Get The App

રેસમાં આગળ નીકળી જશે આ ગડકરી ?

Updated: Mar 12th, 2019

GS TEAM

Google News
Google News
રેસમાં આગળ નીકળી જશે આ ગડકરી ? 1 - image



મોદીની જૂની પ્રેક્ટિસ છે કે સત્ય ઉચ્ચારનાર સામે તેઓ અનેકને ઉશ્કેરે છે, પરંતુ ગડકરીના સત્યનો તેઓ બહિષ્કાર કરી શકે એમ નથી

ભાજપની ટોચની નેતાગીરીમાં એકાએક જ છેલ્લા થોડા સમયથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નિતાંત રમણીય અને મૌલિક વિચારોએ સનસનાટી મચાવેલી છે. વડાપ્રધાન મોદી અને પક્ષાધ્યક્ષ શાહ સામેનો એક આંતરિક મોટો પડકાર હોય તે રીતે ગડકરી જ્યારે પણ મનને ફાવે ત્યારે ધુંઆધાર બેટિંગ કરીને ભાજપમાં બાઝી ગયેલા દોષોની સાફસુફી પોતાની જ વાણીથી કરતા રહે છે.

શરૂઆતમાં તો એમ લાગતું હતું કે ગડકરીની જીભ લપસે છે, પરંતુ પુનરાવર્તિત ક્રમે તેમણે જે વિધાનો ચાલુ રાખ્યા તેના પરથી એ વાત પ્રતિષ્ઠાપિત થઇ કે તેમને વિશેષ સ્વતંત્રતાઓ મળેલી છે અને તેઓ પક્ષના કોઈપણ નેતાની જાહેરમાં ટીકા કરી શકે છે. 

આ ઘટનાઓને સમાંતર દેશના કોર્પોરેટ જગતમાં ગડકરીનો એક બીજો જ લોકપ્રિય ચહેરો છે જેમાં તેઓ ઇનોવેટિવ પધ્ધતિથી સરકારને અબજો રૂપિયાના ફાયદાઓ કરાવતા રહ્યા તેના કેટલાક છુટક આત્મકથાનકો વાયરલ થયેલા છે.

આજે એ વ્યાખ્યાનો આઈઆઈએમ અને આઈઆઈટીના સ્માર્ટ ક્લાસના સ્ક્રીન પર અધ્યાપકો દર્શાવવા લાગ્યા છે. ગડકરીના કેટલાક વાયરલ થયેલા એ વ્યાખ્યાન ખંડો જે કોઇના પણ સાંભળવામાં આવે તેને પહેલી નજરે જ આ રાજનેતા વડાપ્રધાનપદનો દાવો કરવાનું સર્વ સામર્થ્ય ધરાવે છે એવો અણસાર આવ્યા વિના ન રહે.

વડાપ્રધાન મોદીની એક ઇમેજ સપનાના સોદાગર તરીકેની છે. આજકાલ ગડકરીનું જે વિખ્યાત વાક્ય સોશ્યલ મીડિયામાં તરી રહ્યું છે તેમાં તેઓ કહે છે કે સપના બતાવવાવાળા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ દેખાડેલા સપનાઓ જો પૂરા કરવામાં ન આવે તો જનતા એ નેતાની પિટાઈ પણ કરે છે, માટે સપના એ જ બતાવો જે પૂરા થઇ શકે, હું સપના બતાવવાવાળા નેતાઓમાંથી નથી, હું તો જે કંઇ પણ કહું છું તે ડંકે કી ચોટ પર કહુ છું.

જ્યારથી લોકસભાની આગામી ચૂંટણીના વાઝા વાગવાના ચાલુ થયા છે ત્યારથી કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી ગડકરી ભાજપના ટોચના નેતાઓની વિદાય માટેની જ સડક બનાવી રહ્યા હોય એમ લાગે છે. ભાજપમાં જ નીતિન ગડકરીનો એક આગવો ચાહક વર્ગ ઊભો થયો છે. 

અગાઉ ગડકરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તાઓના સંમેલનમાં અનેક ટકોર એવી કરી જે વડાપ્રધાન મોદીને લાગુ પડે. ત્યારે તેમણે કહ્યું કે જે લોકો પોતાનું ઘર સંભાળી શક્તા નથી તેઓ કદી દેશ સંભાળી ન શકે, બીજા કોઈપણ પ્રધાનોની તુલનામાં ગડકરીનું કામ ઘણું જ પ્રશંસનીય છે, કેબિનેટ મીટિંગમાં પણ તેઓ સદાય છવાયેલા રહે છે.

એ વાત હવે જાહેર છે અને દેખાય જ છે કે ભાજપના ગઢમાં હવે મોદી-શાહની જોડી રક્ષાત્મક સ્થિતિમાં આવી ગઈ છે અને નીતિન ગડકરી એ જુગલજોડી તરફ આક્રમક છે. નીતિન ગડકરી પાછળ કોઈક તાકાત કામ કરી રહી છે, જે પરદા પાછળથી ગડકરીને શતરંજની ચાલ જેમ એક એક સ્ટેપથી આગળ ધપાવે છે. 

વળી આ વાત પણ મોદી-શાહ ન સમજે એટલા બધા તો તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં નવા નથી. અગાઉ એક વાર ગડકરીએ એમ કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે આપણે જીતવાના નથી, એટલે તો અમે ગપ્પા માર્યા હતા. આ કહેનાર ને ગપ્પા શીખવનાર કોણ હતા તે કહેવાનું જો કે ગડકરીએ હજુ બાકી રાખ્યું છે. 

ગડકરીના તમામ વિધાનોમાં મિસ્ટર મોદી માટે સ્પષ્ટ છતાં ભેદી સંકેતો છુપાયેલા છે. મોદીની જુની પ્રેક્ટિસ છે કે સત્ય ઉચ્ચારનાર સામે તેઓ અનેકને ઉશ્કેરે છે, પરંતુ ગડકરીના સત્ય સામે તેઓ કોઇને ઉશ્કેરી શકે એમ નથી કે ગડકરીનો બહિષ્કાર કરાવી શકે એમ નથી. અભિનેતા નાના પાટેકર સાથેની એક વાયરલ વાતચીતમાં પણ ગડકરીએ મરાઠી ભાષામાં જે વાતો કરી છે એણે ખુદ ભાજપના મતલાલચયુક્ત દંભી ચહેરાને બેનકાબ કરેલો છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુમાં વધુ નજીક આજકાલ ગડકરી એક માત્ર છે. બીજાઓ પણ છે, પરંતુ તેઓ થોડી દૂર છે અથવા સંઘ સ્વયં એમનાથી દૂર થઇ રહ્યો છે. સંઘ વડા મોહન ભાગવત ફ્યુચરિસ્ટિક પર્સનાલિટી ગણાય છે. તેમણે સંઘ તરફથી વડાપ્રધાનપદના એક વૈકલ્પિક દાવેદાર તરીકે નીતિન ગડકરીને પ્રમોટ કર્યા છે. મોદી-શાહની જોડી પાર્ટીની ભીતર જ એકલી પડી જાય એવા સંયોગો છે. 

નાણાં પ્રધાન જેટલી સતત પથારીવશ છે, ક્યારેક થોડા દિવસ તેઓ દેખાય છે ને ફરી પાછા સારવાર માટે જતા રહે છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આગામી ચૂંટણી લડવા ચાહતા નથી, એનું કારણ હજુ અપ્રગટ છે. કદાચ એમને વડાપ્રધાન સામે ફરિયાદ હશે કે છેલ્લા પાંચ વરસમાં, પોતે વિદેશમંત્રી હોવા છતાં પ્રધાનમંત્રીએ એમને એક પણ વખત વિદેશ પ્રવાસમાં સાથે આવવાનું નિમંત્રણ ન આપ્યું !

નીતિન ગડકરીની સતત આગેકૂચ અને સ્વતંત્ર સ્વૈરવિહારી વાણીથી હવે કોઈ એમ માનતું નથી કે એ તો એમનો સ્વભાવ છે, ભલે બોલે ! હવે ગડકરીને સંઘના પ્લાન-બી તરીકે જોવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપને ઘટતી બહુમતી માટે જે વિવિધ પક્ષોનો ટેકો લેવાનો આવે તેમાં ટેકો આપનારા પક્ષો નરેન્દ્ર મોદી સિવાયના કોઈ નેતા જ એનડીએનું નેતૃત્વ કરે એવો જો આગ્રહ રાખે તો સંઘ નીતિન ગડકરીને આગળ કરશે એ નક્કી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો નાગપુર પ્રવાસ અને પછીથી રાહુલ ગાંધીનો ગોવા પ્રવાસ પણ રહસ્યમય છે.

નીતિન ગડકરીની ઉંમર પણ એવી નથી કે અડવાણી, મુરલી મનોહર વગેરેની જેમ એમનેય વડીલ વંદના કાર્યક્રમમાં સમાવીને રાજકીય વૃદ્ધાશ્રમમાં મોકલી શકાય. ગડકરીની વાત કરવાની રીત અને રજૂઆત જે આત્મવિશ્વાસનો પ્રતિધ્વનિ વ્યક્ત કરે છે તેમાં નાગપુરના પરિપોષણના પડઘા સંભળાય છે.

છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે પણ ગડકરીએ પક્ષના અધ્યક્ષ પર તડાપીટ બોલાવીને સંબંધિત પરાજયોની જવાબદારી તેમના ગળામાં પધરાવી હતી. ગડકરી પાસે એક આગવી ટીમ છે, ઉપરાંત તેમની સત્યપ્રિયતા તેમનું સૌથી મોટું આભૂષણ છે. 

આજકાલ ભાજપમાં સત્યનો જ દુષ્કાળ છે. તે એટલી હદ સુધી કે અસત્યની વિવિધ હજાર કેટેગરીના પ્રયોગો ભાજપે કરેલા છે જેમાં સાવ આંશિક અસત્યથી ઘોર અને અતિ ઘોર અસત્ય સુધીની એક આખી ગેલેક્સી દેખાય છે. અસત્યની સૌથી મોટી મઝા એ છે કે અબુધ વ્યક્તિને પણ ખબર પડી જાય કે આ અસત્ય છે. 

રાજનેતાઓ માને છે પરંતુ ભારતમાં અબુધ નાગરિક તો હવે ઇતિહાસના કોઈ પાને મળે તો મળે ! હવે અબુધ કોઈ છે જ નહિ, અને છે તેઓ તો ક્યારનાય રાજકારણમાં જોડાઈ ગયેલા છે. ભાજપ ધારે તો પ્રજાને બેવકૂફ બનાવવાના પેંતરાઓ અને પ્રકારોનો એક ભગવદ ગોમંડલ જેવો દળદાર જ્ઞાાનકોશ વર્ગીકૃત રીતે સ્વાનુભવે આલેખી શકે એમ છે. એ અલિખિત ગ્રંથમાં નવા પ્રયોગો ન ઉમેરાય એટલા માટે સંઘે આખરે નીતિન ગડકરીને પ્લાન બી તરીકે પ્રમોટ કરેલા છે.

દેશના યુવાનો સાથે ગડકરી નિખાલસતાથી અવારનવાર વાતો કરતા રહે છે. મરાઠા આંદોલન વખતે એમણે સમગ્ર દેશના યુવાનોને કહ્યું હતું કે અનામત એ કંઇ નોકરી મળવાની ગેરેન્ટી નથી. નોકરીઓ છે જ ક્યાં તે તમે અનામત માટે ઘેલા થયા છો ? સરકારમાં પણ આઉટ સોર્સિંગના અજગરે એવો ભરડો લીધો છે કે ક્રમશઃ નોકરીઓ ઘટતી જ જવાની છે. ને એમ જ નોકરીની રાહ જોતાં યુવાનોની જવાની તો, જવાની જ છે. ગડકરી સાચું વિચારી શકે છે અને બોલી શકે છે. 

એક મોટા ગજાના રાજનેતામાં હોવી જોઇએ એ લાક્ષણિકતાઓ તેમનામાં હયાત છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં એવા તો પારાવાર નેતાઓ છે કે જેમની સવાર પ્રથમ તો ખોટું વિચારવાથી જ પડે છે ને રાત્રે સુતા પહેલાં પણ તેઓ અઢળક ખોટું બોલી ચૂક્યા હોય છે. ભાજપનું કમળ કે જે અનેક પ્રકારના સ્વનિર્મિત અને સ્વસર્જિત કાદવથી ખરડાઈ ગયું છે તેને ધોવા માટે નીતિન ગડકરીની વાણીનો અભિષેક હજુ તો સાવ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ સ્હેજ વિશાળ પટ મળતાં એ ગંગા-જમના જેમ પુરપાટ વહેવાની સંભાવના ધરાવે છે.


Tags :