For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટ્રમ્પે પુન: પ્રેસિડન્ટ બનવાની કસરત આદરી દીધી છે

Updated: Feb 14th, 2023


- અલ્પવિરામ

- દક્ષિણપંથ ભાવનાઓનો જુગાર છે. રાષ્ટ્રવાદ જે હકીકતમાં ફેક હોય છે એ એમાંથી જ જન્મે છે. દુનિયામાં ફેક રાષ્ટ્રવાદ ફેલાવવામાં ટ્રમ્પ ટોપટેનમાં બીજા સ્થાને હતા

પરાજય વખતે લોકો એમ માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પને આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે, પણ હવે તેઓ બહાર આવી ગયા છે અને ભવિષ્યમાં ફરી અમેરિકન પ્રેસિડેન્ટ બની શકાય એ માટે એમણે બૌદ્ધિક અખાડો ચાલુ કરી દીધો છે. દુનિયામાં જે લોકશાહી પ્રણાલિકાનો લાભ લઈ રાજનેતાઓ સત્તા પર આવે છે એને શપથગ્રહણના બીજા દિવસથી જ અમરપદનો વિચાર આવે છે. તેઓ સત્તાભૂખ્યા વરુ બની જાય છે અને પગથિયાં ઉતરવા ગમતાં નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીઓની સંખ્યા અમેરિકામાં ચૂંટણી અગાઉ જ બહુમતને પાર કરી ગઈ હતી. તેઓના તમામ નિર્ણયોની રાજનૈતિક આધારશીલા તેમના સાથી રાષ્ટ્રો સમજી કે સ્વીકારી શકયા ન હતા. અમેરિકાની પ્રજા જેને રાષ્ટ્રપ્રમુખ તરીકે પસંદ કરે છે તેમનામાં એક અજાયબ વૈશ્વિક સંતુલન અને મહાન શાસન પ્રવર્તકની ક્ષમતાઓ હોવી જોઈએ. અમેરિકી રાષ્ટ્રપ્રમુખનું જીવન બપોરે બહાર પડતા ટેબ્લોઈડના ઉત્તેજક શીર્ષકો માટે હોતું નથી. તેમનામાં વિશ્વભરનાં દેશોએ બંધારણીય સુધારાઓ પણ કરવા પડે એવા ઉચ્ચ માનવીય અસ્તિત્ત્વના જતનની કુશાગ્રતા હોવી જોઈએ. આ બધી આશાઓમાં ખુદ બાઈડન પણ ઊણા ઉતર્યા છે. યુક્રેન યુદ્ધમાં અમેરિકાનો ફ્લોપ શો જગ જાહેર છે.

બાઈડનના અગાઉના કાળમાં સત્તા પર આવીને ટ્રમ્પે દક્ષિણપંથી જે હવા ફેલાવી એણે ત્યાં એને પણ ઘણા અંધભક્તો ઉપલબ્ધ કરાવી આપ્યા હતા. દક્ષિણપંથ ભાવનાઓનો જુગાર છે. રાષ્ટ્રવાદ જે હકીકતમાં ફેક હોય છે એ એમાંથી જ જન્મે છે. દુનિયામાં ફેક રાષ્ટ્રવાદ ફેલાવવામાં ટ્રમ્પ ટોપ-ટેનમાં બીજા સ્થાને હતા. અમેરિકામાં પ્રજાનું બુદ્ધિધન વેડફાઈ ગયું ન હોવાથી ધર્મના નામે કે કોઈ ચર્ચ સંબંધિત લાગણીઓ ભડકાવવાનું શક્ય ન હતુ એટલે એમણે વિખ્યાત એડ એજન્સીએ તૈયાર કરી આપેલું સૂત્ર 'અમેરિકા ફર્સ્ટ' જ અપનાવી લીધું હતું અને ચારેય વરસ એ ધજા જ ફરકાવ્યે રાખી હતી. મિસ્ટર ટ્રમ્પ સંપત્તિમાં રાજા અને સ્વયંની ગુણસમૃદ્ધિમાં રંક પુરવાર થયેલા એક બેવકૂફ રાજનેતા હતા. ચીનના વ્યાપારને શૃંગ ભરાવી ઉછાળી, પછાડવાની જે તાકાત ભારતમાં છે તે અમેરિકન પ્રજામાં નથી, કારણ કે અમેરિકા પાસે પોતાનો સાવ સામાન્ય વર્ક ફોર્સ છે અને એ આખો દેશ વૈભવ-વિલાસમાં ડૂબકી ખાઈ રહ્યો છે. ટચૂકડું જાપાન પણ ચીનના ડ્રેગનના ટુકડા કરી શકે છે, કારણ કે એકેએક જાપાની નાગરિકના હાથપગ અને દિમાગ કામગરા છે. આવા સંજોગોમાં ટ્રમ્પે ચીન સામે વ્યાપાર યુદ્ધ છેડવાનું રણશિંગુ વગાડયું હતું જેનાથી અમેરિકન બિઝનેસ વર્લ્ડ કંપી ઉઠયું હતું. એક તરફ તેઓ સિરિયામાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવવાનું કહે અને બીજી તરફ ચીનને ભીંસમાં લેવાના વ્યૂહ વિચારે.

ચીન અને અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના પારસ્પરિક વ્યાપાર સંબંધોનો અંત આવે તે ભારત માટે લાભવંત મુહૂર્ત હતું, પરંતુ ભારતને લાભ ન મળે એની સાવધાની ટ્રમ્પના વહીવટીતંત્રે છેક સુધી રાખી હતી. હજુ બાઈડન પણ એ સંભાળ રાખે છે, કારણ કે ભારત ઊંચે ન આવે એ બ્રિટન-અમેરિકાનો સંયુક્ત આદિ એજન્ડા છે, પરંતુ ભારતની નીતિ બીજા દેશોના અહિત કરીને પોતાનો રોટલો ઘડવાની નથી. ચીન અને અમેરિકાના સંબંધો વણસે એની સૌથી વધુ પ્રતીક્ષા વાસ્તવમાં તો ખંધા બ્રિટિશરો કરી રહ્યા હતા એ ટ્રમ્પ સમજી શક્યા ન હતા.

બ્રિટનને એમાં અઢળક લાભ દેખાય છે, કારણ કે જો ચીન સાથે સંબંધો કથળે તો અમેરિકા પ્રથમ તો બ્રિટન તરફ નજર નાખે અને પછી જ વધ્યા-ઘટયા ડોલર એ ભારત તરફ ફેંકે. એક તો અમેરિકી પ્રજાનું (એમાં અહીંથી ગયેલા ભારતીયો પણ આવી જાય છે) અભિમાન જ ઊંચા સ્તરે હતું. એટલે આ જહાજની ભેખડે ભરાવાની સંભાવના વધી ગઈ હતી. ટ્રમ્પે પોતાના સત્તાકાળમાં અમેરિકાની રાજકીય નીતિ અને પ્રતિષ્ઠાને વધુમાં વધુ ગોથાં ખવરાવ્યા હતા. એના રિપેરિંગમાંથી બાઈડન હજુ ઊંચા આવ્યા નથી.

બન્ને ખૂંખાર દેશોના સંઘર્ષથી ભારત નારાજ છે એવું બતાવવા માટે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠને એ જમાનામાં વિધિવત્ એમ નિવેદન તો કરી જ દીધું હતું છે કે એ લડાઈથી ભારતને નુકસાન થઈ શકે છે. વિખ્યાત ચીની કંપની અલીબાબાથી અમેરિકા ગભરાઈ રહ્યું છે. અમેરિકાએ આ કંપનીને બ્લેકલિસ્ટ કરીને જાહેર કર્યું છે કે કંપનીના માલિક જૈક મા નકલી સામાન વેચે છે. જ્યારે કે ખરેખર એવું નથી. તો અમેરિકાને અલીબાબાથી કષ્ટ કયાં પડયું? આ અલીબાબા કંપનીની જ એક નાણાંકીય સબસિડરી કંપની છે, એન્ટ ફાઈનાન્સિયલ. અમેરિકાની એક ગ્લોબલ કંપની છે, મનીગ્રામ. મનીગ્રામ મુખ્યત્ત્વે નાણાં ટ્રાન્સ્ફરમાં એક વિશ્વસનીય નામ છે. ચીની કંપની એન્ટ ફાઈનાન્સિયલે હમણાં જ અમેરિકન મનીગ્રામ કંપનીને આખેઆખી ગળી જવા માટે વિચાર કર્યો છે. એ માટે અન્ય ચીની કંપનીઓ પણ તત્પર છે. અમેરિકન વ્યાપાર જગતમાં અનેક સ્વતંત્રતાઓ છે, ત્યાં ભારત સરકાર જેવો સીધો હસ્તક્ષેપ નથી. જોકે અલીબાબાએ ભારતમાં ઊંડાં મૂળ નાંખેલાં છે અને એને એનડીએ સરકાર રોકી શકી નથી.

અલીબાબાનો માલિક ચીની બિઝનેસમેન જૈક મા એક અર્થશાસ્ત્રી કક્ષાનું દિમાગ ધરાવે છે અને એના અભિપ્રાયને વૈશ્વિક અર્થકારણ સન્માનથી જુએ છે. હમણાં એક સેમિનારમાં આ જૈકે કહ્યું કે ચીન હવે સતત વિકાસ કરી શકે એમ નથી એટલે ગુણવત્તાની વાતો શરૂ કરશે, કારણ કે આવનારાં વરસો, ચીનના આજ સુધીના સૌથી ઓછા વિકાસદરનાં વરસો છે. આ જૈક મા જેવા અનેક આર્થિક ચિત્તાઓ ચીને પાળી રાખ્યા છે, જે એના અર્થતંત્રને બહારની દુનિયાના બિઝનેસમાંથી જોઈતા માઈલેજ મેળવી આપે છે અને એ જ કારણે ચીની લાલ ઝંડાઓ આ ચિત્તાઓ કહે તેમ કરતા આવ્યા છે. ચીન ખતરનાક સામ્યવાદનો શિકાર બનેલો દેશ છે, પરંતુ ટોપ કલાસ બિઝનેસમેનો માટે ત્યાં લોકશાહી દેશોથી પણ અધિક સ્વતંત્રતાઓ છે. એમના પર અદાલતી કાર્યવાહી કરતા પહેલાં અન્ય કોઈ પણ ચીની કંપનીઓએ જિનપિંગ સરકારની મંજુરી લેવી પડે છે. અમેરિકાનો ગભરાટ બીજા કેટલાક કારણોને પણ આધીન છે. આજકાલ અમેરિકા જૂની મંદીમાં થઈ બહાર આવી રહ્યું છે અને બજારોમાં વાસંતિક વાયરો છે, પરંતુ એનો વધુમાં વધુ લાભ લેવા માટેની યોગ્યતા અને તત્પરતા ચીનમાં જોવા મળે છે. બિડેનને સુધારાવાદી બજારનો લાભ મળશે અને જો એ વધુ ધ્યાન આપશે તો અમેરિકા પુન: ચીનને પાછળ રાખી દેશે.

વિઝા પોલિસીમાં ભારતીયોની બાહ્ય ટીકા અને નકારાત્મક અભિગમ છતાં અમેરિકા વધુમાં વધુ વિઝા ભારતીયોને જ આપીને ગુપ્ત રીતે પોતાના દેશનો વર્કફોર્સ વધારવા ચાહે છે. ભૌતિક વિલાસમાં ગળાડૂબ અમેરિકનો પોતે એકલા કંઈ કરી શકે એમ નથી. અધિક શ્રીમંતાઈથી આવતી પંગુતાએ આખા અમેરિકાને ભરડો લીધેલો છે, તેમાં વળી જો ડ્રેગન ફુલલેન્થ પ્રવેશી જાય તો અમેરિકા ફર્સ્ટને લાસ્ટ થતા બહુ વાર લાગે એમ નથી. ચીન અને અમેરિકા બન્ને ભારતને એક સ્ટેન્ડબાય કન્ટ્રી તરીકે જોઈ રહ્યા છે. બિડેન હવે ભારતને કઈ દ્રષ્ટિએ જુએ છે તે સમય જ બતાવશે. ચીનના કોમર્સ મિનિસ્ટર ઝોન્ગ શાનના દિલ્હીમાં આંટાફેરા વધી જવાનું કારણ પણ અમેરિકા સાથે સતત પતન પામતા જતા સંબંધો છે. ચીનને તાત્કાલિક ભારતમાં અનેક વિશાળ ઔદ્યોગિક પાર્ક માટે જમીન જોઈએ છે. ભારતે ચીનની આ દરખાસ્તને તેલ જુઓ તેલની ધાર જુઓ પ્રમાણે અભરાઈ પર મૂકી દીધી છે. કારણ કે ચીન-અમેરિકા સંઘર્ષમાં ભારતનો ઝુકાવ અમેરિકા તરફ જ રહેવાનો નક્કી છે. બિડેનના આવ્યા પછી એમાં પરિવર્તન થશે એમ લાગતું હતું, પણ હવે બાકી રહેલા થોડા સમયમાં કેવું થશે એ તો અત્યારે તો અનિશ્ચિત છે.

Gujarat