની સ્ત્રીના હાથમાં પથ્થર હોય તો એ હાથ પર કેસ થાય છે અને અફઘાની સ્ત્રીના હાથમાં પથ્થર હોય તો એ હાથ કાપી નાંખવામાં આવે છે. બે મુસ્લિમ દેશો વચ્ચેનો આ તફાવત છે. અમેરિકાએ ઓસામા બિન લાદેનને ખત્મ કર્યા પછી પણ અફઘાનિસ્તાન પર વેર વાળવાનું ચાલુ રાખ્યું છે. અફઘાન પ્રજા ઘણા લાંબા સમયથી અમેરિકી સૈન્યના વેન્ટિલેટર પર હતી.

એ વેન્ટિલેટર ખસેડી લેવાની પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચાલુ કરેલી પ્રક્રિયાને બાઈડને પણ ચાલુ રાખતા આખરે અફઘાનિસ્તાનમાંથી લોકશાહીનું પ્રાણપંખેરુ ઉડી ગયું. એથી દુનિયાના નકશામાં વધુ એક આખા આતંકવાદી દેશનો ઉમેરો થયો. ભારત અણુશસ્ત્ર સંપન્ન દેશ છે એટલે નિર્ભય તો છે, પરંતુ દૂરના ભવિષ્યમાં તાલિબાનો સાથે સંઘર્ષ તો રહેવાનો નક્કી છે. અફઘાનિસ્તાનમાં ભારતનું ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે જેના પર હવે પાણી ફરી વળ્યું કહેવાય. શાસકોના દૂરંદેશીતા વિનાનાં રોકાણો પ્રજાના અઢળક ધનનો નિરર્થક વ્યય કરે છે એમ ચાણક્યે કહ્યું છે. દુનિયામાં કટ્ટર તાનાશાહો અને આતંકવાદી રાષ્ટ્રોનો અભ્યુદય સમગ્ર માનવજાતને કસોટીની નવી એરણે ચડાવીને અણધાર્યા વિનાશને નોંતરશે એ નક્કી છે.

સમગ્ર પ્રકરણ જાણે કે માત્ર અફઘાનિસ્તાનના હિતમાં હોય એ રીતે અમેરિકાએ પાર પાડયું હતું, જે ખરેખર તો ઈસ્લામિક સ્ટેટ સામે લડવા માટે તાલિબાનોને પોતાની પડખે લેવાની અમેરિકાની એક ચાલબાજી જ છે. ઉપરાંત અગાઉના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ પોતાના સૈન્યને ચારેબાજુથી સ્વદેશ પાછું બોલાવી લેવા ચાહે છે. પણ એનો પૂરો અમલ થઈ શક્યો ન હતો. અમેરિકાને અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પોતાની શેતરંજી અને શતરંજ બન્ને સંકેલવાની ઉતાવળ છે. આ ઉતાવળને કારણે જ અફઘાન સરકાર અને તાલિબાનો વચ્ચે કતારના પાટનગર દોહામાં થયેલા શાન્તિ અને સત્તા ભાગીદારીના કરાર અસ્પષ્ટ, ઉતાવળા અને લાંબે ગાળે નિષ્ફળ નીવડનારા હતા જે હવે તો એક નિરર્થક ઇતિહાસનું ઝાંખુ પાનું માત્ર છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોના રાજ અને સામ્રાજ્યને ઉખાડીને ફેંકી દીધું એને આજે અઢાર-વીસ વરસ થવા આવ્યા પછી એ જ અમેરિકાએ તાલિબાનોની મહત્ શરતો સ્વીકારીને શાન્તિ કરાર કર્યા હતા. જે આમ તો અશરફ ગનીને છેતરવાની આબાદ ચાલબાજી હતી. એ પણ ત્યારે કે જ્યારે અમેરિકા અરધું અફઘાનિસ્તાન હારી ચૂક્યું હતું. અમેરિકાને આ અફઘાનિસ્તાને ઓસામા બિન લાદેનની હયાતીમાં અને એના પછી પણ ઘોર નુકસાન કર્યું છે. અમેરિકાની તમામ પ્રકારની વિદેશનીતિએ અહીં શીર્ષાસન કરવાનો વારો આવ્યો છે.

અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારની તકલીફો તરફ કોઈએ ધ્યાન આપ્યું ન હતું અને એટલે જ અફઘાન પ્રજા નિઃસહાય રીતે તાલિબાનોના ક્રૂર શાસનમાં આવી ગઈ છે. એની અસર ભારતને પણ થઈ રહી છે. યુદ્ધથી ધ્વસ્ત થયેલા એ દેશને બેઠો કરવામાં ભારતે અબજો રૂપિયાનું રોકાણ કરેલું છે. તાલિબાનોના સત્તારોહણથી અફઘાનિસ્તાનમાં ચાલતો આંતરિક લોહિયાળ જંગ તો અટકી ગયો છે. વળી, એક રીતે તો અફઘાનિસ્તાનના ભૌગોલિક ટુકડા પણ હવે નહીં થાય. પરંતુ આ તાલિબાનો હવે પાકિસ્તાનના ટુકડા કરવા ઉતાવળા થયા છે. અફઘાનિસ્તાનને અડતી પાક સરહદના કેટલાક પ્રદેશો પર તાલિબાનોએ કબજો જમાવી દીધો છે જે વાત પાકિસ્તાન સરકાર છુપાવે છે.

અગાઉ અરધા અફઘાન પ્રદેશ પર સંપૂર્ણ તાલિબાન શાસન ઓલરેડી હતું જ. એટલે સરકારમાં જોડાવાથી જ્યાં તેમની સત્તા હતી તે એક તો હવે આધિકારિક બની અને સમગ્ર દેશ સાથેના સંકલનમાં આવી. તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે ધાર્મિક મતભેદ ન હતો, બન્ને એમના દેશને ઈસ્લામિક રાષ્ટ્ર તરીકે જ જુએ છે, પરંતુ ઉદારતા અને રૂઢિચુસ્તતાની ટક્કર હતી જેમાં કટ્ટરવાદ જીત્યો અને આધુનિકતાનો ઘોર પરાજય થયો. અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ ઘણી સ્વતંત્રતા ભોગવતી હતી. જીન્સના પેન્ટ પહેરી યુવતીઓ કોલેજ જતી હતી. અફઘાન સરકારે મહિલાઓને આપેલા અધિકારો હવે તાલિબાનો આવતા પાછા ખેંચાઈ ગયા એને પણ એક જમાનો વીતી ગયો છે.

અફઘાન સરકાર હસ્તકના પ્રદેશમાં તો કોઈ કરાળ કાળ ઉતરી આવ્યો હોય એમ નાગરિકો ઉદાસ હતા. છાને પગલે નાસભાગ ચાલતી હતી. એ નાસભાગ દુનિયાએ મીડિયા અને સોશિયલ મીડિયામાં પરાકાાએ પહોંચેલી જોઇ લીધી છે. આજ સુધી તાલિબાનોએ અફઘાન સરકારને અમેરિકાની કઠપૂતળી કહી હતી. તાલિબાનો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ વચ્ચે પણ ગુપ્ત સમજુતી છે. અગાઉ અફઘાન સરકાર સામે લડવા માટે તાલિબાનોને પાકિસ્તાને જ શસ્ત્રો આપ્યા હતા. તાલિબાનો જો એક મ્યુઝિયમ બનાવે તો એમાં દુનિયાના અનેક દેશોનાં શસ્ત્રો જોવા મળે અને એની શરૂઆત પણ અમેરિકાથી જ થાય જે એણે રશિયા સામે લડવા માટે તાલિબાનોને આપ્યાં હતાં. તાલિબાનો સત્તામાં આવ્યા પછી હવે અફઘાનિસ્તાનની વિદેશનીતિ ઉટપટાંગ થઈ ગઈ છે.

પાકિસ્તાન આ તાલિબાનો મૂળભૂત રીતે આતંકવાદી હોવાથી એનું સમર્થક છે. પાકિસ્તાનનાં કેટલાક જાસૂસી ઉપકરણોનો ઉપયોગ કરીને જ તાલિબાનોએ જૂની અફઘાન સરકાર પર ધાક જમાવી હતી. હજુ પણ તાલિબાનો પાસે મોટા શસ્ત્રાગાર છે જે હવે અફઘાન સૈન્યનાં શસ્ત્રો સાથે ભળી ગયા છે. આંતરરાષ્ટ્રીય તખ્તા પર વાટાઘાટો અને સુલેહ સંધિમાં તાલિબાનો સાથેના અગાઉના તમામ કરારોએ અમેરિકાની આબરૂનું પણ લીલામ કર્યું હતું. અફઘાનના બોધપાઠને કારણે જ અમેરિકા યુક્રેન યુદ્ધમાં પરદા પાછળ છુપાઈને મદદ કરે છે, કારણ કે આજથી વરસો પહેલા, અંદાજે ઈ. સ. ૨૦૧૦માં તાલિબાનોના એક ટોચના ખૂંખાર નેતા અબ્દુલ ગની બરદારે શાન્તિની વાટાઘાટો માટે જ ઉત્પાત મચાવ્યો હતો, પણ ત્યારે અમેરિકા અને તત્કાલીન અફઘાન સરકારે એમાં કોઈ રસ ન લીધો અને પાકિસ્તાનની મદદથી એ અબ્દુલ ગનીને જેલમાં પૂરી દીધો. જે ઈ. સ. ૨૦૧૮માં પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયો.

દોહામાં યોજાયેલી બેઠકમાં એ અબ્દુલ ગની જ તાલિબાનો વતી વાત કરવામાં મોખરે હતો, કારણ કે સુલેહસંધિનું જે મોડેલ તૈયાર થયું તે આ અબ્દુલ ગનીની પ્રકાણ્ડ બુદ્ધિની જ નીપજ હતી. અમેરિકાએ દસેક વરસ મોડા પણ એ જ અબ્દુલ ગનીની વાત સ્વીકારવી પડી એ બતાવે છે કે અમેરિકી વિદેશ મંત્રાલય હવે પહેલા જેવું રહ્યું નથી અને તાલિબાનોની લગભગ તમામ શરતો સ્વીકારવાની નાલેશી પણ એ મંત્રાલયે પચાવી લીધી હતી. અમેરિકાને ખબર પડી કે તાલિબાનોનાં મૂળ બહુ ઊંડાં છે અને લાંબી લડાઈનો હવે કોઈ અર્થ નથી ત્યારે ઈ. સ. ૨૦૧૩નું વરસ ચાલતુ હતું. ત્યારથી દોહામાં અમેરિકાએ એક એવું વિશેષ કાર્યાલય જ ખોલ્યું હતું જ્યાં તાલિબાનોની અવરજવર રહેતી અને રાજકીય સમાધાન માટેની વાટાઘાટોની પૂર્વભૂમિકા તૈયાર થયા કરતી. એમાં પણ અમેરિકાએ તાલિબાનોના અનેક અપમાનોમાંથી પસાર થવું પડયું હતું. અમેરિકા અને તાલિબાન હવે ફરી મિત્રો બની રહ્યા છે. પહેલા મિત્ર પછી દુશ્મન અને હવે ફરી મિત્ર. આ પરિસ્થિતિ સમગ્ર ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયામાં નવાં જ સમીકરણો રચશે. અફઘાનિસ્તાનમાં રહેલાં ભારતીય હિતો પર એ રીતે હવે નવો પરોક્ષ અમેરિકન અંકુશ રહેશે. અગાઉ અફઘાન સરકાર પર પણ અમેરિકન અંકુશ હતો, પરંતુ હવે તો અમેરિકાએ નવી જ ગેઈમની શરૂઆત કરી છે. 

Gujarat
News
News
News
Magazines