For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આયાતી નેતાઓને કારણે કાર્યકરોની કેડર ખતમ થશે

Updated: Nov 15th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- કાર્યકરો જોઈ રહ્યા છે કે ક્રમિક વિકાસથી આગળ આવેલાઓને નહીં, પરંતુ પક્ષમાં પેરેશુટથી રાતોરાત ઉતરાણ કરતા નેતાઓને જ ટિકિટ મળે છે

ભાજપમાં આયાતી પરિબળોને કારણે કાર્યકરોની કેડર ધ્વસ્ત થવા લાગી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં આ વખતે હાઈકમાન્ડને જે જે ગુજરાતના નેતાઓએ બ્રિફ કર્યા એમાં હકીકત આડે અનેક રેશમી પરદાઓ રાખવામાં આવ્યા. એનું પરિણામ આજે સપાટી પર દેખાય છે અને ડેમેજ કન્ટ્રોલ માટે દિલ્હીના ગાદીપતિઓએ દિલ્હીથી ગુજરાતના દિલ્હી દરવાજા સુધી દોડવું પડે છે. ઘણા લાંબા સમયથી કાર્યકરોમાં એક બેડ મેસેજ જાય છે કે ટિકિટ તો ક્રમિક વિકાસથી આગળ આવેલાઓને નહીં, પરંતુ પક્ષમાં પેરેશુટથી રાતોરાત ઉતરાણ કરતા નેતાઓને જ મળે છે.

તો શું ભાજપમાં ટિકિટ મેળવવા માટે પહેલા કોંગ્રેસના વિફળ અખાડે જઈને પોતાની તાકાત પુરવાર કરવી જરૂરી છે? ગુજરાતની અનેક બેઠકો પર વિરોધનો સૂર ભભૂકી રહ્યો છે એ ક્યાંક પ્રગટ છે તો ક્યાંક ગુપ્ત છે. ગુપ્ત વધુ જોખમી છે, કારણ કે એ પછીથી મતપેટીઓમાં પ્રગટ થાય છે. તૈયાર માલ ખરીદવાની અને યેનકેન પ્રકારેણ વિજય મેળવવાની પોલિસી પર ભાજપે નવેસરથી આત્મવિચાર કરવાની ઘડી આવી ગઈ છે. શાસન વ્યવસ્થા કોઇ સામાન્ય વાત નથી. પ્રાચીનકાળથી દુનિયામાં અનેક સામ્રાજ્યોમાં અનેક પ્રકારની શાસન પ્રણાલિકાઓ માણસજાતે જોઈ છે અને ઈતિહાસમાં એ બધા પ્રયોગો અને અખતરાઓ વિસ્તારપૂર્વક  આલેખાયેલા છે. જે જે શાસકોએ પ્રજા પર પોતાનું અધિકાધિક પ્રભુત્વ સ્થાપવાના મોહમાં વધુમાં વધુ અંકુશ રાખ્યા છે તે તમામ શાસકો તત્કાલીન પ્રજા માટે અને ઇતિહાસકારોની દ્રષ્ટિએ બહુ જ તિરસ્કૃત નીવડયા છે.

કેટલાક જ શાસકો એવા હોય છે જે પ્રજાની સ્વતંત્ર સુખાકારીને ચાહતા હોય છે. એ સિવાય માત્ર પોતાની રાજસ્વિતાનું સુલતાની પ્રદર્શન કરનારા શાસકો સદાય વિવિધ રીતે પ્રજાને યાતના આપનારા સાબિત થયા છે. સૌથી નવાઇની વાત એ છે કે તેઓ જ્યારે પ્રજાને ઘોર પીડા આપે છે ત્યારે પણ તેઓ એવું જ સાબિત કરવાના પ્રયત્નમાં રહે છે કે અમે પ્રજાનું કલ્યાણ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, પોતાના ત્રાસને પ્રજાકલ્યાણમાં ખપાવવા માટે તેઓ અસત્યગામી પ્રચારનો એક આખો સિલસિલો ચાલુ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં એક નવી લોબી પરદા પાછળ તૈયાર થઈ રહી છે, જે સૈદ્ધાંતિક રીતે એનડીએ સરકારના પ્રજાપીડનના નિર્ણયોનો ઉગ્ર વિરોધ કરે છે. સુબ્રમણ્યમ સ્વામીએ એમના પુસ્તકમાં ભલે કહ્યું કે મોદી અને શાહની આસપાસ સોનેરી-રૂપેરી ચમચા-ચમચીઓની ટોળકી ગોઠવાયેલી છે, પરંતુ મોદી-શાહની જાણ બહાર એક અલગ યુનિયન પણ આકાર લઈ રહ્યું છે, જે કેન્દ્ર સરકારના વારંવારના કામચલાઉ, ઉભડક અને સાંધાટાંકા જેવા અલ્પબુદ્ધિયુક્ત નિર્ણયોની સતત ટીકા કરે છે.

વારંવારના ખોટા અને ઉતાવળા નિર્ણયથી કોઈ પણ પક્ષનું નેતૃત્વ નબળું પડી જાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ અનેક મહત્ત્વની રાષ્ટ્રીય બાબતોમાં પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખે છે. સંઘ વડા મોહન ભાગવત સંઘને વફાદાર છે કે ભાજપને? એ મોટી સમસ્યા છે. ભાજપ પાસે સંઘની દશા બાપ મટીને દીકરો થવા જેવી થઈ ગઈ છે. અથવા તો એમ કહેવાય કે સંઘનું વાઘછાપ અસ્તિત્વ જળવાયું છે, પણ એના વાઘનખ મોદીએ કોઈ દીન અને દયાળુ મ્યુઝિયમમાં મોકલી આપ્યા છે.

ટ્રાફિક સંબંધિત નવા તઘલખી અધિનિયમોનો વિરોધ રાષ્ટ્રવ્યાપી છે. કેન્દ્ર સરકાર એમ માને છે કે જે રીતે લોકોએ નોટબંધી સહન કરી લીધી, પ્રજાએ જીએસટીનો ત્રાસ સહન કર્યો, સરકારે અનેક બાબતોમાં ચલાવેલી અઠંગ ગપ્પાબાજી પણ સાંભળી લીધી, તેમ ગડકરીના ટ્રાફિક સંબંધિત તરંગો પણ પ્રજા સહન કરી લેશે. પરંતુ એ શક્યતા દેખાતી નથી, કારણ કે વ્યાવહારિક રીતે નવા નિયમોનો અમલ શક્ય જ નથી. કેન્દ્રની એનડીએ સરકારની દાનત હવે લોકો સમજવા લાગ્યા છે કે આ સરકારને વારંવાર આખા દેશને ઠેબે ચડાવવાની ટેવ છે.

કોઈ ને કોઈ બહાને જનજીવન ડહોળવાનો સત્તાધારીઓને શોખ હોય એમ દેખાય છે. ઘરેથી ન્હાઈધોઈને તૈયાર થઈ હરિનામ લઈ, પૂજાપાઠ કરી ઓફિસે જવા નીકળેલા એક્ઝિક્યુટિવને ચાર રસ્તે જે તુમાખીથી ટ્રાફિક પોલીસ અટકાવે છે એના કડવા ઘૂંટડા પી રહેલી પ્રજાએ સરકાર પ્રત્યેનો આદર ગુમાવી દીધો છે, કારણ કે દંડના ચાલન ઘરે આવે છે અને ઉપાધિ વધે છે.

વિકાસ પાગલ થયો છે એ તો લોકોનો જુનો અનુભવ છે, પરંતુ એ પાગલ વિકાસ હવે રસ્તા પર આવી ગયો છે. હવે સોશિયલ મિડીયામાં ભાજપ માટે નવું સૂત્ર ગુંજતુ થયું છે કે હવે તો સુધરો યાર...! દેશના દરેક રાજ્યમાં મિડીયા સામે ભાજપના જ નેતાઓ દંડ અને મેમાનો વિરોધ કરી રહ્યા છે. એમણે એમ કર્યા વિના છૂટકો નથી, કારણ કે જો તેઓ ભાજપ છાપ દંડલૂંટના નિયમોનો વિરોધ ન કરે તો એ નેતાઓનું રાજકીય અસ્તિત્વ જ જોખમમાં આવી જાય અને તેઓ લોકો વચ્ચે જઈ જ ન શકે. એટલે ભાજપના વિરોધની નવી આગમાં પોતાનુંય દહન ન થઈ જાય એટલે સંખ્યાબંધ પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના નેતાઓએ દંડપ્રથાનો વિરોધ કર્યો છે.

'બોર્ડર' જેવી વોર-ફિલ્મને કારણે 'કવર' કરવાના નુસખાથી પ્રજા પરિચિત છે. જ્યારે દુશ્મનની હરોળ વિંધીને એમાં ઘુસવા માટે કોઈ સૈનિક આગેકૂચ કરતો હોય ત્યારે દુશ્મનનું ધ્યાન આડે પાટે ફંટાવવા માટે બીજી દિશામાં સખત ગોળીબાર કરવામાં આવે. આ ક્રિયાને 'કવર કરવું' એમ કહેવાય. સર્જીકલ સ્ટ્રાઈકને ચૂંટણીપ્રચારમાં પણ વાપરનારી સરકાર હવે કવર કરવામાં માસ્ટર બની ગઈ છે. પ્રજાનું ધ્યાન અન્યત્ર કેમ ફંટાવવું એ કળા દિલ્હી સરકારને હસ્તગત થઈ ગઈ છે. દેશમાં મંદી છે, ઘણી ફેક્ટરીઓ બંધ થાય છે, કોર્પોરેટ સેકટરમાંથી કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવે છે એવા સમયે ટ્રાફિકભંગ કરનારાઓ ઉપર આસમાની દંડ લાગુ પાડવામાં આવ્યો. ટ્રાફિક અને તેના નિયમનો ભંગ કરનાર ઉપર લાગેલા દંડનું પત્રક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે.

ચૂંટણી વિધાનસભાની હોય કે સંસદની, પણ આ પ્રસંગો રાજકીય પક્ષો માટે દિશા નક્કી કરવાના અવસરો હોય છે. ભૂલો વધારવાનો કે સુધારવાનો એને અવકાશ મળે છે. કોંગ્રેસે એના સુવર્ણયુગમાં એટલો ઘમંડ રાખ્યો કે કાર્યકરોના શબ્દો એના કાને પહોંચતા જ ન હતા. કાર્યકર દરેક રાજકીય પક્ષનું પ્રાણતત્ત્વ છે. એની અવગણનાથી પક્ષ પતનને રસ્તે પ્રયાણ કરે છે. જૂની સફળતાઓ જો અભિમાન આપે તો જાતકે નવી નિષ્ફળતા માટે તૈયાર રહેવું જોઈએ એમ અગ્નિપુરાણ કહે છે. ભાજપે કાર્યકરોના અંતઃકરણમાં ડૂબકી મારીને જોઈ લેવું જોઈએ કે ઉમેદવારોની પસંદગીના અધ્યાયમાં સત્ય શું છે?

Gujarat