દુનિયામાં અંધાધૂંધીનો માહોલ એવો ઘૂંટાયો છે કે ઓલિમ્પિક્સ બાપડું એક તરફ હડસેલાઇ ગયું છે

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
દુનિયામાં અંધાધૂંધીનો માહોલ એવો ઘૂંટાયો છે કે ઓલિમ્પિક્સ બાપડું એક તરફ હડસેલાઇ ગયું છે 1 - image


- અલ્પવિરામ

- સમગ્ર એશિયા ખંડ અત્યારે દુનિયાના મીડિયા પર છવાયેલો છે. જાપાનને કારણે દુનિયાભરના સ્ટોક માર્કેટ ક્રેશ થયાં છે. યુક્રેનને નવા ફાઇટર જેટ પ્લેન મળતા પુતિન ધુંઆપુઆ છે. બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના ભારત નાસી આવ્યાં છે અને  મિડલ ઇસ્ટમાં ધૂમ્રવલયો ઉડે છે

સમગ્ર એશિયા ખંડ અત્યારે દુનિયાના મીડિયા પર છવાયેલો છે. જાપાનને કારણે દુનિયાભરના સ્ટોક માર્કેટ ક્રેશ થયા છે. યુક્રેનને નવા ફાઇટર જેટ પ્લેન મળતાં પુતિન રાબેતા મુજબ ધુંઆપુઆ છે. બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તેઓ ભારત આવી ગયાં છે અને  મિડલ ઇસ્ટના દેશોમાં વસતા ભારતીયોને વતન પરત બોલાવવામાં આવી રહ્યાં છે. પેરિસ ઓલિમ્પિક્સ સાઈડમાં રહી ગયું અને લંડનનાં તોફાનો હેડલાઈન બનાવી રહ્યાં છે. ચારેબાજુ અંધાધૂંધીનો માહોલ છે. અખબારો પાસે પાના ખૂટી રહ્યાં છે.

પશ્ચિમ એશિયાનો ભૌગોલિક અને રાજકીય ચિતાર ફરી એકવાર લોહિયાળ ઉથલપાથલને આરે છે. તાજેતરની ઘટનાઓએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવમાં વધારો કર્યો છે. આ તણાવનો સાદો અર્થ યુદ્ધ થાય છે. તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહની હત્યાથી આક્રોશ ફેલાયો છે. ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેવા માટે મરણિયું થયું છે. ઇરાનનો ઇગો પહેલેથી મોટો રહ્યો છે. આ તોળાઈ રહેલા સંઘર્ષની દૂરોગામી અસરો ગંભીર હશે. ઈરાન અને ઇઝરાયેલ જ્યાં સંડોવાયેલા હોય ત્યાં પૂર્વ અને પશ્ચિમના દેશોએ પણ નાછૂટકે જોતરાવવું પડે - આવો વણલખ્યો નિયમ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે, જેમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી કે નજીકના ભવિષ્યમાં થવાનો નથી.

વર્તમાન કટોકટીનું કારણ લક્ષ્યાંકિત હત્યાઓની સિલસિલાબંધ શ્રેણીમાં શોધી શકાય છે. ૩૦ જુલાઈના રોજ, બેરુતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર ફુઆદ શુકર માર્યા ગયા હતા. આ હુમલાના થોડા સમય પછી હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનીયેહની ૩૧ જુલાઈના રોજ તેહરાનમાં હત્યા કરવામાં આવી. જોકે ઈઝરાયેલ ખુલ્લેઆમ જવાબદારી સ્વીકારતું નથી, પરંતુ આ હત્યાઓ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની વ્યાપક શંકા છે. હમાસને આમ પણ ઇરાનનું જ પ્રોક્સી માનવામાં આવે છે. પાડો હણાયો તો હવે પખાલી ગુસ્સામાં છે. હિઝબુલ્લાહ પણ હવે ધમકીઓ આપવા માંડયું છે. ઈરાન-લેબનોનનો  પ્રદેશ અત્યારે આક્રમક મૂડમાં છે. ઇઝરાયેલ પીઢ વડીલની જેમ શાંતિથી મૌન બેઠું છે.

આ હત્યાઓના જવાબમાં, ઈરાનના ઘરડા છતાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીએ ઈઝરાયલ વિરુદ્ધ જવાબી હુમલાનો આદેશ આપ્યો છે. આ નિર્દેશ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક દરમિયાન આવ્યો હતો, જેમાં ઈરાનના સંકલ્પની ગંભીરતા દર્શાવવામાં આવી હતી. વધુમાં, હિઝબુલ્લાહે  ઇઝરાયેલના ઉત્તર ભાગ પર રોકેટ હુમલાઓ વધાર્યા એટલે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો.

આ સંઘર્ષની અસરો ગહન છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ લેબનીઝ પ્રદેશમાં હિઝબુલ્લાહની સ્થિતિને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. આ અથડામણોમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને બાજુના નાગરિકો જાનમાલની નુકસાની વેઠી રહ્યા છે.

સંપૂર્ણ સ્તરે યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ઈરાને આરબ નેતાઓને આગોતરી જાણ કરી દીધી છે કે તે બદલો લેશે અને તેના કારણે યુદ્ધ ફાટી નીકળે તો ઈરાનને કઈ પડી નથી. આવું વલણ પહેલા જોવા મળ્યું ન હતું. ભૂતકાળમાં બંને પક્ષોએ સંપૂર્ણ પાયે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાને તેના આયોજિત હુમલાની વિગતો મીડિયા સાથે શેર કરવાનો ઇનકાર કર્યો છે, જે એપ્રિલમાં તેની અગાઉની વ્યૂહરચનાથી તદ્દન વિપરીત કહેવાય જ્યારે તેણે ઈઝરાયેલ પર ૬૦૦થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડયા હતા. એ છસ્સો મિસાઈલો જ હવે ફરી સજીવન થઈને પરસ્પરની ઊંઘ ઉડાડે છે.

વધેલા તણાવની સંભાવના ઈરાન અને ઈઝરાયેલ પૂરતી સીમિત નહી રહે. લેબનોનમાં ઈરાનના સાથી હિઝબોલ્લાહ પાસે અત્યાધુનિક શસ્ત્રાગાર છે, જેમાં ઇઝરાયેલના હવાઈ સંરક્ષણને હરાવવા સક્ષમ ટાર્ગેટ - ગાઇડેડ મિસાઇલોનો સમાવેશ થાય છે. હિઝબોલ્લાહની આક્રમકતા લેબનોનને સંઘર્ષમાં ખેંચી શકે છે. લેબનોનની સ્થિતિ આમ પણ મજબૂત નથી. માટે જ તે દેશમાં રહેતા ભારતીયોને અને બ્રિટિશરોને તેમના દેશો દ્વારા વતન પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સહયોગી દેશો આ મિડલ ઇસ્ટમાં સુરક્ષાને મજબૂત કરવા માટે પગલાં લઈ રહ્યા છે - એવી તેઓ જાહેરાત કરે છે. હકીકતમાં બધા પોતાના સ્વાર્થ - હિતોને સાચવી રહ્યા છે.  પેન્ટાગોને પશ્ચિમ એશિયામાં નૌકા અને હવાઈ દળોને તૈનાત કરીને યુદ્ધ માટે તત્પર રહેવાનો આદેશ આપ્યો છે. આ એકત્રીકરણ ગાઝા યુદ્ધના શરૂઆતના દિવસોથી યુએસ દળોની સૌથી મોટી હિલચાલનું પ્રતિનિધિત્વ કરે છે. યુએસ સંરક્ષણ સચિવ લોય્ડ ઓસ્ટિને વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એનો અર્થ એ કે અમેરિકા લડી લેવાના મૂડમાં છે.

વધતા તણાવ વચ્ચે પણ રાજદ્વારી પ્રયાસો ચાલુ છે. જોર્ડનના વિદેશપ્રધાન અયમાન સફાદીએ ઈરાનને બદલો લેતા પાછા વાળવાના છેલ્લા પ્રયાસમાં તેહરાનની મુલાકાત લીધી. જોકે, આવા પ્રયાસોની ઈરાન ઉપર ખાસ અસર નહી થાય. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન પણ સક્રિય છે, G7 દેશોને સંયમ રાખવા માટે સામેલ તમામ પક્ષો પર રાજદ્વારી દબાણ લાવવા વિનંતી કરી છે.

આ સંઘર્ષની દિશા નક્કી કરવા માટે ઈરાન દ્વારા લેવામાં આવતા આગામી પગલાં મહત્ત્વપૂર્ણ રહેશે. જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તેની યોજનાઓ સાથે આગળ વધશે, તો મિડલ ઇસ્ટની અસ્થિરતામાં વિનાશક વધારો થઈ શકે છે. સમગ્ર પ્રદેશમાં વિવિધ ઈરાની સમર્થિત જૂથોને સામેલ કરતા મલ્ટિ-ફ્રન્ટ યુદ્ધની સંભાવના, એક ડરામણી કલ્પના છે, જે અબજો ડોલરના નુકસાન અને હજારો માણસોના મૃત્યુ સાથે વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે.

પશ્ચિમ એશિયામાં વર્તમાન પરિસ્થિતિ નાજુક અને ખતરનાક છે. હમાસ અને હિઝબોલ્લાહના મુખ્ય વડાઓની હત્યાએ હિંસક ચેઇન રીએકશન શરૂ કરી છે જે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ફૂલ ફ્લેજેડ યુદ્ધ તરફ દોરી શકે છે. પ્રાદેશિક અને વૈશ્વિક સત્તાઓ સમીકરણમાં ઉમેરાશે તો સંઘર્ષની જટિલતામાં વધારો થશે. સોશિયલ મીડિયા તો જાણે ત્રીજા વર્લ્ડ વોરની રાહ જોતું બેઠું છે. ઝનૂની દેશો પાસેથી શાંતિપૂર્ણ ઉકેલની આશા રાખવી વ્યર્થ છે. કટ્ટરપંથી દેશો ભવિષ્યનો વિચાર કર્યા વિના નિર્ણયો લેતા હોય છે. સામાન્ય નાગરિકની જિંદગી ચપટીક નેતાઓના નિર્ણયોને કારણે દાવ પર મુકાતી હોય છે. યુદ્ધ થાય કે ન થાય, ભારત કોઈ પણ સ્થિતિની આર્થિક અને રાજકીય અસરોમાંથી મુક્ત રહી શકશે નહીં.

Alpviram

Google NewsGoogle News