mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વ્યસની શિક્ષકનો કુસંગ વિદ્યાર્થીની જિંદગી અને એના પરિવાર બન્નેને બરબાદ કરે છે

Updated: Jun 17th, 2024

વ્યસની શિક્ષકનો કુસંગ વિદ્યાર્થીની જિંદગી અને એના પરિવાર બન્નેને બરબાદ કરે છે 1 - image


- અલ્પવિરામ

- ગુજરાતના મુખ્યમંત્રીએ હમણાં સરકારી કચેરીઓમાં ઓફિસ ટાઈમ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ તમાકુ-પાનમસાલા ખાતા હોય તો એમને અટકાવવાની ટકોર કરી, પરંતુ રાજ્યની શાળાઓના શિક્ષકો તરફ તેમનું ધ્યાન જવાનું બાકી છે...

દેશના અરધા ઉપરાંતના વાલીઓમાં પોતાના સંતાનોને કોઈ પણ રીતે હીરો બનાવવાનું ભૂત સવાર થયું છે. દેશની ટેલિવિઝન ચેનલોમાં અને સોશિયલ મીડિયામાં એના પડઘા સંભળાય છે. સીદીભાઈને સીદકાં વ્હાલાં એમ કંઈ અમથું તો નહીં કહેવાયું હોય. સંતાનો કોને વ્હાલા ન હોય? અને ન વ્હાલાં હોય તો એ રાક્ષસકુળથીય એક પગથિયું નીચે કહેવાય. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે બાળકની ક્ષમતા કરતા એની પાસેથી વધુ કામ લેવામાં આવે. કેટલાક રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડનો નિયમ બાળકને છ વરસે પહેલા ધોરણમાં દાખલ કરવાનો છે. ગુજરાતી માધ્યમમાં આ નિયમ પાંચ વરસનો છે. ક્યારેક સરકાર ઉપાડો લે છે કે નર્સરી અને કે.જી.માં બાળકોને દાખલ ન કરો, પણ પછી સરકાર જ આંખ આડા કાન કરીને એ ધિકતો ધંધો ચાલવા દે છે.

હવે જન્મ લેતાં બાળકો બહુ જ પ્રવૃત્તિશીલ હોય છે. જ્યારે કે આજકાલના દંપતીને તો ટાઢા ટબૂકલા એટલે કે ઢેફાની જેમ પડયા રહે એવાં સાવ નિષ્ક્રિય સંતાનો જોઈએ છે. આવું પૂછો તો તેઓ છણકો કરી કહેશે કે અરે એવું કંઈ હોય? મને તો તોફાની બાળકો બહુ જ ગમે. પરંતુ આ દંપતીઓ તેમના બાળકો સાથે જે રીતે દિવસ વીતાવે છે એ જુઓ તો બાળકો પ્રત્યે દયા આવી જાય. એક દિવસમાં લગભગ સો વાર તેઓ તેમનાં બાળકોને આઘા હડસેલે છે, એક જ જગ્યાએ બેસી રહેવાની સૂચના આપે છે, શિક્ષકોની જેમ એકની એક વસ્તુ વારંવાર લખવાનું કહે છે વગેરે! 

આ દંપતીઓને શરમ પણ આવતી નથી કે તેમના ધન્ય ભાગ્યરૂપે જે શિશુ અવતર્યા છે એનું આટલી બધી વાર અપમાન ન કરાય. એક બાળક પાંચ વરસનું થાય ત્યાં સુધીમાં કેટલીવાર એના માતાપિતા દ્વારા અપમાનિત થતું હશે એનો કદી આપણે હિસાબ કર્યો છે? આ જગતમાં બાળક જેવી સન્માનનીય હયાતી બીજી કોઈ નથી. આપણને સહેલાઈથી એવા મૂર્ખ લોકોનાં દ્રષ્ટાન્તો જોવા મળશે કે જેઓ હલકા માણસોને મંચ પર જઈ હારતોરા કરતા હોય છે અને ઘરના બાળકોને ઠેબે ચડાવતા હોય છે.

જુની ગુજરાતી કહેવત છે કે ઘરના છોકરાવ ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. અહીં ઉપાધ્યાયનો અર્થ જૈન મંદિરમાં હોય છે તેવા પૂજારી છે. ધર્મમાં, જ્ઞાાતિમાં કે પોતાના વર્તુળમાં પ્રતિા મેળવવા માટે શ્રાવકો તૂટી પડતાં હોય છે. પરંતુ પોતાના બાળકની આંખમાં ચમક આવે એ માટે તેઓ સમય આપી શકતા નથી. બાળકને પડતા મૂકીને તમે જે કંઈ કરશો એમાં પાછા પડવાના છો એ નક્કી છે. બાળકોની તરસ કેટલી તીવ્ર હોય છે. 

જેના ઘરમાં બાળક છે એણે તો તો આ જગતમાં બીજું કંઈ કરવાનું રહેતું નથી, કારણ કે પોતાના ખોળે રમતું બાળક હોવું ઐ જ એક ઉપલબ્ધિ છે. જરૂર પૂરતી રોજીરોટી કમાઈને બાકીનો બધો જ સમય શિશુચરણે સતત સમર્પિત કરવો જોઈએ. સંસ્કૃતમાં સુભાષિત છે જેનો સાર એ છે કે હે ગૃહસ્થ, તું તારા પુત્ર માટે ગમે તેટલું ધન અને ગમે એટલી સંપત્તિ ભેગી કરે, પણ જો એ કુપુત્ર નીવડશે તો તારું કમાયેલું બધું જ પળવારમાં ઉડાડી દેશે અને તેં જો એને માટે કંઈ જ ભેગુ નહીં કર્યું હોય અને એ સુપુત્ર હશે તો ક્ષણવારમાં વિશાળ સામ્રાજ્યો ઊભાં કરી દેશે.

આ સુભાષિતનો એક અર્થ એ પણ છે કે પિતાએ પોતાના પુત્રના હાથને અપવિત્ર અને દુષ્ટ ધનથી બચાવવાના છે. ઉચ્ચ ચારિત્ર્ય અને પારદર્શક નીતિમત્તાથી મેળવેલું ધન જ પછીની પેઢીઓને સુખી કરી શકે છે, પરંતુ એ માટે માતાપિતાએ સંસ્કારનું વાવેતર, ઉછેર અને જતન કરવું પડે છે. મીઠી મીઠી વાતો કરવાથી બાળકમાં સંસ્કાર આવી જતાં નથી. ધર્મના મહાન ઉપદેશોથી પણ બાળકનું જીવન ઘડાતું નથી. હવે તો શિક્ષકો ઉપર પણ બહુ ભરોસો મૂકી શકાય એમ નથી, કારણ કે તેઓનામાંથી અનેક તો પણ પાન, માવા, મસાલામાં ફસાઈ ગયેલા હોય છે. વ્યસની મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ હોય છે. ભ્રષ્ટ હોય તો જ એ વ્યસન છોડી ન શકે. ગુજરાતના મુખ્યમંત્રીએ હમણાં સરકારી કચેરીઓમાં ઓફિસ ટાઈમ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ તમાકુ-પાનમસાલા ખાતા હોય તો એમને અટકાવવાની ટકોર કરી, પરંતુ રાજ્યની શાળાઓના શિક્ષકો તરફ તેમનું ધ્યાન ન ગયું...!

કોઈ શુભ કાર્યમાં વ્યસની વ્યક્તિની સલાહ નિષિદ્ધ માનવામાં આવી છે તો એવા વ્યસનીઓને પંડયના જણ્યા એટલે કે સંતાનો થોડા સોંપી દેવાય!? વ્યસની શિક્ષકનો કુસંગ વિદ્યાર્થીની જિંદગી અને વિદ્યાર્થીઓનો પરિવાર બન્ને બરબાદ કરે છે. વ્યસનીઓને શિક્ષણ વ્યવસ્થામાંથી હાંકી કાઢવાની તાત્કાલિક જરૂર છે. ક્લાસરૂમમાં મુખમાં માવો ચડાવીને ભણાવતા માસ્તરોને તો પકડીને રાજકમલ ચોકમાં ઊભા રાખી નિર્વસ્ત્ર કરી ચાબુકે ચાબુકે મારવાની જરૂર છે. એ વ્યસનીઓની એ હિંમત કે ક્લાસમાં માવો ચાવતા ચાવતા આવતીકાલના નાગરિકોને ભણાવે? વળી વચ્ચે વચ્ચે બારીમાંથી શાળાના મેદાન પર પાનની પિચકારી પણ મારે. ભલેને આવા શિક્ષકોની સંખ્યા કદાચ એક ટકો હોય પણ એને શોધીને હાંકી કાઢવાની તાતી જરૂર છે. ઘઉંમાં કાંકરા એક ટકો જ હોય છે તોય વીણવા પડે છે કે નહીં? 

કૃષ્ણભક્તો આજે પણ કૃષ્ણની બાળલીલામાં જ પોતાના મનને બાળક બનાવીને રમ્યા કરે છે. એમ રમતાં રમતાં જ એ લોકો પરમતત્ત્વને પામી જાય છે. ખરેખર જુઓ તો આપણા ઘરમાં સંતાનરૂપે અવતરતા બાળકો જ એક અર્થમાં તો રામ અને કૃષ્ણનું બાળ સ્વરૂપ છે. એનો અનાદર થાય નહીં. બાળકો પ્રત્યેના આપણા પ્રેમનું આત્મપરીક્ષણ કરવું હોય તો સહુ પોતાની જાતને જ પૂછે કે તેઓ દરરોજ તેમના બાળક કે બાળકોને કેટલો સમય આપે છે. જો મોબાઈલ ફોનને આપવામાં આવતા સમયની તુલનામાં તમે બાળકોને ઓછો સમય આપતા હો તો એનાં ભીષણ પરિણામો ભોગવવાની તૈયારી રાખજો. 

બાળકો તમને ક્યાં સ્વરૂપે વધુમાં વધુ સમય જુએ છે એનો વિચાર કરો. દરેક બાળકના મનમાં એના પપ્પા કે મમ્મી મોબાઈલ ફોનમાં ટિક ટિક કરતા હોય એવાં દ્રશ્યો લાખોની સંખ્યામાં સ્ટોર થયેલા હોય છે. બાળક ઉઠે ત્યારે જુએ તો મમ્મી તો કમસેકમ રસોડામાં કંઈક કામ કરતી હોય, પરંતુ પિતાશ્રી તો સવારના ઉઠીને મોબાઇલમાં મચી પડયા હોય. બધા નહીં તો પણ મોટા ભાગના પરિવારમાં અત્યારે આ દશા છે.

કેટલાં બાળકો પોતાના પિતાને સદગ્રંથોનું વાંચન કરતાં જુએ છે? કેટલાં બાળકો સવારે ઉઠે ત્યારે એના પિતા ભગવાનની સન્મુખ બેસીને પૂજા કરતા હોય છે? કેટલાં બાળકો ઊઠે ત્યારે એના માતા-પિતા યોગાસનો કે અન્ય આરોગ્યદાયક વ્યાયામ કરતા હોય છે? બાળકોની આંખોમાં માતા-પિતાનાં વર્ષોનાં જે અઢળક દ્રશ્યો ઠલવાય છે એ જ આખરે તો પરિવારના ભવિષ્યનું અને એ બાળકના આત્મચરિત્રનું ઘડતર કરે છે. જેમણે પોતાના બાળકો તરફ પૂરેપૂરું ધ્યાન આપ્યું હોય તેમને જ ઢળતી સંધ્યાએ સંતાનોના સોનેરી સાથ મળી રહે છે.

Gujarat