મેઘાલય અને ત્રિપુરા પર હવે મોદીની નજર

Updated: Jan 17th, 2023


- અલ્પવિરામ

- પૂર્વોત્તર રાજ્યોમાં કોઈ એમ પૂછે કે 'તમે ઈન્ડિયાથી આવો છો?' તો નવાઈ યા આઘાત પામવા જેવું નથી. અફીણનો છોડ વાવ્યો હોય ત્યાં એની ડાળી પર દ્રાક્ષ મળે તેવી આશા રાખી શકાય નહીં

પૂર્વોત્તર ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશો ભારતના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આઝાદી પહેલાં અંગ્રેજોએ દમનકારી નીતિ અપનાવી તો પ્રજાએ સૈનિકોને ભોંય ભેગા કરી દીધા, આઝાદી બાદ નહેરુ સરકારનો ઉદય થયો અને પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે સામ્યવાદી નેતાઓના લઘુપક્ષોએ એક થઈને કોંગ્રેસને હારનું ભૂંડું મુખ દેખાડયું હતું. હવે મોદી યુગમાં આગામી ચૂંટણી સામ્યવાદ વિરુદ્ધ સંઘની રહેવાની છે. પૂર્વોત્તર રાજ્યોમાં ત્રિપુરા અને મેઘાયલ સામ્યવાદીઓના ગઢ હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી મોરચાને પરાસ્ત કર્યા પછી ડાબેરીઓને ફરી વાર સત્તાની તક મળી નથી. હવે ચૂંટણીના એંધાણ આવતા ફરી સામ્યવાદીઓ એક્ટિવ થયા છે.

મેઘાલય અને ત્રિપુરામાં મિઝો, મૈતૈયી, ખાસી, ગારો, અંગામી વગેરે જૂથોએ પોતાના સંગઠનો રચ્યાં અને પક્ષો બનાવ્યા છે. જો કે આ લઘુ પક્ષ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે અને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપમાં જોડાય જાય છે. તેના સહારે જ ત્રિપુરા ભાજપે હસ્તગત કર્યું, નાગાલેન્ડ, મેઘાલયમાં બીજાં જૂથોનો ટેકો લઈને સરકાર બનાવી હતી. મોદી સરકારની જીત કેમ થઈ તેનું સરળ ગણિત છે. આઝાદી બાદ પૂર્વોત્તર ભારત પરત્વે સમાજ અને શાસને ઉપેક્ષા બતાવી તેનાં પરિણામો ત્યાંના રાજકારણ-અર્થકારણ-સમાજકારણ પર ગંભીર સ્વરૂપે આવ્યા. મોદી સરકારે વિકાસનું ઉજળું ચિત્ર દર્શાવીને મતદારોને રિઝવી લીધા. હમણાં વડાપ્રધાને પૂર્વોત્તરનો આસામથી નાગાલેન્ડ સુધીનો પ્રવાસ કર્યો ત્યારે પણ વિવિધ યોજનાની ભેટ આપીને ગયા. હવે ચૂંટણી દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારકો વિકાસરૂપી લોલીપૉપને મમળાવ્યા કરશે અને વિકાસના નામે પ્રચાર કરશે.

મોદી સરકારના આગમન બાદ પણ સેવન સિસ્ટર્સની હાલત સુધરી નથી. સાતેય રાજ્યોમાં, તેમની પોતાની બોલીમાં 'રાજ્ય બહારના' 'આઉટ સાઈડર'ને આશંકા અને ધિક્કારથી જોવામાં આવે છે. નાગાલેન્ડમાં કોઈ એમ પૂછે કે 'તમે ઈન્ડિયાથી આવો છો?' તો નવાઈ યા આઘાત લગાડવા જેવું નથી. અફીણનો છોડ વાવ્યો હોય ત્યાં તેની ડાળી પર દ્રાક્ષ મળે તેવી આશા રાખી શકાય નહીં. ચૂંટણીની પરંપરા જળવાઈ રહી છે પણ તેને સમાંતરે અલગાવવાદીઓની સરકારો પણ ચાલે છે. એકલું 'ઉલ્ફા' નહીં, લગભગ ૬૦ જેટલાં અલગ-અલગ સંગઠનો હિંસાખોરી અને ખંડણીમાં સામેલ છે. બાંગલાદેશ, બર્મા અને ચીનમાં તેમની આર્થિક અને શસ્ત્રોની છાવણીઓ રહે છે. આવી સ્થિતિમાં દર વર્ષે મોદી સરકાર જીતની પતાકા લહેરાવીને પ્રજાની પીડાને વિસરી જાય છે. જોકે આ વર્ષે ભાજપ જીત પ્રાપ્ત કરવા કઈ ટેકનિક અપનાવે એ પણ મહત્ત્વનું છે, કારણ કે ત્રિપુરામાં તો હજુ પણ હિંદુત્વની સોંગઠી રમી શકાય, પરંતુ મેઘાલયમાં તો ખ્રિસ્તી ધર્મ અને પાદરીઓનું જબરજસ્ત વર્ચસ્વ છે.

મેઘાલયની રાજભાષા ઈંગ્લિશ છે. મેઘાલય પહેલા આસામનો જ એક ભાગ હતું જેને ઈ.સ. ૧૯૭૨માં અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મેઘાલયની પ્રજા મેધાવી છે. તે તેલ જુએ, તેલની ધાર જુએ અને પછી મતદાન કરવાની કરસત કરે છે. અહીંની પ્રજાએ અનેકવાર હીન ચરિત્ર ધરાવતા નેતાઓની ડિપોઝિટો આંચકી લીધી છે. જોકે અત્યારે મેઘાલયમાં ભાજપની જ સરકાર છે પણ ચૂંટણીમાં ચિત્ર પલટી શકે છે. એટલે જ ભાજપે જીતવાની સંભાવના ધરાવતા એકલવીર અપક્ષોની એક 'ફ્યુચર માર્કેટ' તરીકે યાદી તૈયાર કરી છે.

કોંગ્રેસે મેઘાલયની પ્રજાને તેમની સંસ્કૃતિ યથાવત્ જાળવવાનું વચન આપ્યું છે. મેઘાલયનું પાટનગર શિલોંગ પર્યટકોમાં ભારતના સ્કોટલેન્ડ તરીકે જાણીતું છે. ભર ચોમાસે શિલોંગમાં થોડા દિવસ અને થોડી રાત્રિઓ રોકાવાની મઝા છે, કારણ કે આ પાટનગરની ચોતરફ વહેતાં ઝરણાઓનો કલકલ નિનાદ, વરસાદ રહી ગયા પછી પણ વાતાવરણમાં ગુંજતો રહે છે. મેઘાલયના જનજીવનની સૌથી રસપ્રદ બાબત એ છે કે અહીં ખાસી નામક જે જનજાતિ બહુસંખ્ય છે તે માતૃસત્તા ધરાવતા પરિવારો છે. ઘરના મોભીના આસન પર માતા બિરાજે છે. એમની આજ્ઞાાનું જ સહુએ પાલન કરવાનું. ભારતની  પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાનો અહીં પડછાયો પણ જોવા મળતો નથી. ઘરની સૌથી મોટી દીકરી હોય એના નામે જ જમીન, મકાન, મિલ્કત બધું ટ્રાન્સફર થાય છે.

ભાઈઓએ પણ માતા અને મોટી બહેનને રાજી રાખીને જ તેમની સંમતિ પ્રમાણે જ પોતાનું જીવન ગોઠવવાનું રહે છે. માતાનું નામ જ દરેક બાળક પોતાના નામની આગળ લગાવે છે અને એ જ એની મુખ્ય સામાજિક ઓળખ છે. કોના દીકરી? કે કોનો દીકરો? એના જવાબમાં માત્ર માતાનું જ નામ આપવામાં આવે છે. આ સમાજને સ્ત્રીઓના કલ્યાણની કોઈ યોજનાઓની પડી નથી અને પુરુષોના કલ્યાણની યોજના જાહેર કરવાની કોઈ રાજકીય પક્ષની ક્ષમતા નથી, કારણ કે પરિવારોની 'માલકિન' કહે તેમ જ પરિજનો મત આપવાના છે. આવા વિશિષ્ટ વહેણમાં ભાજપ પોતાનું વહાણ કઈ રીતે હાંકે છે તે જોવાનું રહે છે.

મેઘાલયમાં યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી પણ છે જેણે ગઈ વિધાનસભા ચૂંટણીમાં સાત-આઠ બેઠકો જીતી હતી. એના નેતા શિબુન લિંગદોહ છે. અત્યારે તો ભાજપ પાસે લઘુ પક્ષોની તાકાત છે, પરંતુ ઈ.સ. ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર ૧૩ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને એ તમામે પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. એના એક વરસ પછીની લોકસભા ચૂંટણીમાં પણ બન્ને બેઠકો પર ભાજપે પરાજય મેળવ્યો હતો.

મેઘાલયમાં ચર્ચનો ઘણો પ્રભાવ છે અને એ જ કારણ છે કે ભાજપની ધર્મવાર્તાના તમામ પાસાં અહીં અવળાં પડે છે, કારણ કે ચર્ચની છાયામાં ભાજપ વિરોધીઓ એક થઈ જાય છે. છતાં રાજકારણમાં ચર્ચ સક્રિય હોય એવું દેખાતું તો નથી પણ એમ છતાં ચર્ચના પ્રભાવથી મતદારોનું માનસ મુક્ત નથી. ભાજપને મેઘાલયમાં જે મળે તે નફો છે. ત્રિપુરા અને મેઘાલયમાં યોજાનાર ચૂંટણી, અંતે તો લોકોની પીડા અને મહત્ત્વાકાંક્ષાને ઓછાવત્તા અંશે વ્યક્ત કરશે. ૨૧મી સદીમાં ચૂંટણી જ લોકતંત્રમાં સર્વેસર્વા છે એવી દંતકથાને પાછળ રાખીને પ્રજાએ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે અને જે પક્ષ ખરેખર તેમની ભૂમિનો વિકાસ કરશે તેને મતદાન આપીને લોકશાહીને જીતાડવી પડશે પરંતુ આ બધું વાંચવું ગમે, ભારતમાં તેનો અમલ કોણ કરે છે!

વિજય અને સમૃદ્ધિ મેળવવાં અઘરાં છે તેના કરતાં પણ પચાવવાં વધારે મુશ્કેલ છે. ગત ચૂંટણીમાં જ્યારે ત્રિપુરામાં ભાજપની પ્રચંડ જીત થઈ ત્યારે એબીવીપીના કાર્યકરોએ કરેલા હિંસક દેખાવથી મોદીની ઇમેજ ખરડાઈ હતી. વિજયથી છકી ગયેલા ભાજપી આગેવાનોએ પોતાના રાજવટની શરૂઆત મવાલીગીરીથી કરી હતી. તેમણે વિશ્વખ્યાત રૂસી ક્રાંતિના જનક અને આગેવાન લેનિનના બે પૂતળાં તોડી નાંખ્યા હતા અને ડાબેરી વિચારસરણીનું મથક ગણાતી કોલેજમાં ભાંગફોડ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ પ્રકારની મવાલીગીરી તાબડતોબ અટકાવવાનો આદેશ આપ્યો હતો, પણ તેનાથી ભાજપની છબી સાફ થઈ શકી ન હતી.

આવી ટોળાશાહી માત્ર ત્રિપુરાથી અટકી નથી તામિળનાડુમાં દલિતોના ઉત્થાન માટે આજીવન લડત આપનાર રામસ્વામી પેરિયારના પૂતળાને તોડવામાં આવ્યું હતું. પેરિયારે હિંદુ ધર્મનાં દેવદેવીઓની ઘણી વિડંબના કરી હતી તે ખરું છે, પણ તામિળનાડુના દલિતોના આરાધ્યદેવ બની ગયેલા પેરિયારના આધારે તામિળનાડુના રાજકારણમાં છવાઇ ગયેલા તમામ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો છતાં ભાજપનાં યોજનાલક્ષી ચિત્રોએ આ સમગ્ર ઘટના ક્રમને દબાવી દીધો. હવે કોંગ્રેસ તેને પુન: યાદ કરીને ચૂંટણીમાં વિરોધની રાજનીતિ કરી શકે છે. 

    Sports

    RECENT NEWS