For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અડવાણી : હર ફિક્ર કો ધૂંએ મેં ઉડાતા ચલા ગયા

Updated: Feb 6th, 2024

Article Content Image

- 'બહુ નાની અને ક્ષુલ્લક બાબતોમાં ધ્યાન ન આપો. લોકો એમાં જ પડયા રહીને મહાન જીવન ધ્યેયો વીસરી જતાં હોય છે. ક્ષુલ્લક હૈ ઉસ પર મત સોચો, છોડ દો ઉસે.' 

- અલ્પવિરામ

- પીએમ મોદીએ અડવાણીને ભારત રત્ન આપવાની જાણ કરી ત્યારે ભાજપના સમર્થકો ખુશ થઈ ગયા છે. એનું બીજું કારણ એ છે કે આજે પણ ભાજપમાં મોદી-શાહ સાથે વ્યક્તિગત કામ કરનારા લોકો કરતાં અડવાણી સાથે કામ કરી ચૂકેલા કાર્યકરો-નેતાઓની સંખ્યા મોટી તો છે, પણ અનેકગણી મોટી છે

- લાલકૃષ્ણ અડવાણી

પ્રતિભા અડવાણી એનું નામ છે. તેઓ લાલકૃષ્ણ અડવાણીનાં દીકરી છે. અડવાણીને બાઈકિંગનો બહુ શોખ છે. જિંદગીની જુવાની એમણે મોટરસાયકલ પર પસાર કરી છે. પ્રતિભાના કહેવા પ્રમાણે એના પિતાએ એને હંમેશા કહ્યું છે કે આ બે પંક્તિઓ મારા આખા જીવનનું પ્રતિબિંબ છે - મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા... હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા. આજે સદી પૂરી કરવામાં તેઓને બે-ચાર વરસની જ વાર છે. ભાજપના રાષ્ટ્રીય પક્ષ પ્રમુખોની તવારીખમાં સૌથી લાંબો સમય પ્રમુખ રહેવાનો તેમનો વિક્રમ છે.

પ્રતિભાએ કહ્યું કે એક વખત મેં મારા પિતાને પૂછયું કે તમે સરેરાશ ઘણુ જ સારું આરોગ્ય ધરાવો છો અને લાંબી જિંદગી માણો છો તો એનું રહસ્ય શું છે? એના જવાબમાં અડવાણીએ કહ્યું કે બહુ નાની અને ક્ષુલ્લક બાબતોમાં ધ્યાન ન આપો. લોકો એમાં જ પડયા રહીને મહાન જીવન ધ્યેયો વીસરી જતાં હોય છે. ક્ષુલ્લક હૈ ઉસ પર મત સોચો, છોડ દો ઉસે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નનો પુરસ્કાર આપવો રાજકારણની એ પરંપરાને સમ્માનિત કરે છે જેણે દરેક તબક્કે પક્ષની સીમાઓ ઓળંગી છે, વિરોધીઓને આદર આપવાની અને આદર મેળવવાની ક્ષમતાથી શક્તિ પ્રાપ્ત કરી છે. 

ચોક્કસપણે આ એક મોટો નિર્ણય છે અને તેના ઘણાં પાસાઓ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થઈ ગયો છે. રામજન્મભૂમિ આંદોલનને વેગ આપવાનો શ્રેય જો કોઈ એક રાજકીય નેતાને આપી શકાય તો તે અડવાણી છે.

નેવુંના દાયકાની શરૂઆતમાં યોજાયેલી તેમની રથયાત્રાએ આ મુદ્દાને જેટલો મજબૂત બનાવ્યો તેટલો ભાગ્યે જ કોઈ એક ઘટનાએ આ મુદ્દાને મજબૂત કર્યો છે. આમ છતાં, વર્તમાન સમયમાં એવા અવાજો ઉઠી રહ્યા હતા કે અડવાણીને જોઈએ તેટલી ક્રેડિટ મળી નથી. ભારત રત્ન આપવાનો આ નિર્ણય આવી બધી ટીકાઓનો અવકાશ દૂર કરે છે.

ગયા મહિને જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. જોકે તે નિર્ણયને રાજકારણના તમામ પ્રવાહોએ ટેકો આપ્યો હતો, તેમ છતાં ક્યાંક ને ક્યાંક એવું પણ નોંધવામાં આવ્યું હતું કે સરકારે સમાજવાદી પ્રવાહનું સન્માન કર્યું હતું જે વર્તમાન રાષ્ટ્રવાદી પ્રવાહની વિરુદ્ધ વૈચારિક ધારા છે. આવી સ્થિતિમાં જાણ્યે-અજાણ્યે એ નિર્ણયે રાજકીય સંતુલનની જરૂરિયાત પણ પૂરી કરી છે, પરંતુ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયમાં એક મોટો મેસેજ છે. જોકે અડવાણીની રાજનીતિમાં એક પ્રકારની વૈચારિક આક્રમકતા રહી હશે અને તેના કારણે તેના સમર્થન અને વિરોધમાં જોરદાર લાગણીઓ જોવા મળે છે.

જ્યાં સુધી તેમના અંગત આચરણની વાત છે, તેમણે હંમેશા પવિત્રતા જાળવી રાખી છે અને આ વાત તેમના કટ્ટર વિરોધીઓ પણ સ્વીકારે છે. હવાલા કૌભાંડમાં તેમનું નામ આવતાની સાથે જ અડવાણીએ સંસદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું, એટલું જ નહીં, પણ તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેઓ ચૂંટણી લડશે નહીં કે કોઈ જાહેર પદ સ્વીકારશે નહીં. પછીથી તેઓ દોષમુક્ત જ સાબિત થયા હતા. આ તાકાત આજના નેતાઓમાં નથી. આજે તો હવાલા કૌભાંડના કારીગરોને ધક્કા મારીને હાંકવા પડે છે.

તેમના રાજકીય જીવનનો જે નેગેટિવ પોઈન્ટ કહી શકાય તે એ છે કે તેમની આગેવાની હેઠળના આંદોલન દરમિયાન બાબરી મસ્જિદનો ધ્વંસ, જેને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ અપરાધ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ અહીં ખાસ વાત એ છે કે તેણે ક્યારેય તે ઘટનાને સમર્થન આપ્યું નથી. તેમણે હંમેશા મંદિર ચળવળની સર્જનાત્મક વિશિષ્ટતા પર ભાર મૂક્યો હતો અને તે ખયાલને દેશની ભવ્ય આધ્યાત્મિક પરંપરા સાથે જોડી રાખ્યો હતો. તેમને ભારત રત્ન આપવાનો નિર્ણય બેશક આવકાર્ય છે.

વર્ષ ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યા રથયાત્રા સાથે પોતાના રાજકીય જીવનમાં એક એવા જન આંદોલનની શરૂઆત કરી હતી, જેનાં પરિણામો આજે જોવા મળી રહ્યાં છે. દેશમાં રામમંદિર આંદોલનને લોકો સુધી પહોંચાડવામાં લાલકૃષ્ણ અડવાણીની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તેમની રથયાત્રાએ ભાજપ અને રામ મંદિર આંદોલન બંનેને જનતામાં સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં, ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીને આમંત્રણ ન આપવાના મુદ્દે ઘણી ચર્ચા થઈ હતી.

તે સમયે તેના વિશે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા હતા. જોકે, ત્યાર બાદ તેની તબિયત સંબંધિત સમસ્યાઓ વિશે જાણકારી સામે આવી. લાલકૃષ્ણ અડવાણી અભિષેક સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. જોકે યશમાં ભાગ ન પડે એટલે ભલભલા દિગ્ગજોને એ સમારોહમાં સવિવેક ગેરહાજર રાખવામાં આવ્યા હતા. 

હવે જ્યારે પીએમ મોદીએ તેમને ભારત રત્ન આપવાની જાણ કરી ત્યારે ભાજપના સમર્થકો ખુશ થઈ ગયા છે. એનું બીજું કારણ એ છે કે આજે પણ ભાજપમાં મોદી-શાહ સાથે વ્યક્તિગત કામ કરનારા લોકો કરતાં અડવાણી સાથે કામ કરી ચૂકેલા કાર્યકરો-નેતાઓની સંખ્યા મોટી તો છે, પણ અનેકગણી મોટી છે.

ભારતીય જનતા પાર્ટીની રચના વર્ષ ૧૯૮૦માં થઈ હતી. ત્યાર પછી પાર્ટી મોટા મુદ્દાની શોધમાં હતી. વર્ષ ૧૯૮૪માં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભાજપે પણ તેમાં રસ લેવાનું શરૂ કર્યું. ૧૯૮૪ની પહેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માત્ર બે સીટથી જીત મેળવવામાં સફળ રહી હતી. 

ત્યારે રામ મંદિરનો મુદ્દો લોકો સુધી પહોંચ્યો ન હતો. આ પછી અટલ-અડવાણીની જોડીએ રાજીવ ગાંધીની મદદથી રામમંદિર મુદ્દે રાજકારણ ખતમ કરવાની રણનીતિ બનાવી. પાર્ટી દ્વારા રામ મંદિરનો મુદ્દો સતત ઉઠાવવામાં આવ્યો. તેની અસર વર્ષ ૧૯૮૯માં જોવા મળી હતી. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપા ૧૧.૩૬ ટકા વોટ શેર મેળવવામાં સફળ રહી હતી. પાર્ટીને ૮૫ બેઠકો મળી હતી. આમાં અડવાણીની સૌથી મોટી ભૂમિકા હતી. ત્યાર પછીનો ઈતિહાસ જાણીતો છે.

Gujarat